ટેસ્લા-પ્લાન્ટ નાખવા મસ્કને મહારાષ્ટ્રનું પણ આમંત્રણ

મુંબઈઃ અમેરિકાના ઉદ્યોગપતિ ઈલોન મસ્કને એમની ટેસ્લા ઈલેક્ટ્રિક કારનો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ નાખવાનું તેલંગણાના ઉદ્યોગ પ્રધાન કે.ટી. રામા રાવે ગઈ કાલે આમંત્રણ આપ્યા બાદ મહારાષ્ટ્રના એક પ્રધાને મસ્કને આવી જ અપીલ કરી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના મહારાષ્ટ્ર એકમના વડા જયંત પાટીલે કહ્યું છે કે ભારતમાં ટેસ્લા કંપનીનો પ્લાન્ટ નાખવા ઈચ્છતા મસ્કને મહારાષ્ટ્ર તમામ જરૂરી સહાયતા પૂરી પાડશે. જયંત પાટીલ મહારાષ્ટ્રના જળસંસાધન ખાતાના પ્રધાન પણ છે. એમણે મસ્કના એક ટ્વીટના જવાબમાં કહ્યું છે કે, ‘ભારતમાં મહારાષ્ટ્ર એક પ્રગતિશીલ રાજ્ય છે. તમે ભારતમાં બિઝનેસ સ્થાપવા ઈચ્છતા હો તો તમને મહારાષ્ટ્રમાંથી તમામ જરૂરી મદદ અમે પૂરી પાડીશું. અમે તમને આમંત્રણ આપીએ છીએ કે તમે મહારાષ્ટ્રમાં તમારો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ નાખો.’

મસ્કને હાલમાં એક ટ્વિટરે સવાલ પૂછ્યો હતો કે ‘તમે ભારતમાં તમારી કાર ક્યારે લોન્ચ કરશો?’ ત્યારે મસ્કે જવાબ આપ્યો હતો, એમને કેટલાક સરકારી નિયંત્રણો તકલીફ આપી રહ્યા છે. અગાઉ, મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ કહ્યું હતું કે ટેસ્લા કંપની મહારાષ્ટ્રમાં ઉત્પાદન પ્લાન્ટ નાખવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે વાટાઘાટ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]