ગુજરાતમાં બહુપક્ષીય રાજકારણની શરૂઆત?

ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી પહેલાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ટેલિવિઝન ચેનલોને આપેલા દરેક ઇન્ટરવ્યૂમાં એક વાત ખાસ કહેતાઃ આ ચૂંટણીમાં બેઠક સંખ્યામાં કે મતની ટકાવારીમાં ભાજપ દરેક પ્રકારના રેકોર્ડ તોડશે… હવે એ ભાજપના કાર્યકરોને પાનો ચડાવવા આવું કહેતા હતા, એ એમનો આત્મવિશ્વાસ હતો કે પછી અત્યંત ગણતરીપૂર્વકના આયોજન સાથે બોલતા હતા એની તો એમને જ ખબર, પણ ગુજરાત ભાજપે 2022ની આ ચૂંટણી સાચા અર્થમાં પોતાના નામે કરી દીધી છે. 52 ટકા મત સાથે 156 બેઠકનો જનાદેશ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. 27 વર્ષના શાસન પછી, સાડત્રીસ વર્ષ જૂનો માધવસિંહ સોલંકીનો 149 બેઠકનો વિક્રમ તોડવામાં ભાજપ સફળ થયું છે.

ઇતિહાસ રચાઇ ચૂક્યો છે. નજીકના ભવિષ્યમાં ન તૂટે એવા કંઇકેટલાય આંકડાકીય રેકોર્ડ સર્જાઇ ચૂક્યા છે અને રાજકીય પંડિતો આંકડાકીય ગણતરીઓ માંડીને એ સમજી શકે એ પહેલાં ગાંધીનગરમાં નવી સરકાર પણ રચાઇ ચૂકી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત હોય, શહેરી વિસ્તાર હોય કે ગામડાંઓ હોય, નરેન્દ્ર મોદી નામનું વાવાઝોડું બધે એકસરખી તીવ્રતાથી ફૂંકાઇ ચૂક્યું છે એટલે ગુજરાતમાં ભાજપ સામે વિધાનસભાની બહાર કોઇ પડકાર નથી, પરંતુ કોંગ્રેસ ફક્ત 17 બેઠક સાથે વિરોધ પક્ષનું નેતાપદ પણ મેળવી શકી નથી એ સંજોગોમાં વિધાનસભા ગૃહની અંદર પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોઇ પડકાર દેખાતો નથી.

પરંતુ એનાથી તમને એમ લાગતું હોય કે હવે ગુજરાતમાં જંગ સમાપ્ત થઇ ચૂક્યો છે અને આગામી પાંચ વર્ષ સુધી રાજકીય માહોલ શાંત થઇ ચૂક્યો છે તો તમે ભૂલો છો. વાસ્તવમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો સાથે જ એપ્રિલ-મે, 2024માં રાષ્ટ્રીય કક્ષાએ ખેલાનારા રાજકીય યુધ્ધના મંડાણ પણ થઇ ચૂક્યા છે. 2022નો અંત એ ખરેખર તો 2024ના જંગની શરૂઆત છે. કઇ રીતે?
વેલ, કઇ રીતે આ પરિણામો 2024ના જંગ તરફ લઇ જાય છે એની વાત કરીએ એ પહેલાં આ પરિણામોના અમુક પાસાં સમજીએ.

છેવટે ભાજપ જીતે છે શા માટે?
આમ તો ઘણા કારણો છે ભાજપની જીતના. મજબૂત નેતૃત્વ, સંગઠન ક્ષમતા, હિન્દુત્વ મતબેંક, સંઘ સહિતની ભગિની સંસ્થાઓનું નેટવર્ક, ચૂંટણીનું માઇક્રોપ્લાનિંગ અને નબળો વિપક્ષ જેવા અનેક પરિબળો એમાં ભાગ ભજવે છે, પણ આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ પરિબળ એવા છે, જે ભાજપને સફળતાની 156 ફૂટ ઉંચાઇએ લઇ આવ્યા છે. એમાં ગણતરીપૂર્વકના રાજકીય જોખમો, જીતવું એ જ અંતિમ લક્ષ્ય એવો અભિગમ અને નરેન્દ્ર મોદીની બરકરાર અપીલનો સમાવેશ થાય છે.

