રાજનાથસિંહની ચડતી અને પડતી અને ફરી ચડતી

રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની શપથવિધિની તૈયારીઓ થઈ ગઈ હતી. એક પછી એક મહેમાનો આવવા લાગ્યાં હતાં. એક તરફ સ્ટેજ બનાવાયું હતું, જ્યાં પ્રધાનો બેસવાના હતાં. સ્ટેજ પર એક પછી એક પ્રધાનો આવીને બેસવા લાગ્યાં હતાં. પ્રથમ બે હરોળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો બેસવાના હતાં, ત્રીજી હરોળમાં રાજ્યકક્ષાના પ્રધાનો. પરંતુ પ્રથમ પાંચેક ખુરશીઓમાં કોણ બેસશે તેના પર નજર હતી. ગડકરી આવીને બેઠાં અને તેમનાથી આગળની બેઠકમાં સદાનંદ દેવેગૌવડા બેઠાં હતા. જાણકારોએ કમેન્ટ કરી કે ગડકરીને એક ડગલું પાછળ મોકલાયાં છે.સુષ્મા સ્વરાજ આવ્યાં અને તેઓ મહેમાનો માટેની ખુરશીઓ તરફ જઈને બેઠાં. નક્કી થઈ ગયું કે તેઓ પ્રધાન બનવાના નથી. અરૂણ જેટલી આવ્યાં જ નહી એટલે નક્કી થઈ ગયું કે ખાતાં વિનાના પ્રધાન પણ તેઓ બનશે નહીં. અમિત શાહ આવ્યાં… અને સૌએ જોયું કે તેઓ ત્રીજા નંબરની ખુરશી પર જઈને બેઠાં. ઓકે તો હજી પણ રાજનાથસિંહ, કમ સે કમ સત્તાવાર રીતે તો નંબર બેના સ્થાને રહેશે. થોડીવારમાં રાજનાથસિંહ પણ આવીને બીજા નંબરના ક્રમે બેઠાં અને છેલ્લે વડાપ્રધાને પ્રથમ ખુરશી પર સ્થાન ગ્રહણ કર્યું.

આ બેઠક વ્યવસ્થા પ્રમાણે રાજનાથ સિંહનું માન જળવાશે તેમ લાગતું હતું, પણ બીજા દિવસે વળી ચિત્ર બદલાયું. ધાર્યાં પ્રમાણે જ અમિત શાહને ગૃહ પ્રધાન બનાવાયાં. નાણાં ખાતું આશ્ચર્યજનક રીતે નિર્મલા સીતારમણને મળ્યું. નાણાં ખાતામાં શાહ અને રાજનાથ સિંહ ગૃહ ખાતામાં રહ્યાં હોત તો સત્તાવાર રીતે રાજનાથ સિંહ અને વ્યવહારમાં અમિત શાહ નંબર ટુની વ્યવસ્થા ચાલતી રહી હોત. ગૃહ પ્રધાન બનવા સાથે અમિત શાહ સ્પષ્ટ નંબર ટુ દેખાવા લાગ્યા. એટલું જ નહીં, બે દિવસ પછી તેમણે ચાર પ્રધાનોને પોતાને ઘરે મળવા બોલાવ્યાં. અન્ય પણ કેટલીક બેઠકો કરી. નરેન્દ્ર મોદીના બદલે બેઠકો અમિત શાહે લીધી, તેથી સૌને મેસેજ મળ્યો કે અસલી નંબર ટુ અમિત શાહ જ છે.
વાત આગળ વધી અને કેબિનેટ કમિટીઓની રચના થવા લાગી. મહત્ત્વની બાબતોમાં નિર્ણય લેવા માટે જુદા જુદા પ્રધાનોની એક સમિતિ બનતી હોય છે. સલામતી બાબતોની સમિતિ, નાણાં અને રોજગારી બાબતોની સમિતિ વગેરે. તેમાં પ્રધાનો નીમાય તે મહત્ત્વનાં ગણાય.

કુલ આઠ સમિતિઓ બની તે આઠે આઠેમાં અમિત શાહ હતાં. નરેન્દ્ર મોદી પોતે માત્ર છ સમિતિઓમાં જ રહ્યાં હતાં. અમિત શાહનું વજન એક જ અઠવાડિયામાં ખૂબ વધી ગયું હતું. વજન એટલે રાજકીય વજન. બીજી બાજુ રાજનાથ સિંહને કેટલીક અગત્યની સમિતિઓમાં સ્થાન ન મળ્યું. માત્ર બે જ સમિતિઓમાં તેમને સ્થાન મળ્યું હતું. એક જ અઠવાડિયામાં રાજનાથનું વજન ઘટી ગયું. વજન એટલે રાજકીય વજન. જોકે બે જ દિવસમાં સરકારે પીછેહઠ કરવી પડી અને રાજનાથને હવે છ કેબિનેટ સમિતિઓમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન પણ છ સમિતિમાં છે. હજી પણ અમિત શાહ આઠે આઠ સમિતિઓમાં છે, પરંતુ આરએસએસે મોદી સરકારના કાન આમળીને રાજનાથને તેમનું માન જળવાય તેવું સ્થાન સમિતિઓમાં અપાવ્યું છે તેમ માનવામાં આવે છે.

