CJIએ કોર્ટ રેકોર્ડ્સ, ઈ-ફાઇલિંગને ડિજિટાઇઝ કરવા પર ભાર મૂક્યો

નવી દિલ્હીઃ મને કોર્ટોમાંથી કોઈ ફિઝિકલ ફાઇલો નથી મળતી, મને લોના ક્લાર્ક બધી નોટ ડિજિટલ સ્વરૂપે મોકલે છે, એમ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડો. ડી. વાય. ચંદ્રચૂકે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની ચેમ્બર્સ લગભગ પેપરલેસ છે, કેમ કે તેમને બધી નોટ્સ અને કેસની ફાઇલો ડિજિટલ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેમણે હાલમાં ઓડિશાના 10 જિલ્લાઓમાં જિલ્લા કોર્ટોના ડિજિટલીકરણ હબ (DCDH)નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઓડિશાના મુખ્ય જસ્ટિસ ડો. એસ. મુરલીધર અને હાઇકોર્ટના જસ્ટિસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

CJIએ કહ્યું હતું કે ઉદઘાટન સમારંભ છેલ્લા ત્રણ મહિનામાં ઓડિશા હાઇકોર્ટનું ત્રીજું આયોજન છે. અહીં તેમને અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઓડિશાની ઈ-સમિતિથી સંબંધિત કાર્ય એક આદર્શ તરીકે ચર્ચા કરવામાં આવી હતી અને અનેક હાઇકોર્ટોએ ઓડિશા દ્વારા કરવામાં આવેલા કાર્યમાંથી પ્રેરણા લીધી છે. તેમણે કહ્યું હતું કે મેં હાઇકોર્ટોના બધા મુખ્ય જસ્ટિસોને ઓડિશાની મુલાકાત કરવાની અને ખાસ કરીને ડિજિટલીકરણ સંદર્ભે કાર્યને જોવા માટે વિનંતી કરી છે.

તેમણે કહ્યું હતું કે ન્યાય વિતરણ પ્રણાલીના આધુનિકીકરણમાં ન્યાયિક રેકોર્ડ્સના ડિજિડટલીકરણ એક મહત્ત્વનું પગલું છે. હાઇકોર્ટમાં કરવામાં આવેલું કાર્ય પ્રભાવશાળી રહ્યું છે. જેથી અમે ડિજિટલીકરણના લાભો સ્પષ્ટપણે જોયા છે અને જિલ્લા કોર્ટોના ડિજિટલીકરણ હબ માટે એક સ્પષ્ટ રસ્તો નક્કી કર્યો છે.