એકઃ સપ્ટેમ્બર, 2021માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખેઆખા મંત્રીમંડળને સ્વર્ણિમ સંકુલની બહારનો રસ્તો દેખાડીને નવા નિશાળીયા જેવું મંત્રીમંડળ બનાવવાનો નિર્ણય નરેન્દ્ર મોદી-અમિત શાહે લીધેલું અત્યંત ગણતરીપૂર્વકનું જોખમ હતું. રાજકીય દાવ હતો. આ ચૂંટણીમાં વિજય રૂપાણી, નિતિન પટેલ સહિત જૂના જોગીઓને હટાવીને નવા ચહેરાઓને ટિકીટ આપવાનો નિર્ણય પણ જોખમી દાવ હતો અને પક્ષમાં કાર્યકર્તાઓની નારાજગી વચ્ચેય ભગા બારડ જેવા અનેકને કોંગ્રેસમાંથી લાવીને ટિકીટ આપવાનું પગલું પણ એ જ દિશાનું હતું.

બધાનું ધ્યાન એના ઉપર હતું કે નારાજ થયેલા નેતાઓ પક્ષને નુકસાન કરશે, પણ કદાચ મોદી-શાહનું ધ્યાન એના ઉપર હતું કે નવા ચહેરાઓ કેટલા ઉત્સાહથી દોડે છે! જૂના ચહેરાઓને હટાવવાથી એન્ટી-ઇન્કમ્બન્સી એટલે કે સત્તા વિરોધી વલણ તો ઓછું થાય જ, પણ પક્ષમાં નવા લોકોને તક મળવાથી નવી કેડર બમણા જોરથી કામ કરે. જ્યાં કોંગ્રેસના નેતાઓ વ્યક્તિગત રીતે તાકાતવર હતા ત્યાં એમને ભાજપમાં લાવવામાં પણ કોઇ સંકોચ ન રાખ્યો કેમ કે, છેલ્લે તો એમના આવવાથી પક્ષની તાકાત જ વધે છે. લોકોને હિંમતપૂર્વક નિર્ણય લેતી નેતાગિરી ગમે છે. કાર્યકરોના ફીડબેકના આધારે મોદી-શાહે આવા કેટલાક જોખમો લીધા.

બેઃ ચૂંટણીના રણમાં જે જીતે એ શૂર એ ભાજપનો મંત્ર છે. ઉમેદવારોની પસંદગી હોય, પક્ષમાં જવાબદારી નક્કી કરવાની હોય કે ચૂંટણીની રણનીતિમાં પ્રચારના મુદ્દાઓ નક્કી કરવાના હોય, જે રીતે જીત મળે એ મેળવવાનો તમામ પ્રયત્ન અને જીતવાનું ઝનૂન ભાજપમાં જોવા મળ્યું. યોગી આદિત્યનાથ બુલડોઝર લઇને આવે કે હિમંતા બિશ્વા સરમા આફતાબ કેસને પ્રચારમાં લાવે, મુદ્દા જે ચાલે એ ચલાવવાના. અંતિમ લક્ષ્ય જીતવાનું જ.

જ્યાં જીતી શકે એવા ઉમેદવાર મળ્યા ત્યાં એનું કોંગ્રેસી કુળ, દબંગની ઇમેજ કે ઉંમર એવા કોઇ માપદંડો ધ્યાનમાં લીધા વિના વિનેબિલીટી ફેક્ટરને જ મહત્વ આપ્યું. એક એક મતની કિંમત સમજીને મતદાનના દિવસ સુધી જિલ્લા-તાલુકા કક્ષાએ કોંગ્રેસ કે અન્ય પક્ષના નાના-મોટા કાર્યકર્તાઓને ભાજપમાં જોડવાનું ચાલુ જ રાખ્યું. પોતાનો ગઢ કહી શકાય એવી બેઠકોમાં લીડ વધારવા પર ધ્યાન આપ્યું તો અગાઉની ચૂંટણીઓમાં જ્યાં કોંગ્રેસ જીતી હોય એવી બેઠકો પર ઝીણવટપૂર્વકનું આયોજન કરીને એ કોઇપણ હિસાબે જીતવાનું લક્ષ્ય રાખ્યું. અમદાવાદ-સુરત જેવા શહેરી વિસ્તારોમાં જરૂર લાગી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ-શો કરવામાં પણ સંકોચ ન રાખ્યો.

