આ બે નવી પેટન્ટ બહુ ડરામણી છે…

ફેસબૂકના ડેટાની ચોરી કરીને કેમ્બ્રિજ એનાલિટિકાએ સૌને ચોંકાવી દીધા હતા. દુનિયાભરમાં ફેસબૂક સામે શંકા ઊભી થઈ છે, પણ તે પછીય ફેસબૂક સુધરી હોય તેવું લાગતું નથી. આપણા જીવનમાં જાસૂસી કરવાનો એવો ચસકો ફેસબૂકને લાગ્યો છે કે તેણે વધુ કેટલીક પેટન્ટ નોંધાવી છે જે બહુ ડરામણી છે. આપણને ચસકો લગાડીને ફેસબૂક અબજો રૂપિયાની કમાણી કરે છે. ભારતમાંથી પણ કરોડો રૂપિયાની કમાણી તેને થઈ રહી છે. આ કમાણીનું માધ્યમ છે યુઝર્સની માહિતી ચોરીને તેનો ઉપયોગ કરવાનો. યુઝર્સની માહિતીનું શું થશે તે આમ સમજવું સહેલું છે. આપણને શું ગમે છે તેના આધારે ફેસબૂક આપણને એડ બતાવે છે. આવી એડ બતાવવાના પૈસા કંપનીઓ તરફથી ફેસબૂકને મળે છે. આમ જુઓ તો આ એક બિઝનેસ મોડેલ છે. આપણે ઘરે અખબાર મગાવીએ ત્યારે તેમાં જાહેરખબરો ભરેલી હોય છે. પણ તે જાહેરખબર બધા માટે હોય છે. આપણા ઘરે આવતા અખબારમાં માત્ર આપણને ગમે કે લાગુ પડે તેવી જાહેરખબર નથી હોતી.

અહીંજ સોશ્યલ મીડિયાની સાઇટ્સ ફાવે છે. તે આપણને એવી એડ બતાવે છે જે આપણને લાગુ પડતી હોય. અથવા એવું ધારી લેવામાં આવે છે કે તે આપણને લાગુ પડશે.દાખલા તરીકે તમે ફરવા જવા વિશે લખો, અથવા ઓલરેડી ફરવા નીકળી ગયા છો અને પ્રવાસનના ફોટો મૂકો છો તો તમને હોટેલ અને ટુરિસ્ટ સર્વિસને એડ જોવા મળે તેવું બને. ગૂગલ તેનાથીય વધારે ખતરનાક છે, પણ ત્યાં તમે ચોઈસથી જાવ છો. તમે અજાણતા ત્યાં માહિતી આપો છો. તમે કશુક સર્ચ કરો તેના આધારે તમને એડ જોવા મળે.એડ દેખાડવામાં આવે ત્યાં સુધી સમસ્યા નથી, પરંતુ તમારી સમગ્ર પ્રોફાઇલ, તમારો સ્વભાવ, તમારી રહેણીકરણી, તમારી પસંદ નાપસંદ, આ બધું સોશિયલ મીડિયા જાણી લે તે પછી તેનો શું ઉપયોગ થશે તે કહેવું મુશ્કેલ છે. જોકે આ જાણવા છતાં આપણને આદત પડી છે તે છોડી શકતા નથી, એટલે તે ચર્ચા જવા દઈએ, ફેસબૂક કેવી ખતરનાક પેટન્ટ નોંધાવી રહી છે તે જોઈએ.

