ભૂલ કરે ઇવીએમ અને ભોગવે ભાજપ- શ્લેષ અભિપ્રેત છે

ત્તરપ્રદેશની ચૂંટણી આ વર્ષની શરુઆતમાં થઈ હતી. તેમાં 61.04 ટકા મતદાન થયું હતું. ગુજરાતની ચૂંટણી આ વર્ષના અંતભાગમાં થઈ રહી છે ત્યારે તેમાં મતદાન 70 ટકાથી કેટલું ઉપર જશે તેના પર નજર રહેશે. ગત વખતે 71.32 ટકા મતદાન થયું હતું. 2012માં હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણીઓ પછી ઘણા રાજ્યોમાં ચૂંટણી થઈ તેમાં મતદાનની ટકાવારી 70 ટકાની ઉપર રહી હતી. ચૂંટણીપંચે જાતે વોટર સ્લીપ વહેંચવાનું શરૂ કર્યું છે ત્યારથી સરેરાશ મતદાન દસેક ટકા વધ્યું છે, પરંતુ યુપીમાં અગાઉની ચૂંટણી કરતાં માત્ર બે ટકા જ વધારો થયો હતો.સૌથી વધુ વસતી ધરાવતા અને રાજકીય રીતે અગત્યના યુપીમાં ઓછું મતદાન ચિંતાનું અને ચર્ચાનું કારણ ગણાય, પણ નીચા મતદાન સામે ભાજપ માટે ઊંચું પરિણામ એ પરિમાણ પણ જોડી દેવાયું હતું. હવે વર્ષના અંતે યુપીમાં સ્થાનિક પંચાયતો અને પાલિકાની ચૂંટણી થઈ રહી છે. તેમાં બહુ ઓછું મતદાન થયું છે. 50 ટકા કરતાં પણ ઓછું. ગોરખપુર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે મુખ્યપ્રધાન યોગીનો વિસ્તાર, છતાં મતદાન થયું માત્ર 35.6 ટકા. આગ્રા 40.2, કાનપુર 44.2, મેરઠ 47.8 અને તે પછી સૌથી વધુ મતદાન થયું ભાજપનો વિસ્તાર કહેવો હોય તો કહી શકાય તેવા અયોધ્યા-ફૈઝાબાદમાં – પણ વધારે એટલે 50 ટકા પૂરા નહીં, ફક્ત 49.9 ટકા.
શહેરોમાં ભાજપનું પ્રભુત્વ ગણાતું આવ્યું છે ત્યારે ઉત્તરપ્રદેશના શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન ચર્ચામાં છે. પણ વધારે ચર્ચામાં છે ઓછા મતદાનનું કારણ. લોકો એવી ચર્ચા કરવા લાગ્યા છે કે લોકોને ઇવીએમમાં ભરોસો નથી એટલે મતદાન ઓછું થયું છે. આ વળી નવું અને વધારે વિવાદાસ્પદ થઈ શકે છે. વિવાદ થયો પણ છે, કેમ કે મેરઠમાં એક ઇવીએમ મશીન ખોટવાયું હતું. એક વ્યક્તિ બીએસપીને મત આપતો હતો, પણ મત પડતાં હતાં બીજેપીને. તેનો વિડિયો બન્યો એટલે સ્વાભાવિક છે કે તરત જ વાઇરલ થાય. ચૂંટણી અધિકારીઓ સાથે ભારે માથાકૂટ પણ થઈ અને અધિકારીઓએ કહ્યું કે મશીન ખરાબ થયું છે અને તેને બદલી નખાશે.ઇવીએમ એ મશીન છે – ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન – અને મશીન હોવાથી ખરાબ પણ થાય. તેને બદલી નાખવાની પ્રોસિજર છે, પણ સોશિઅલ સ્પેસમાં વધારે વિવાદ થયો કેમ કે સૂત્રશૂરા લોકોએ સવાલ પૂછ્યો – દરેક વખતે મશીન બગડે અને ભૂલ કરે ત્યારે ભૂલથી ભાજપને જ કેમ મત આપે છે? આ સવાલ સાથે મતદાનની ઓછી ટકાવારી જોડાઇ તેની સાથેનું બીજું લોજિક પણ જોઈ લો. શહેરી વિસ્તારમાં ભાજપનું સમર્થન વધારે મનાય છે. ભાજપનું સમર્થન શિક્ષિત વર્ગમાં વધારે ગણાય છે. તેથી શહેરી વિસ્તારમાં વધારે વોટિંગ થાય તો તે ભાજપનું ગણાય. (આ લોજિક હવે પહેલાં જેટલું બંધબેસતું નથી, પણ ચર્ચામાં રહે છે ખરું.) પણ યુપીમાં શહેરી વિસ્તારોમાં જ ઓછું મતદાન થયું અને મેરઠ જેવા શહેરી વિસ્તારમાં ખોટકાયેલું અને ભાજપને ફાયદો કરાવતું ઇવીએમ મશીન વિવાદમાં આવ્યું.