ત્રણઃ એ કહેવાની તો જરૂર જ નથી કે કોઇપણ ચૂંટણી જીતવા માટે ભાજપમાં હવે નરેન્દ્ર મોદી હુકમનું પત્તું છે. એમાંય વાત ગુજરાતની હતી તો બહુ સ્પષ્ટ હતું કે નરેન્દ્ર મોદી જ ભાજપનો ચહેરો હતા. નરેન્દ્ર મોદી બરાબર જાણે છે કે, ગુજરાતની જનતાને સ્થાનિક ભાજપી નેતાગિરી સામે વાંધો છે, રાજ્ય સરકાર સામે નારાજગી છે કે પછી આખેઆખા ભાજપ સામે જનતાને આક્રોશ છે તો પણ નરેન્દ્ર મોદી એમના માટે પ્રિય પાત્ર છે. ગુજરાતનો મતદાર ભાજપને નહીં, મોદીને મત આપે છે.

આ જ કારણથી નરેન્દ્રભાઇએ પોતાના પ્રચારમાં પણ જનતાને ભાવનાત્મક રીતે જોડી રાખ્યા. જ્યાં રેલી હોય ત્યાં સ્થાનિક લોકોને, સ્થાનિક ચીજ-વસ્તુઓને યાદ કરવી, પોતે આ વિસ્તારમાં આવતા એ યાદ કરાવવું એ બધું એનું જ અનુસંધાન હતું. મારું એક કરજો. ઘરે જઇને તમારા વડીલોને મારા પ્રણામ પાઠવજો એવું કહીને એમણે મતદારોને હું તમારામાંનો જ એક છું, તમારા પરિવારનો જ સભ્ય છું એવું સતત યાદ કરાવ્યું. વળી, પોતાના ભાષણોમાં એમણે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે અને એ માટે આ નરેન્દ્ર મહેનત કરશે એમ કહીને પોતાનું દિલ કેટલું વિશાળ છે એવો સંદેશ ખુલ્લેઆમ આપીને પ્રદેશ ભાજપની પ્રદેશ નેતાગિરી-કાર્યકરોના દિલ ફરીથી જીતી લીધા. આ નરેન્દ્ર મોદી છે.

ચાલો, ભાજપ જીતે છે તો સામે કોંગ્રેસ કેમ હારે છે?
બન્ને પક્ષની રાજકીય ક્ષમતા અને સંગઠનની હાલતની સરખામણી કરીએ તો ભાજપની જીતના કારણોમાંથી જ કોંગ્રેસના હારના કારણો મળી આવે છે, પણ એમ છતાંય અમુક પરિબળ એવા છે, જે આ ચૂંટણીમાં કોંગ્રેસને એના ઇતિહાસની સૌથી કારમી હાર તરફ લઇ ગયા.