સમાચારો અનુસાર અમેરિકાની પેટન્ટ ઓફિસમા ફેસબૂકે એવી પેટન્ટ નોંધાવી છે, જેના આધારે તમારા મોબાઇલના માઇકનો ઉપયોગ તે કરી શકે. તમારા માઇકમાંથી આવતો અવાજ સાંભળી શકે અને તેના આધારે તમે ટીવીમાં કયો પ્રોગ્રામ જોઈ રહ્યા છો તે જાણી શકે તેવી પેટન્ટ ફેસબૂકે નોંધાવી છે. ટીવી કેટલું જોવાય છે તેની ટીઆરપી હોય છે, જેના વિશેની મજાકો તમે સાંભળી હશે. સમગ્ર ટેક્નિકલ બાબતમાં ઊંડા ઉતરવાની જરૂર નથી, પણ એટલું જાણી લો કે ટીઆરપી નક્કી કરવા માટે સિસ્ટમ છે, તેમાં ઓડિયોનો ઉપયોગ થાય છે. સિસ્ટમ ચેનલ કઈ છે તે જાણી શકે તે માટે દરેક ટીવી પોતાના સિગ્નલમાં એક ઓડિયો સિગ્નેચર મોકલે છે. તેના તરંગો એટલા ઊંચા હોય છે કે મનુષ્યના કાનમાં તે પકડાતા હતા. આપણને ના સંભળાય, પરંતુ સિસ્ટમને સંભળાય એટલે ખબર પડે કે કઈ ચેનલ છે.
ફેસબૂક આ ઓડિયોને આધારે કામ કરવા માગે છે. તમે ટીવી ચાલુ કરશો તે સાથે જ તે ચેનલની ઓડિયો સિગ્નચેર તમારા ફોનનું માઇક ચાલુ કરી દેશે. તમને ખબર પણ નહિ પડે અને માઇક દ્વારા અવાજ રેકર્ડ થવા લાગશે. એમ્બિયન્ટ ઓડિયો એટલે કે આસપાસમાંથી આવી રહેલા અવાજો, તેમાં મુખ્યત્વે ટીવી જેનો અવાજ સૌથી તેજ હોવાથી તે સૌથી સારી રીતે રેકર્ડ થઈ જશે. રેકર્ડ થયેલો ઓડિયો ફેસબૂક પાસે પહોંચશે અને તે નક્કી કરી લેશે કે તમે ટીવી પર શું જોયું.

ચલો, એની પણ ચિંતા નથી. તમે ટીવી પર સમાચાર જોયા તો જોયા. પણ ચેનલની ઓડિયો સિગ્નેચરથી તમારું માઇક ચાલુ થઈ જાય પછી એમ્બિયન્ટ ઓડિયો તેમાં રેકર્ડ થશે. મતલબ કે તમે કશુંક બોલ્યા, કુટુંબના લોકો વચ્ચે વાતચીત થઈ, મહેમાન આવ્યા હોય તેની સાથે વાક્યોની આપલે થઈ તે બધું પણ રેકર્ડ થઈ જશે. તમારું સ્ટિંગ ઓપરેશન થઈ જશે!

આ બહુ ચિંતાજનક પેટન્ટ છે. જોકે તેનો અમલ શરૂ થયો નથી, પણ ગમે ત્યારે થઈ શકે છે. તમારી વાતચીત રેકર્ડ થઈ ગઈ હોય તેનો ફેસબૂક શું ઉપયોગ કરશે? કરોડો ફાઇલ રેકર્ડ થઈ હોય એટલે કોઈ વ્યક્તિ તેને સાંભળવાની નથી. ટીવીનો કાર્યક્રમ નક્કી કરવા માટે ફેસબૂક લાખો કાર્યક્રમો પારખી શકાય તેવી લાયબ્રેરી બનાવશે. તેની સાથે રેકર્ડ થયેલો ઓડિયો સરખાવશે. તેનાથી ખ્યાલ આવશે કે કયો કાર્યક્રમ જોવાયો. આ બધું જ કામ ઓટોમેટિક થવાનું. વાત ત્યાં પૂરી જાય ત્યાં સુધી બરાબર છે, પણ રેકર્ડ થયેલી વાતચીત કોઈના હાથમાં ગઈ ત્યારે શું થશે?