બીજી બાજુ પંચાયતોની ચૂંટણીમાં એટલે કે ગ્રામીણ વિસ્તારમાં પ્રમાણમાં થોડું વધારે મતદાન છે. 224માંથી 198 પંચાયતોમાં 60 ટકાથી વધારે મતદાન થયું છે. બીજી 22 પંચાયતોમાં પણ 50 ટકાથી વધારે અને 60 ટકાથી ઓછું મતદાન થયું છે. તેની સામે આગળ આપેલા આંકડા જુઓ કે જેમાં કોર્પોરેશનમાં 50 ટકા કરતાં પણ ઓછું મતદાન થયું છે.
હવે તેની આગળની સ્થિતિ અને લોજિક જુઓ એટલે વિવાદનો ખ્યાલ આવશે. જ્યાં 50 ટકાથી ઓછું મતદાન થયું તે કોર્પોરેશનોમાં ઇવીએમનો ઉપયોગ થયો હતો. નગરપાલિકાઓમાં 60 ટકાથી વધારે મતદાન થયું ત્યાં મશીનો નહોતા, પણ બેલેટ પેપર હતા. હવે આવે છે વિવાદાસ્પદ લોજિક – લોકોને ઇવીએમ પરથી ભરોસો ઊઠી ગયો છે, કેમ કે મતદાનની ટકાવારીમાં ભારે વધારો ના થવા છતાં ઉત્તર પ્રદેશમાં ત્રણ ચતુર્થાંશ બહુમતી ભાજપને મળી ગઈ હતી. ઇવીએમ હોવાથી મત આપવા જવાથી કંઈ ફરક પડવાનો નથી એમ સમજીને શહેરી લોકોએ મતદાન ના કર્યું તેવું લોજિક લડાવાયું છે. બીજી બાજુ નગરોમાં અને નાના શહેરોમાં પાલિકામાં મતપત્રક હોવાથી રાબેતા મુજબનું વોટિંગ થયું.
ઇવીએમ પર ભરોસો નથી રહ્યો તે વિવાદ વધારે એટલા માટે ચગ્યો કે મેરઠથી આવેલો એક વિડિયો ફરવા લાગ્યો. એક વ્યક્તિ પોલિંગ બૂથ પાસે ઊભા રહીને કહી રહી છે કે મેં બીએસપીને વોટ આપ્યો તો એકથી વધારે લાઇટો થતી હતી. તેણે ફરિયાદ કરી તે પછી એક કલાક સુધી માથાકૂટ ચાલી હતી. વ્યક્તિ હિન્દીમાં  કહે છે કે એક કલાકથી તેણે ખોટો વોટ પડે છે તેની ફરિયાદ કરી પણ કશું થઈ રહ્યું નથી. વિડિયોના આગળના ભાગમાં ટોળું એકઠું થયું છે અને માથાકૂટ ચાલી રહી છે. આ જ મુદ્દે માથાકૂટ ચાલી રહી છે કે ઇવીએમ ખરાબ થયેલું છે તે પહેલાં કેમ ચકાસાયું નહીં.
આ વિડિયો તમે અહીં જોઈ શકો છો –  httpss://www.youtube.com/watch?v=fLxKJBuzvXw 
આ કેસમાં તંત્ર દ્વારા ખુલાસો કરાયો છે કે મશીન બગડેલું હતું અને તેથી તેને બદલી પણ નાખવામાં આવ્યું છે. માત્ર એક જ મશીનની વાત છે. હજારો મશીન હોય ત્યારે કેટલાક બગડતાં હોય છે અને તેને બદલી પણ નાખવામાં આવતાં હોય છે. ચૂંટણી પંચે પણ વારંવાર સમજાવ્યું છે કે મશીનોમાં વ્યાપક ગરબડ કરવી શક્ય નથી. આ કિસ્સો તાજો જ છે અને વિવાદાસ્પદ છે એટલે તેની તપાસ થઈને મૂળ મામલો શું હતો તે બહાર આવશે, પણ અત્યારે તો ગુજરાતની ચૂંટણી માથે છે ત્યારે ઇવીએમનો વિવાદ ફરી ધ્યાન ખેંચી રહ્યો છે.
યુપીમાં હજી બીજી 11 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને 412 નગર પંચાયત અને પાલિકામાં ચૂંટણી બાકી છે. 26 નવેમ્બર અને 29 નવેમ્બરે મતદાન થાય ત્યારે કેટલું મતદાન થાય છે તેના પર નજર રહેશે. પેટર્ન એની એ રહે છે કે બદલાય છે તે જોવાનું રહ્યું. તે પછી પહેલી ડિસેમ્બરે તો પરિણામો પણ આવી જવાના છે. પરિણામો સાથે શહેરોમાં ઇવીએમ સાથે ઓછું મતદાન અને મતપત્રક સાથે નગરોમાં વધુ મતદાન એ આંકડાં સરખાવાશે. દરમિયાન મેરઠના વિડિયોમાં શું હકીકત છે તે પણ બહાર આવશે. ત્યાં સુધી રાહ જોઈએ, પણ સોશિઅલ મીડિયામાં કમેન્ટકારો રાહ નહીં જુએ અને ગીતો ગાશે અમને ઇવીએમ ભરોસો નય કે… અને કહેશે મશીન ભૂલ કરે અને ભોગવે ભાજપ! અહીં શ્લેષ અભિપ્રેત છે – ભોગવે એટલે નુકસાન સહન કરે એમ નહીં, સત્તા ભોગવે!