એકઃ એ વાત માની લઇએ કે નાણા સંસાધનોના અભાવે આ વખતે કોંગ્રેસ પ્રચારમાં જોરશોરથી ઉતરવાના બદલે મૌન રહીને લડતી રહી, પરંતુ તો પણ સાઇલન્ટ કેમ્પેઇનની એ રણનીતિ પૂરેપૂરી નિષ્ફળ ગઇ. તમારી સામે નરેન્દ્ર મોદી જેવા મજબૂત હરીફ હોય, ભાજપના નેતાઓ કાર્પેટ બોમ્બિંગ કરીને શેરીઓ ગજાવતા હોય ત્યારે એને જવાબ આપવા કોંગ્રેસ જાણે મેદાનમાં જ નહોતી. કોંગ્રેસની આ રણનીતિ પક્ષની વર્તમાન હાલત જોતાં વાજબી હોવા છતાં પોતાના કાર્યકર્તાઓ સુધી એ રણનીતિને અમલમાં મૂકવામાં પ્રદેશની નેતાગિરી નિષ્ફળ ગઇ. નેતાઓની આ હાલત જોઇને તો કાર્યકર્તા નિરાશ જ થઇ જાય. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગિરીને તો જાણે ગુજરાતની પડી જ નહોતી. નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રહી રહીને બે-ચાર દિવસ આંટો મારવા આવ્યા હોય એમ આવ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ તો જાણે ઇલેક્શન ટૂરીઝમ માટે આવતા હોય એમ આવીને એકાદ પત્રકાર પરિષદ કરતા ગયા અને પોતે કાંઇક કર્યાનો સંતોષ માનતા રહ્યા.

વળી, કોંગ્રેસની પ્રદેશ નેતાગિરી પક્ષના ભૂતકાળના દેખાવના કારણે સતત એવું માનતી હતી કે કોઇપણ સંજોગોમાં પક્ષનો જનાધાર 35 ટકા મતથી નીચે ન જાય. કદાચ એના કારણે જ પક્ષ જે બેઠકો પર આજદિન સુધી જીતતો આવ્યો છે ત્યાં ખાસ ધ્યાન ન આપ્યું. વધુ પડતા આત્મવિશ્વાસના કારણે થયું એવું કે પેટલાદ, બોરસદ, વ્યારા જેવી કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક ભાજપ આંચકી ગયું. ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ કોંગ્રેસની અત્યંત મજબૂત ગણાતી આંકલાવ બેઠક પર સાંકડી સરસાઇથી જીત્યા.

બેઃ ગઢ સચવાઇ જવાના વધુ પડતા આત્મવિશ્વાસ સામે શહેરી વિસ્તારોમાં જ્યાં ભાજપ મજબૂત છે ત્યાં કોંગ્રેસે જાણે અગાઉથી જ હાર સ્વીકારી લીધી હોય એમ ઉમેદવારોની પસંદગીથી માંડીને પ્રચારમાં ક્યાંય ગંભીરતા દાખવી જ નહી. ઉદાહરણ તરીકે, અમદાવાદના ઘાટલોડિયામાં મુખ્યમંત્રી સામે સંસદસભ્ય અમી યોજ્ઞિકને કોઇ તૈયારી કે રણનીતિ વિના મૂકી દીધા. નારણપુરામાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ મહિલા મોરચાના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનલ પટેલને અનિચ્છાએ લડવા મોકલ્યા. અમીબેહનની વ્યક્તિગત છાપ સારી, પણ ઘાટલોડિયાના મતદારોમાં એમની ઓળખ ન હોય. અહીંથી પક્ષ માટે કામ કરતા કાર્યકરોમાંથી કોઇને તૈયાર ન કરવાની ભૂલ કોંગ્રેસે કરી. (યાદ કરો, 2014માં રાહુલ સામે અમેઠીથી હારવા છતાં સ્મૃતિ ઇરાનીએ અમેઠી સાથે સતત જોડાયેલા રહીને 2019 માટે મજબૂત ગ્રાઉન્ડ તૈયાર કર્યું અને જીત્યા.) સવાલ એ છે કે કેમ કોંગ્રેસ આવા વિસ્તારોના સ્થાનિક-મજબૂત કાર્યકરોને તક આપીને પોતાનું નેટવર્ક તૈયાર કરવાની તક નથી આપતી? શહેરી વિસ્તારોમાં ભવિષ્ય માટે સંગઠન-નેતૃત્વ ઉભું કરવાની દિશામાં કોંગ્રેસ સાવ નિષ્ક્રિય છે અને આ જ નિષ્ક્રિયતાના પરિણામ એ ચૂંટણીમાં ભોગવે છે.