યુરોપના દેશોએ ફેસબૂક સામે લાલ આંખ કરી છે અને યુઝર્સના ડેટાને પવિત્ર ગણીને તેની કાળજી લેવાની તાકિદ કરી છે. ફેસબૂકે માફી પણ માગવી પડી છે અને ભવિષ્યમાં યુઝર્સના ડેટાનો ઉપયોગ તેને પૂછ્યા વિના નહિ કરાય તેવી ખાતરી પણ આપી છે, પણ કમાણી કરવા માગતી કંપની પર કેટલો ભરોસો કરવો તે સવાલ છે.
ટીવીના કાર્યક્રમ કે એડમાં તેને પારખી લેવા માટે ઓડિયો ઉમેરાયો છે. આ ઓડિયો કાનને ના સંભળાય, પણ સિસ્ટમ તેને નોંધે. આ ટેક્નોલોજી ઉપયોગી છે અને તેના કારણે ટીવી કાર્યક્રમો અને એડનું મોનિટરિંગ થાય છે. આ જ ઉપયોગ ટેક્નોલોજીનો ફાયદો લેવાનું ફેસબૂકના કોઈ ભેજાબાજ એન્જિનિયરને સૂઝ્યું છે. ટીવી કાર્યક્રમ કે એડમાંથી કાને ના પડતો ઓડિયો નીકળે અને આપણા સ્માર્ટ ફોનનું માઇક ચાલુ થઈ જાય. આપણને એમ કે ફોન બંધ છે, પણ માઇક શરૂ થઈ જાય અને આસપાસના અવાજોને રેકર્ડ કરવા લાગે. આ સ્થિતિ જ ચિંતાજનક છે.
બીજી એક પેટન્ટ નોંધાવી છે તેમાં ફોનના કેમેરાનો ઉપયોગ કરી લેવાની ગણતરી છે. ફોનનો વપરાશ ના થતા હોય અને છતાં કેમેરા ચહેરાના હાવભાવને નોંધી લે તેવું કરવાની ગણતરી ફેસબૂકની છે. તમે કેમેરા ચાલુ ના કર્યો હોય, પણ તમે ખિસ્સામાંથી ફોન કાઢીને અનલોક કરો અને કશુંક કામ કરો એટલી વારમાં કેમેરા તમારી તસવીરો લઈ લેશે. તમને ખબર પણ ના પડી અને ચહેરાની તસવીરો લેવાઈ ગઈ.
હવે આ તસવીરો ફેસબૂકના સર્વરમાં પહોંચે એટલે તેનું એનેલિસિસ થશે. તમે જાણો છો ફેસ રેક્ગનિશનમાં ફેસબૂકની ટેક્નોલોજી કેટલી પાવરફૂલ છે. આપણા ફેસબૂકની પોસ્ટનો કોઈએ સ્ક્રીનશોટ લીધો હોય અને પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કરે તો પણ એકદમ નાનકડી તસવીરમાં રહેલો આપણો ચહેરો ફેસબૂક પારખી જાય છે. તે તમને મેસેજ મોકલશે – આ પોસ્ટમાં તમારી તસવીર હોય તેમ લાગે છે, તમે ટેગ કરવા માગશો? એ જ રીતે માત્ર ચહેરો પારખશે નહિ, તમારો મૂડ પણ પારખશે.
તમારી તસવીર આપોઆપ લેવાઇ જશે અને ફેસબૂકના સર્વરમાં પહોંચશે તે પછી તેનું એનેલિસિસ સોફ્ટવેર કરશે. તેના આધારે તમારો મૂડ પારખવામાં આવશે. તમે ખુશ છો, નારાજ છો, ચીડમાં છો, ગુસ્સામાં છો વગેરે. ફરી એકવાર મૂડ પારખીને તે પ્રમાણે એડ આપવાની વાત છે. એડ કંપનીઓની રિક્વાયરમેન્ટ હોય કે થાકેલા ચહેરાને કોફીની એડ દેખાડવી. ફેસબૂક હવે દેખાડી શકશે કે તમે થાકેલા છો તો એક કપ કોફી હો જાય.
