UPની ચૂંટણીમાં ભાજપની યાદીઃ 20-ટકા વિધાનસભ્યોની ટિકિટ કપાઈ

લખનઉઃ ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે 107 ઉમેદવારોનાં નામની યાદી જારી કરી છે. ભાજપે આ વખતે આશરે 20 ટકા હાલના વિધાનસભ્યોની ટિકિટ કાપી છે. આ વખતની ચૂંટણીમાં યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરથી ચૂંટણી લડશે, જ્યારે ઉપ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુ બેઠકથી ચૂંટણી લડશે.

ભાજપના ઉમેદવારોની યાદી જારી કરતાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે 107 ઉમેદવારોનાં નામની ઘોષણા કરવામાં આવી છે. 83 હાલના વિધાનસભ્યોને ફરીથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે. 24 નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે, જેમાં યુવા, મહિલા અને સમાજમાં સારું કામ કરતા લોકોને સામેલ કરવામાં આવ્યા છે.

આ 107 સીટોમાંથી 44 ઓબીસી, 19 એસસી અને 10 મહિલાઓ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ તબક્કામાં યોગી અને મૌર્યના નામ સામેલ નથી.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની છે. પહેલો તબક્કો 10 ફેબ્રુઆરીએ થશે, જ્યારે બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, ચોથે તબક્કો 23 ફેબ્રુઆરીએ, પાંચમા તબક્કાની ચૂંટણી 27 ફેબ્રુઆરી, છઠ્ઠા તબક્કામાં ત્રીજી તબક્કામાં અને સાતમા તબક્કો સાત માર્ચે મતદાન થશે અને આ મત ગણતરી 10 માર્ચે થશે.

યોગીની સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં તોફાનીઓ પર કડક કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચારીઓ પર પગલાં લેવામાં આવ્યાં છે. રાજ્યની દીકરીઓ રાત્રે પણ નિર્ભયપણે ફરી શકે છે. અમને વિશ્વાસ છે કે 2022 ના આ મહાન પર્વમાં લોકો અમને ફરીથી આશીર્વાદ આપશે.