ત્રણઃ કોંગ્રેસની રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાગિરી નરેન્દ્ર મોદી-ભાજપની વ્યૂહરચનાને સમજવામાં જ થાપ ખાઇ ગઇ. ભાજપે જે રીતે રાષ્ટ્રીય નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી, જે રીતે નરેન્દ્ર મોદીએ અમદાવાદ-સુરતમાં રોડ શો કર્યા એનાથી કોંગ્રેસના નેતાઓ એવું માનવા લાગ્યા કે ભાજપ આ વખતે શહેરી વિસ્તારોમાં ય તકલીફમાં છે એટલે આટલી બધી મહેનત કરે છે. કોંગ્રેસના પ્રવક્તાઓ ચૂંટણી ડિબેટ્સમાં પણ આવી દલીલ કરતા રહ્યા, પણ એ એટલું ન સમજી શક્યા કે નરેન્દ્ર મોદી આવું કરીને કોંગ્રેસના પગ તળે વધેલી બાકીની જમીન ય સિફતથી સેરવી રહ્યા હતા! વળી, કોંગ્રેસના રણનીતિકારો એમ માનતા રહ્યા કે લોકોમાં ભાજપ સામે રોષ છે એટલે આ વખતે એ કોંગ્રેસને જ મત આપશે, પણ ભાજપવિરોધી મતોમાં ભાગ પડાવવા આમ આદમી પાર્ટી ય કોંગ્રેસની મતબેંકમાં ઝાડુથી સફાઇ કરી રહી હતી એવું ન સમજી શક્યા.

તમે જૂઓ કે થયું પણ એમ જ. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 41.44 ટકા મત મળેલા. આ વખતે કોંગ્રેસના 27 ટકા અને આમ આદમી પાર્ટીના 12.59 ટકા મતનો સરવાળો કરો તો ભાજપ-વિરોધી મતો 40 ટકા જેટલા થઇ જાય છે. ભાજપના મતો 2017ના 49.44 ટકાની સરખામણીએ આ વખતે ત્રણેક ટકા વધીને 52 ટકા થયા એમાં શહેરી વિસ્તારોમાં સહિત અમુક બેઠકોની લીડમાં થયેલો જંગી વધારો પણ કારણભૂત છે. જો મતની ટકાવારી અને આંકડાઓથી જ પરિણામનું વિશ્લેષણ કરવામાં આવે તો અર્થ સાફ છેઃ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના કાંડા (પંજો) કાપી નાખ્યા છે. ત્રીજા રાજકીય પરિબળે ભાજપને જબરદસ્ત ફાયદો કરાવ્યો છે.

તો પછી સવાલ એ છે કે આમ આદમી પાર્ટી સફળ રહી કે નિષ્ફળ?
પહેલી જ ચૂંટણીમાં સરકાર બનાવવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટી પાંચ બેઠક મેળવે એ પહેલી નજરે પક્ષની નિષ્ફળતા લાગે, પણ પહેલા જ પ્રયત્નમાં 12.59 મત મેળવવા અને પાંચ બેઠક કબજે કરવી એ બેશક, સારી શરૂઆત છે. 1998માં શંકરસિંહ વાઘેલાના રાજપાને સ્થાનિક નેતાઓ લડતા હતા ત્યારે 12.57 ટકા મત સાથે ચાર બેઠક મળેલી. એની સરખામણીએ આ તો સંપૂર્ણપણે નવો પક્ષ અને સ્થાનિકસ્તરે નવા ચહેરા હતા. છ ટકાથી વધારે મત મેળવીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરવાનું એમનું પહેલું લક્ષ્ય સધાઇ ચૂક્યું છે. એ દ્રષ્ટિએ જૂઓ તો સ્થાપનાના ફક્ત દસ જ વર્ષમાં દિલ્હી અને પંજાબ જેવા રાજ્યોમાં સરકાર, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા અને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો-આટલું મેળવ્યાનો એમને સંતોષ હોવો જોઇએ.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપને હરાવી નથી શકી, પણ કોંગ્રેસને સાફ કરી નાખવામાં એ ચોક્કસપણે સફળ થઇ છે.

