વિશ્વ જળ દિવસ: આ રીતે કચ્છની સૂકી જમીન પર લાવ્યું પરિવર્તન

વિશ્વભરમાં 22મી માર્ચને “વિશ્વ જળ દિવસ” તરીકે ઉજવણી થાય છે. પાણીના એક એક ટીપાંનું શું મહત્વ છે? તે વાત રણ વિસ્તારમાં રહેતા લોકોથી વધુ કોઇ નથી સમજી શકતું. અહીં ખારા પાણીના કારણે લોકોને ચામડીના વિવિધ રોગ થાય છે, જમીનમાં પાણીનું સ્તર ઘટતા લોકોને હિજરત કરવી પડે છે, ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ થઇ જાય છે. આ તમામ પરિસ્થિતિમાં એક સામુહિક પ્રયાસ થકી મોટું પરિવર્તન આવ્યું છે. અને આ જ કારણ છે કે વિશ્વ જળ દિવસ નિમિત્તે આ સફળતાને વાચા આપવી જરૂરી થઇ જાય છે.

કચ્છમાં ભુજ, મુન્દ્રા, માંડવી, અંજારમાં, અદાણી ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક વિકાસ માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્કીલ ડેવલેપમેન્ટ જેવા વિવિધ સ્તરે કામ કરી રહ્યા છે. જે અંતર્ગત અહીંના પાણીના પ્રશ્નોનું  નિરાકરણ પણ કરવામાં આવે છે. આ વિસ્તારમાં અત્યાર સુધી ફાઉન્ડેશન દ્વારા 18 ચેકડેમ બનાવવામાં આવ્યા છે અને 3 ચેકડેમનું સમારકામ કરવામાં આવ્યું છે. વધુમાં 54 તળાવો, 75 બોરવેલ, 31 કૂવા જેમાં રિચાર્જ ફેસિલિટી પણ હોય તથા 54 રૂફ વોટર હાર્વેસ્ટિંગ અને 1505 ડ્રિપિંગ ઇરીગેશન સુવિધાને ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં જે તે વિસ્તારમાં ગ્રામજનો, ખેડૂતો, સરપંચ અને સરકારી વિભાગો સાથે વિવિધ સ્તરે વાતચીત અને ચર્ચા વિચારણા કરી આ કામને પાર પાડવામાં આવ્યું છે. સાથે જ જાણકારોની આ અંગે સલાહ અને દિશા સચૂન પણ લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ફાઉન્ડેશનના આ પ્રયાસોથી 218,500 પુરુષ, મહિલાઓ અને વયોવૃદ્ધોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ દ્વારા ભૂગર્ભ જળમાં ટોટોલ ડીસોલ્વ સોલીડ (TDS)માં 19.6 ટકાનો ઘટાડો થયો છે. વળી ગત 5 વર્ષમાં પાણીના સ્તર પણ આના કારણે ઉપર આવ્યા છે.

એટલું જ નહીં ફાઉન્ડેશન દ્વારા હાલમાં બિનઉપયોગી બોરવેલને કુત્રિમ રીતે રિચાર્જ કરવામાં આવી રહ્યા છે. જેથી આ બિનઉપયોગી બોરવેલનો ફરી ઉપયોગ થઇ શકે. આ માટે ઝરપરા ગામના 6 ખેડૂતોના બિનઉપયોગી બોરવેલનો પ્રયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો. તેની અંદર વરસાદી પાણીને ડાયવર્ટ કરી અને રિચાર્જ થકી તેને ઉપયોગી બનાવવામાં આવ્યા. આમ કરવાથી અહીંના ભૂગર્ભજળની સ્થિતિમાં સુધારો થયો અને ખેડૂતોનું પાક ઉત્પાદન વધતા તેમને આર્થિક ફાયદો થયો. આ રીતે જ પોતનો બિનઉપયોગી બોરવેલ રિચાર્જ કરાવનાર ખેડૂત મૂળજીભાઇએ કહ્યું કે “સામાન્ય રીતે દરેક ખેતરમાં 2-3 બોરવેલ હોય છે. જો એક બોરવેલને, રિચાર્જ-બોરવેલમાં ફેરવવામાં આવે તો ભૂગર્ભજળની સ્થિતિમાં ચોક્કસથી સુધારો થઇ શકશે. આમ કરી કચ્છના ગામડાનો હરિયાળો ભૂતકાળ ફરી જોવા મળી શકે છે. મારા મતે તો તમામ ખેડૂતોએ આ ટેકનોલોજી અપનાવવી જોઇએ.”

ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશનના આ જ પ્રયાસો કારણે તેમને છેલ્લા બે વર્ષથી “રાષ્ટ્રીય જળ પુરસ્કાર” મળી રહ્યો છે. વર્ષ 20190-20 માં તેમને સરકાર તરફથી જળ સંરક્ષણ અંતર્ગત ભારતમાં શ્રેષ્ઠ CSRનો રાષ્ટ્રીય જળ પુસ્કાર મળ્યો હતો અને આ વર્ષે પણ તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આમ લોકોની સહયારી મદદ, ખાનગી અને સરકારી પ્રયાસોથી કચ્છ જેવા સૂકા પ્રદેશની ધરતીને હરિયાળી બનાવવાનો અને પાણીની સમસ્યાઓ ઉકેલીને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો સરાહનીય પ્રયાસ અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે.