ટિકિટ ફાળવણીનો વિરોધઃ પક્ષને નુકશાન કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પણ તે પહેલા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પછી ભારે વિરોધ-વંટોળ ઉઠ્યો… આમ તો કાંઈ નવી વાત નથી. દર વખતે ચૂંટણીમાં મોટા રાજકીય પક્ષોમાં જ્યારે ટિકિટની ફાળવણી થતી હોય ત્યારે વિરોધ ઉભો થતો જ હોય છે. એક જ બેઠક માટે બે કે ત્રણ ઉમેદવાર દાવેદાર હોય ત્યારે આવી સ્થિતિ સર્જાતી હોય છે. પણ આ વખતે જરા વધારે અસંતોષ થયો છે. કારણ કે આ વખતની ચૂંટણીમાં અનેક ફેકટરો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. પાટીદાર, ઠાકોર, હિન્દુ, મુસ્લિમ, ઓબીસી, વિકાસ અને છેલ્લે નોટબંધી તેમજ જીએસટી વિગેરે મુદ્દા ઉછાળીને ચૂંટણી જીતવાના કોંગ્રેસ દ્વારા મરણીયા પ્રયાસો થયા છે, જ્યારે ભાજપ પણ તેની સ્પષ્ટતાઓ અને વિકાસના મુદ્દાને આગળ કરીને ચૂંટણીનો જંગ જીતવા કમર કસી છે. આમ આ વખતે બંને પક્ષોએ પોતાના ઉમેદવારો નક્કી કરવામાં ખૂબ કાળજી લીધી છે. તેમ છતાં ઉમેદવાર પસંદગીને લઈને હોબાળો થયો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ ખરાખરીનો જંગ બની રહ્યો છે. હજી તો પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામની જ જાહેરાત થઈ છે. ત્યાં તો ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોમાં બળવો થઈ ગયો હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. ભાજપ કાર્યાલય પર અમિત શાહની હાજરીમાં દેખાવો થયા, બીજી તરફ કોંગ્રેસની પ્રથમ યાદીમાં પાટીદારો ભારે હલ્લો મચાવ્યો હતો. કોંગ્રેસ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર પ્રથમ યાદીમાં પાસના કન્વીનરોને ટિકિટ ફાળવી દીધી. જે પછી પાસના કાર્યકરો ઉશ્કેરાયા અને ભરતસિંહના ઘેર જઈ તોફાનો કર્યા, તોડફોડ સુધી વાત પહોચી. સંખ્યાબંધ શહેરોમાં પાસવાળાઓએ તોડફોટ કરી, આગચંપી અને ચક્કાજામ કર્યા, બાંભણિયાએ કહ્યું કે પાસના કોઈ કન્વીનર ચૂંટણી નહી લડે, જેમને ટિકિટ મળી છે, તેનો વિરોધ કરીશું. આ બધી ઘટના પછી પાસમાં પણ અંદરોઅંદર ધમાલ થઈ, ભંગાણ પડ્યું. વાત તો એટલે સુધી પહોંચી હતી કે કોંગ્રેસ સાથે હવે કોઈ સમાધાન નહી. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 25 પાટીદારોને ટિકિટ આપી છે, તેમ છતાં પાસ દ્વારા ભારે વિરોધ થયો. અંતે કોંગ્રેસે યાદીને બદલવી પડી, અને પાસના નામ પાછા ખેંચી લીધા. ત્યાર પછી હોબાળો શાંત થયો.ભાજપની વાત કરીએ તો અમદાવાદની છ બેઠકો પર જાહેર કરેલા ઉમેદવારો પૈકી 3 ઉમેદવારો સામે વિરોધ થયો, નરોડા, નિકોલ અને દસ્કોઈના ભાજપ કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ અસંતોષ દર્શાવ્યો હતો. બીજી તરફ આઈ કે જાડેજાને પણ વઢવાણની ટિકિટ ન આપતા કાર્યકરોએ ભાજપ કાર્યાલય કમલમ પર જઈ સુત્રોચ્ચાર કર્યા હતા. આઈ કે જાડેજા ભાજપના ઉપાધ્યક્ષ અને પ્રવકતા પણ છે, તેઓ સીનીયર નેતા પણ છે, તેમને અન્યાય થતાં તેમનો પણ પાર્ટી સામે અસંતોષ સામે આવ્યો છે. પંચમહાલના કાલોલ બેઠક પર સાંસદ પ્રભાતસિંહે તેમની પત્ની માટે ટિકિટ માંગી હતી, પણ ટિકિટની ફાળવણી ન થતાં તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પક્ષ સામે નારાજગી દર્શાવી છે. પ્રાંતિજ બેઠક પર પણ ભાજપના યુવા ઉમેદવાર સામે વિરોધ થયો છે.