વેલ, 2022ના આ જંગ પછી ગુજરાતનું રાજકારણ કરવટ તો બદલશે, પણ એ કઇ દિશા તરફ જશે એ કહેવું થોડુંક વહેલું છે. આમ છતાં, એ સમજવાનો પ્રયત્ન કરીએ તો આ ત્રણ મુદ્દાઓને ધ્યાનમાં લેવા પડે. 2022નો અંત એ 2024ના જંગની શરૂઆત કેમ છે એનો જવાબ પણ એમાંથી જ મળે છે.

એકઃ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં મંત્રીઓની પસંદગી એ સ્પષ્ટ દર્શાવે છે કે, ભાજપનું હવે પછીનું લક્ષ્ય 2024માં કોઇપણ હિસાબે 26 બેઠક જાળવી રાખવાનું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીક મનાતા શંકર ચૌધરી, સૌરાષ્ટ્રના પાવરફૂલ પાટીદાર નેતા જયેશ રાદડિયા, અગાઉની સરકારમાં દબદબો ભોગવી ચૂકેલા જિતુ વાઘાણી, દંડકમાંથી મંત્રી બનવા માગતા પંકજ જેસાઇ જેવા ચહેરાઓને મંત્રીમંડળમાંથી બહાર રાખીને મોદી-શાહે સંગઠનને ચોક્કસ ઇશારો કર્યો છે અને એક સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છેઃ પક્ષને જે વ્યક્તિની જ્યાં (અને જ્યારે) જરૂર જણાશે ત્યાં જ ઉપયોગ કરાશે. આ ચૂંટણીમાં સંગઠનની પણ કેટલીક ઉણપ બહાર આવી છે એ જોતાં સરકારની જેમ સંગઠનમાં પણ ધરમૂળમાંથી ફેરબદલ આવી શકે છે.

આમેય, 156ના સ્કોર પછી પક્ષનો કદાવરમાં કદાવર નેતા પણ ચૂં કે ચાં કરીને ભાવતાલ કરવાની સ્થિતિમાં નથી. હા, પહેલા તબક્કામાં મુખ્યમંત્રી સહિત ફક્ત 17 સભ્યનું જ મંત્રીમંડળ બન્યું છે. કામકાજના ભારણની દ્રષ્ટિએ પણ ભૂપેન્દ્રભાઇને નવા સહયોગીઓની જરૂર પડશે જ. આ સંજોગોમાં 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ પણ ઝડપથી થઇ શકે છે.

વળી, ભાજપ ફ્કત આ સ્થિતિથી સંતોષ માનીને બેસી રહે એવી એની પ્રકૃતિ નથી. 5 ડિસેમ્બરે મતદાન કર્યા પછીના કલાકોમાં નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચીને આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓની તૈયારીની બેઠકમાં ભાગ લે છે એ દર્શાવે છે કે, મોદી-શાહ હાથ વાળીને બેસતા નથી કે કોઇને બેસવા દેતા નથી. પોતાની રાજકીય તાકાત સતત વધારતા રહેવાની રણનીતિના ભાગરૂપે જ ગુજરાતમાં અપક્ષ ચૂંટાયેલા ત્રણેય ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના અમુક ધારાસભ્યો નજીકના ભવિષ્યમાં ભાજપમાં જોડાય એવી પૂરેપૂરી શક્યતા છે. આને લગતી કાનાફૂસી તો ઓલરેડી શરૂ થઇ ચૂકી છે જ. ઇન શોર્ટ, 2024 પહેલાં ભાજપ ગુજરાતનો એકપણ વિસ્તાર એવો બાકી રાખવા માગતો નથી, જ્યાં પક્ષનું વર્ચસ ન હોય.