આ બંને ટેક્નોલોજીની પેટન્ટ નોંધાવી દેવાઈ છે, પણ તેનો ઉપયોગ શરૂ થયો નથી. બંનેમાંથી એક પણ ટેક્નોલોજી હજી અમલમાં આવી નથી. કદાચ તે હજી પરફેક્ટ પણ નહિ થઈ હોય. આ બંને બાબતો હજી વિચારના લેવલે હશે. પણ આવા વિચારો આ કંપનીઓને આવે છે તે પણ નોંધવા જેવું અને સાવધ રહેવા જેવું છે. હરિફાઇને કારણે કોઈ વિચાર આવે કે તરત તેની પેટન્ટ નોંધાવ દેવાય છે. તે પછી દરેક વિચાર કે પેટન્ટને અમલમાં મૂકી શકાતો નથી.
એ જ રીતે આ બંને વિચાર અમલમાં મૂકી શકાશે કે કેમ તે સ્પષ્ટ નથી. દાખલા તરીકે માઇક વાપરવાની પરમીશન તમે એપ ઇન્સ્ટોલ કરતી વખતે આપી હોય છે, પણ તે ફોન એક્ટિવ હોય ત્યારે. ફોન એક્ટિવ ના હોય છતાં માઇક આપમેળે રેકર્ડિંગ કરવા લાગે તે માટે અલગ પરમિશન માગવી પડે. યુઝર્સ પરમિશન ના આપે તો માઇક કામ ના કરી શકે. પણ આપણે જાણીએ છીએ કે યુઝર્સ ધડાધડ બધી પરમિશન આપી દેતો હોય છે. બીજું નિયમો કડક થઈ રહ્યા છે ત્યારે કદાચ આવી ટેક્નોલોજીનો યુઝ કરવાની પરવાનગી ના પણ મળે.
આ બંને પેટન્ટ પર હજી કામ ચાલી રહ્યું હશે. આ માત્ર વિચાર છે અને તેને પરફેક્ટ કામ કરતી કરવા માટે તેના પર રિસર્ચ અને ટેસ્ટ કરવા પડે. પરંતુ ભવિષ્યમાં ક્યારેક તે આવી શકે છે ખરા તે જાણવા પૂરતી આ વાત છે. દરમિયાન આવું વાંચ્યા પછીય આપણે સોશ્યલ મીડિયાનો ઉપયોગ બંધ કરવાના નથી. આ લેખ વાંચવા જેવો છે એ માહિતી પણ તમને સોશ્યલ મીડિયાના માધ્યમથી મળવાની છે. પરંતુ ટેક્નોલોજી કંપનીઓ નવા નવા પેટન્ટ નોંધીને ચાલાક થઈ જાય, તેની સાથે સરકારોએ કદમ મિલાવવા પડશે. તેનો દુરુપયોગ અટકાવવા સરકારે વધારે કડક કાયદા લાવવા પડશે. યુઝર્સ તરીકે કેટલીક સાવધાની આપણે લઈ શકીએ છીએ. જેમ કે અગત્યની કોઈ માહિતી, ઇવન ફોન નંબર પણ સોશ્યલ મીડિયામાં લખવા જોઈએ નહિ. નોર્મલ એસએમએસ કરીને જ તમારો ફોન નંબર તમારા ફ્રેન્ડને મોકલો. આવી કાળજીથી થોડો ફરક પડે છે. તે સિવાય કઈ ફિલ્મ જોઈ અને કયું પુસ્તક વાંચ્યું તેવું લખવાનું આપણને કોઈ ના પાડે તે આપણને બહુ ગળે ઉતરતું નથી. પણ કઈ હોટેલમાં ઉતર્યા અને કયા વિમાનમાં પ્રવાસ કર્યો કે કઈ રેસ્ટોરન્ટમાં ખાણું ખાધું તેવું લખવાની ક્યાં જરૂર છે? જરૂર છે ખરી?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]