૨૬/૧૧ હુમલાઓની ૯મી વરસી; મુંબઈ પોલીસ થયું આટલું સુસજ્જ

2008ની 26 નવેંબરની રાતે મુંબઈ પર ત્રાસવાદીઓએ ભયાનક હુમલા કર્યા હતા. એ હુમલાઓ અને આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા જવાનોએ આદરેલી વળતી કામગીરી ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા. એ હુમલાઓમાં 18 સુરક્ષા જવાનો સહિત 166 જણ માર્યા ગયા હતા અને બીજાં 300 જણ ઘાયલ થયા હતા. તેમજ કરોડો રૂપિયાની પ્રોપર્ટીને નુકસાન પહોંચ્યું હતું. એ હુમલાઓની કડવી યાદની આજે 9મી વરસી છે.

મુંબઈ પોલીસ કમિશનર દત્તા પળસલગીકરના જણાવ્યા મુજબ એ હુમલાઓના 9 વર્ષ બાદ મુંબઈની સુરક્ષા વ્યવસ્થામાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે. તે હુમલાઓને પગલે મહારાષ્ટ્ર સરકારે પોલીસ દળને આધુનિક રીતે સુસજ્જ કરવા માટે અનેક પગલાં લીધાં છે. પોલીસ દળને ટેક્નોલોજી, ટ્રેઈનિંગ, ગેજેટ્સ, શસ્ત્રો અને તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન જેવી અનેક બાબતોમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્રમાં ક્વિક રીસ્પોન્સ યંત્રણા મૂકવામાં આવી છે. અનેક સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સંકલનમાં સુધારો કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર પળસલગીકરે એમ પણ કહ્યું છે કે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષા જવાનો માટે 4,600 બુલેટપ્રૂફ જેકેટ્સ ખરીદ્યા છે. ભૂતકાળમાં પોલીસ તંત્ર માટે હલકી ક્વોલિટીના જેકેટ્સ ખરીદવામાં આવ્યા હોવાના અહેવાલોને પગલે નવા જેકેટ્સ વેચવા માટે કોઈ કંપની આગળ આવતી નહોતી એને કારણે નવા જેકેટ્સની ખરીદીમાં વિલંબ થયો હતો. નવા ખરીદાયેલા જેકેટ્સમાંના 3000નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તે જુદા જુદા પોલીસ જવાનોને વિતરીત કરવામાં આવશે.

(26/11 હુમલાઓના શહીદ સુરક્ષા જવાનો): વિજય સાળસકર, કોન્સ્ટેબલ તુકારામ ઓંબાળે, સંદીપ ઉન્નીકૃષ્ણન, અશોક કામટે, હેમંત કરકરે.

બુલેટપ્રૂફ જેકેટ્સ ઉપરાંત પોલીસો માટે 1,500 બુલેટપ્રૂફ હેલ્મેટ્સ પણ ખરીદવામાં આવી છે અને તેનું પણ જવાનોને વિતરણ કરવામાં આવશે. એવી જ રીતે, પોલીસો માટે બુલેટપ્રૂફ ઢાલ (મોરચા – એક પ્રકારનું પ્રોટેક્ટિવ વસ્ત્ર) પણ ખરીદવામાં આવ્યા છે. તદુપરાંત ક્વિક રીસ્પોન્સ ટીમના જવાનો માટે નાઈટ વિઝન મોનોક્યૂલર્સ તેમજ અન્ય આધુનિક શસ્ત્રોની પણ ખરીદી થઈ ચૂકી છે.

મહારાષ્ટ્ર પોલીસના ‘ફોર્સ વન’ કમાન્ડો ટીમના જવાનોને ફ્લાઈટ્સમાં શસ્ત્રો રાખવાની પરવાનગી પણ આપવામાં આવી છે.

સમુદ્ર કિનારાની સુરક્ષા વધારવા માટે સરકારે માછીમારોને રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિટી કાર્ડ્સ અને સ્માર્ટ પૂરા પાડ્યા છે.