બેઃ કોંગ્રેસ એના કરૂણ રકાસ પછી બેઠી થઇ શકે છે કે કેમ અને થઇ શકે છે તો ક્યારે એના પર ગુજરાતના રાજકારણનું ભાવિ નક્કી થશે. 1990માં 30.90 ટકા મત અને 33 બેઠક એ કોંગ્રેસનો ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી કંગાળ દેખાવ હતો. 2022માં કોંગ્રેસે આ રેકોર્ડ પણ તોડીને એનાથી ય કંગાળ દેખાવ કર્યો છે. ગઇ વિધાનસભાનો ઇતિહાસ જોતાં 2027 સુધીમાં કોંગ્રેસ આ 17 ધારાસભ્યને પણ સાચવી શકે કે પછી ભાજપ એમાંથી પણ અમુકને તોડી લાવે છે એના પર બધાની નજર છે. પક્ષ પાસે અર્જુન મોઢવાડિયા, ડો. તુષાર ચૌધરી અને અમિત ચાવડા જેવા અનુભવી નેતાઓ ગૃહમાં છે, પણ સંખ્યાબળના અભાવે એ સરકારને કેટલી હંફાવી શકે છે એ મોટો સવાલ છે. સંભવતઃ કોંગ્રેસ સામે તો અત્યારે ભાજપ સામે લડવા કરતાંય વધારે મોટો પડકાર વિધાનસભામાં 17નું સંખ્યાબળ ટકાવી રાખવાનો છે.

ત્રણઃ ધારાસભ્યોને સાચવવાનો પડકાર ફક્ત કોંગ્રેસ સામે જ નહીં, આમ આદમી પાર્ટી સામે પણ છે. વિસાવદરના ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીની ભાજપમાં જોડાવાની વાતોથી એના અંદેશાઓ પણ મળવાના શરૂ થઇ ચૂક્યા છે. હાલ પૂરતું ભૂપતભાઇએ એને અફવા ગણાવી છે, પણ પોતે મતદારોને પૂછીને નિર્ણય કરશે એમ કહીને વાતને નકારી નથી. વાત એટલા માટે અટકી હોઇ શકે છે કે એક ધારાસભ્ય પક્ષ બદલે તો પક્ષપલટાનો ધારો લાગુ પડે અને એમણે રાજીનામું આપીને ફરીથી ચૂંટાવું પડે. હાલ પૂરતી ભાજપને એવી ઉતાવળય નથી. શક્ય છે કે, આપના ત્રણ કે ચાર ધારાસભ્ય રાજી થાય એ પછી જ આ ખેલ પડે. આ ચૂંટાયેલા સભ્યો પણ સારી રીતે સમજે છે કે સત્તા સાથે રહેવામાં જ શાણપણ છે.

આ સંજોગોમાં અરવિંદ કેજરીવાલ કેટલો સમય સુધી આ ધારાસભ્યોને સાચવી શકશે એ સવાલ છે કેમ કે, હવે આ ચૂંટાયેલા ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા કે ઇસુદાન ગઢવીના હાર્યાદોર્યામાં રહે કે એમના નેતૃત્વને સ્વીકારે એ શક્યતા બહુ ઓછી છે.

જો કેજરીવાલ એમને પક્ષમાં ટકાવી રાખવામાં સફળ થાય છે તો શક્ય છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી વધારે આક્રમકતાથી લોકો વચ્ચે જાય અને 2024માં પોતાને ભાજપના મુખ્ય હરીફ તરીકે પેશ કરે. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને નજીકથી જાણનાર લોકો કબૂલશે કે, એ આમ કરી શકે છે. આવું થાય છે તો અત્યાર સુધી દ્વિપક્ષી બની રહેલા ગુજરાતના રાજકારણમાં સંભવતઃ ત્રીજા પરિબળ સાથે બહુપક્ષીય રાજકારણના યુગની નવી શરૂઆત થઇ શકે છે. આવનારો સમય ફક્ત ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જ નહીં, ગુજરાતના રાજકારણની પણ તાસીર બદલતો પૂરવાર થશે એ નક્કી છે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)