લોકસભાની ચૂંટણી-રાજકીય અનિશ્ચિતતાની બજાર પર અસર થશેઃ નોમુરા

નવી દિલ્હીઃ જાપાનની ફાઈનાન્સિયલ સર્વિસીઝ પ્રોવાઈડર કંપની નોમુરાએ જણાવ્યું છે કે 2019ની લોકસભાની ચૂંટણી અને રાજકીય અનિશ્ચિતતાની બજારના સેન્ટિમેન્ટ પર અસર થશે. આનાથી શેરબજારમાં નજીકના સમયમાં વેલ્યુએશન મર્યાદિત રહેશે. નોમુરાએ આ સાથે જ નિફ્ટીનો ડિસેમ્બર મહિનાનો ટારગેટ ૧૧,૩૮૦ આપ્યો છે. નોમુરાએ તેના રિપોર્ટમાં જણાવ્યું કે ‘નિફ્ટી માટે અમારો ડિસેમ્બરનો ટાર્ગેટ ૧૬ના ફોરવર્ડ મલ્ટિપલ મુજબ ૧૧,૩૮૦ છે.’ સેક્ટરની દ્રષ્ટિએ તે ફાઈનાન્શિયલ્સ, ઓટો, ઓઈલ અને ગેસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર-કન્સ્ટ્રક્શન, અને હેલ્થકેર સેક્ટરમાં બુલીશ છે. ફાઈનાન્શિયલ્સમાં તે ખાસ કરીને રિટેલ ખાનગી બેન્કો અને વીમા કંપનીઓમાં બુલીશ છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આગામી મહિનાઓમાં અનેક રાજકીય ઘટનાક્રમ બનવાના છે, જેને કારણે અનિશ્ચિતતા વધશે અને બજારના સેન્ટિમેન્ટ પર તેની અસર થશે. વર્તમાન સરકાર લોકસભા ચૂંટણી પછી ફરી સત્તા પર આવશે કે કેમ તે અંગે રોકાણકારો ચિંતામાં છે તેમ રિપોર્ટમાં કહેવાયું છે. નોમુરાએ તેની રિસર્ચ નોટમાં લખ્યું છે કે ‘જો ભાજપ ચૂંટણીમાં હારશે અને કેન્દ્રમાં અસ્થિર ગઠબંધન સરકાર સત્તા પર આવશે તો વોલ્યુએશન પર અસર થશે. રિપોર્ટમાં કહેવાયું છે કે વર્ષ ૨૦૧૭-૧૮માં વૃદ્ધિદર નીચો હોવાને કારણે ચાલુ વર્ષમાં નીચા બેઝને કારણે વૃદ્ધિદર ઊંચો જોવા મળશે.

નોમુરાના રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ચૂંટણીને કારણે ગ્રામીણ અને કૃષિ અર્થતંત્ર પર વધારે ફોકસ જોવા મળશે તે નિશ્ચિત છે. આથી તેને લગતા શેરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સંબંધિત શેરોમાં સુધારો જોવા મળશે. ગ્રામીણ ક્ષેત્રમાં બિઝનેસ ધરાવતી એફએમસીજી કંપનીઓનું વેચાણ પણ વધશે અને ટ્રેક્ટર સહિતના કૃષિ ઉપકરણોનું વેચાણ કરતી કંપનીઓ તથા ઓટોમોબાઈલ કંપનીઓનું વેચાણ પણ વધશે. ગ્રામીણ સંબંધિત એનબીએફસી કંપનીઓને પણ ફાયદો થશે.