તે સિવાય ભાજપ સામે ધોળકા, પોરબંદર, કુતિયાણા, ડભોઈ, ટંકારા, પ્રાંતિજ, વઢવાણ, નર્મદા, ખેરાલુ, દિયોદર અને માંડવી બેઠકો પર વિરોધ થયો છે.આમ ચારેકોર વિરોધ નો વંટોળ થયો હતો. પણ એક વાત સ્પષ્ટ છે કે ઉમેદવારોનો અસંતોષ પક્ષ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. નારાજ ઉમેદવાર તે જ બેઠક પર જેને ટિકિટ મળી છે, તેને હરાવવાના પુરા પ્રયત્નો કરે છે, રાજકારણમાં આમ જ થાય છે. અને અંતે પક્ષ હારે છે. જેથી દરેક પક્ષો ઉમેદવારોના નામ નક્કી કરતી વખતે ચોક્કસથી કાળજી લે છે કે વિરોધ ન થાય. પણ નવા ચહેરાને લાવવા માટે જૂના કપાય તે સ્વભાવિક છે. અને જૂના કપાય તે વિરોધ તો કરવાના જ છે. દરેક જૂના ધારાસભ્યોએ સમજી લેવાની જરૂર છે કે નવા અને યુવાને તક આપવી જોઈએ. જે તમારા કરતા વધારે સારુ પર્ફોમન્સ આપી શકે છે. રાજકારણમાં રીટાયર થવાની કોઈ ઉંમર નથી હોતી, 60 વર્ષ પછી પણ ચૂંટણી લડવાની અપેક્ષા રાખવી તે યોગ્ય નથી. ખરેખર તો દરેક પક્ષોએ ચૂંટણી લડવા માટે પણ કોર્પોરેટ સેકટરની જેમ રીટાયરમેન્ટની ઉંમર નક્કી કરવી જોઈએ. જેથી નવા યુવા ચહેરાને તક મળે, અને નવા સુધારા કરી શકાય.

ટિકિટ ફાળવણી પછીનો વિરોધ ભાજપ અને કોંગ્રેસને નુકશાન કરશે. તે તો દેખીતી વાત છે. પણ હવે વધુ ડેમેજ ન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરશે, તેમાં ધ્યાન રાખશે. કોંગ્રેસમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવામાં કમઠાણ થયું છે, હજી સુધી યાદી જાહેર કરી શકાઈ નથી. તે પહેલી ભરતસિંહને દિલ્હીનો ફેરો કરવો પડયો છે. બીજી તરફ ભાજપમાં 47 નામની યાદી જાહેર થવાની બાકી છે, જેના માટે ભાવનગરથી અમિત શાહને પણ તાત્કાલિક દિલ્હી જવું પડયું અને પીએમ નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવી પડી છે. જો કે રાજકારણમાં જૂના જોગીઓને બદલવા એ સમયની માંગ હોય છે. પણ આ વખતે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીનો રાફડો ફાટયો છે, ભાજપ કોંગ્રેસના નારાજ નાગરિકોના મત અપક્ષને જાય અથવા તો નાટોને જશે.

અને છેલ્લે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાને સ્વીકારી છે, અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. એટલે હવે સ્પષ્ટ છે કે પાસ વિરુધ્ધ ભાજપની લડાઈ થઈ ગઈ છે. પાટીદારોમાં ભાગલા પડશે. ટૂંકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીને જંગ મંડાશે. ભાજપે 150 પ્લસનો ટાર્ગેટ રાખ્યો છે, હવે તે એચીવ કરવો મુશ્કેલ બનશે. પણ હજી તો પીએમ મોદીનો ચૂંટણી પ્રચાર બાકી છે અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. પ્રચારમાં કયા મુદ્દા ઉછળે છે તેના પર આમ જનતા નક્કી કરશે. વિકાસ ડાહ્યો છે કે વિકાસ પાગલ થયો છે, તે તો 18 ડિસેમ્બરે જ ખબર પડશે.

અહેવાલ- ભરત પંચાલ