સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો શક્ય નથી

નવી દિલ્હી- દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અંગે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી.ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાએ જણાવ્યું કે, લેફ્ટનન્ટ ગવર્નરને દિલ્હી કેબિનેટની સાથે મળીને કામ કરવું પડશે. તેમણે જણાવ્યું કે, લેફ્ટનેન્ટ ગવર્નર પાસે કોઈ સ્વતંત્ર અધિકાર નથી. પોલીસ, જમીન અને જાહેર હુકમ ઉપરાંત દિલ્હી વિધાનસભા કોઈ પણ કાયદો બનાવી શકે છે. દિલ્હીની પરિસ્થિતિ બાકીના કેન્દ્રશાસિત પ્રદેશો અને પૂર્ણ રાજ્યોથી અલગ છે. તેથી બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું કે, સહ અસ્તિત્વ એ ભારતીય બંધારણની આત્મા છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાએ જણાવ્યું કે, બંધારણનું પાલન કરવું એ તમામની ફરજ છે. બંધારણ અનુસાર વહીવટી નિર્ણયો લેવા એ સામૂહિક ફરજ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સારા સંબંધ હોવા જોઇએ. દરેક રાજ્યને તેની બંધારણીય સત્તાનો ઉપયોગ કરવાનો અધિકાર છે.

ઉલ્લેખનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલના અધિકારક્ષેત્રને લઈને સુનાવણી કરવામાં આવી હતી. પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચમાં ચીફ જસ્ટિસ ઓઇ ઈન્ડિયા દીપક મિશ્રા સહિત ન્યાયમૂર્તિ એ.કે. સિકરી, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર, ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણનો સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]