રાજનાથ સિંહને ગૃહ ન મળ્યું અને સંરક્ષણ મળ્યું ત્યાં સુધી ઠીક હતું. બિનસત્તાવાર રીતે અમિત શાહ નંબર ટુ બની રહે ત્યાં સુધી પણ રાજનાથ સિંહ માટે વાત ઠીક હતી. રાજનાથ સિંહ રાજકીય જીદ ન કરવા માટે જાણીતાં છે. તેઓ પોતાનું કદ જાણે છે. અડવાણી આડા ચાલ્યાં અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે આગળ ન કરવાની જીદ કરી ત્યારે રાજનાથ સિંહ મોદી સાથે રહ્યાં હતાં. રાજનાથ સિંહને પક્ષના પ્રમુખ બનાવાયાં હતાં. અમદાવાદમાં સભા હતી, તેમાં રાજનાથ સિંહ પ્રોટોકોલ તોડીને વચ્ચે બોલવા ઊભાં થયાં. તેમણે કહ્યું કે આજે દેશમાં નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા છે. તેથી ભલે પોતે પક્ષપ્રમુખ રહ્યાં અને નરેન્દ્ર મોદી માત્ર મુખ્ય પ્રધાન, પણ પોતે વચ્ચે ઊભા થઈને બોલશે અને છેલ્લે નરેન્દ્ર મોદી બોલશે.

રાજનાથ સિંહ આ રીતે રાજકીય વાસ્તવિકતા વધારે સહજ રીતે સ્વીકારતા થયાં હતાં તેના કારણે તેમનું સ્થાન ટકી રહ્યું. અડવાણીને તદ્દન કોરાણે કરી દેવાયાં, જ્યારે મુરલી મનોહર જોષીની બેઠક વારાસણીથી બદલી નખાઈ. આ વખતે તે બંનેને ટિકિટ અપાઈ નથી અને માત્ર સંસદીય પક્ષની બેઠકોમાં મંચ પર બેસાડીને શોભાના પૂતળા તરીકે બંને નેતાઓને બેસાડાયાં હતાં. એનડીએના સંસદીય પક્ષની બેઠકમાં વડાપ્રધાનનું નામ નેતા તરીકે સૂચવવાનું કામ પણ રાજનાથ સિંહને સોંપાયું હતું. પરંતુ ધીમે ધીમે રાજનાથ સિંહને પણ બિનમહત્ત્વના કરી દેવાની મોદી અને શાહની પ્રવૃત્તિઓને કામચલાઉ બ્રેક મારવામાં આવી છે.
અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજ પ્રધાનો તરીકે છે નહીં ત્યારે અમિત શાહનો દબદબો મોદી પ્રધાનમંડળમાં છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેઓ એવી રીતે કામ કરી રહ્યાં છે કે જાણે તેઓ નાયબ વડાપ્રધાન હોય. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે 15 વર્ષ પૂરા કરે તે પછી યોગીને વડાપ્રધાન બનાવવાના મનસૂબા સંઘ પરિવારના છે. બ્રાહ્મણ વત્તા બનિયાનું કૉમ્બિનેશન હાલ પૂરતું ચાલે છે, પણ મૂળ વર્ણવ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ વત્તા ક્ષત્રિય વ્યવસ્થા જૂનવાણી લોકોને વધારે ફાવે તેવી છે.

પરંતુ એવી ધારણા છે કે નરેન્દ્ર મોદી પોતાના અનુમાગી તરીકે અમિત શાહને તૈયાર કરી રહ્યાં છે. પક્ષમાં, સંગઠનમાં તેમનું સ્થાન એવી રીતે મજબૂત કરી રહ્યાં છે કે આગામી દાયકામાં તેમની સામે બીજા કોઈ નેતાનું કદ મોટું રહે નહીં.
રાજનાથ સિંહ આમ જુઓ તો અમિત શાહના સ્પર્ધક નથી. તેમનું રાજકારણ હવે વધુમાં વધુ એક દાયકાનું છે. એક દાયકો મોદી રહેવાના છે તેમ ધારીએ તો ગડકરી, સદાનંદ, સીતારમણ વગેરે કરતાં અમિત શાહ આગળ નીકળી શકે છે. તેમની સામે યોગી ઉપરાંત ફડણવીસ જેવા કેટલાક મુખ્યપ્રધાનો સ્પર્ધા કરી શકે છે. પરંતુ રાજનાથ સિંહ વધુ પાંચ વર્ષ નંબર ટુ પર રહે તો તેમનું કદ સ્વાભાવિક છે વધી શકે છે. રાજકારણમાં 80 વર્ષની ઉંમરે પણ વડાપ્રધાન થઈ શકાય છે એટલે સંભવિત સ્પર્ધાને પણ નાબૂદ કરવા માટે રાજનાથસિંહનું સિમ્બોલિક નંબર ટુનું સ્થાન પણ નાબૂદ કરવાની ગણતરી કદાચ હતી.રાજનાથસિંહે ભૂતકાળમાં પણ દર્શાવ્યું છે કે તેઓ રાજકીય વાસ્તવિકતા સાથે કામ કરવા તૈયાર હોય છે. મોદીને તેમણે સહજતાથી નેતા તરીકે સ્વીકાર્યા હતાં. કદાચ અમિત શાહ અને યોગીને પણ સ્વીકારે અથવા ઉંમર પ્રમાણે દસ વર્ષ પછી સુષ્મા અને ઉમાની નિવૃત્તિ પણ સ્વીકારી લે. પણ રાજકારણમાં હંમેશા જો અને તો રહેતાં હોય છે. તેથી જ જો અને તોને ધ્યાનમાં રાખીને રાજનાથસિંહ એટલા મહત્ત્વના નેતા નથી તેવું સાબિત કરવાની કોશિશ થઈ, પણ સામા પક્ષે રાજનાથસિંહ અને સંઘે અત્યારે કહ્યું છે કે અમે પણ હજી મહત્ત્વના છીએ. જોઈએ હવે આગળ આ રાજકીય ખેંચતાણ કઈ રીતે ચાલે છે.