‘કશ્મીર નામા’: કરણ અંશુમન લિખિત વિશ્વસનીય તથ્યોસભર રોમાંચક પુસ્તક

બોલીવૂડની ફિલ્મ ‘બંગિસ્તાન’ અને વેબસિરીઝ ‘ઈન્સાઈડ એજ’નાં દિગ્દર્શક કરણ અંશુમને અદ્દભુત કુદરતી સૌંદર્યને કારણે ‘પૃથ્વી પરનું સ્વર્ગ’ કહેવાતા કશ્મીરમાંની પરિસ્થિતિ વિશે અંગ્રેજીમાં એક રસપ્રદ પુસ્તક લખ્યું છે – ‘કશ્મીર નામા’, જેનું વિમોચન તાજેતરમાં બોલીવૂડ અભિનેતા ફરહાન અખ્તરે કર્યું હતું.

કરણ અંશુમનનું આ પુસ્તક છેલ્લા પાના સુધી વાચકને રોમાંચથી જકડી રાખે એવું છે.

શું છે ‘કશ્મીર નામા’?

‘કશ્મીર નામા’ કરણ અંશુમને લખેલી પહેલી જ નવલકથા છે.

‘કશ્મીર નામા’ ભારે રોમાંચ જગાવતી રાજકીય થ્રિલર નવલકથા છે.

આ પુસ્તક કશ્મીરમાં દાયકાઓથી ચાલી રહેલા ઘર્ષણ વિશેનું છે. જેમાં એક ત્રાસવાદી ષડયંત્ર તેમજ એનાથીય વધારે ખતરનાક એવા એક પેટા-ષડયંત્રનો ઉલ્લેખ છે. આ પુસ્તકમાં કશ્મીરી નાગરિકો તથા ભારતીય સૈનિકો, એમ બંનેના દ્રષ્ટિબિંદુને સંતુલિત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. એની રજૂઆત કરતી વખતે લેખકે કોઈ એક પક્ષ તરફ ઝોક આપ્યો નથી કે કોઈ પ્રકારનું જજમેન્ટ પણ પ્રદર્શિત કર્યું નથી. કશ્મીર સમસ્યાને એમણે એક માનવ દુર્ઘટના સમાન ઓળખાવીને એ વિશે સમજ આપી છે, જે વિભાજનકારી રાજકારણ અને આતંકવાદી અભિગમથી સાવ વેગળું છે.

કશ્મીરના કુદરતી સૌંદર્ય પર કોણે કુઠારાઘાત કર્યો? ‘કશ્મીર નામા’ પુસ્તક ભારતીય સૈન્ય તથા એની કામગીરી, કશ્મીરમાંની વાસ્તવિક પરિસ્થિતિ તથા આધુનિક રાજકારણમાં પ્રચારમાધ્યમો દ્વારા ભજવાતી ભૂમિકા પર પ્રકાશ પાડતું એક વિશ્વાસપાત્ર, સાથોસાથ ચિત્તવેધક સંશોધન છે.

‘કશ્મીર નામા’ વિશે એક ઉત્કંઠા જાગી અને તે વિશેની વિગતો જાણી, chitralekha.com સાથે ‘કશ્મીર નામા’ના સર્જક કરણ અંશુમનની વાતચીતઃ

તમને આ પુસ્તક લખવાની પ્રેરણા કેવી રીતે થઈ હતી?

કરણ અંશુમનઃ મને એક એવો વિચાર આવ્યો હતો કે કોઈક એવી રોમાંચક વાર્તા પુસ્તકના રૂપમાં લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ જેમાં બોલીવૂડમાં ફિલ્મનિર્માણમાં નડતી હોય છે એવી કોઈ અડચણ એમાં ન હોય. તમે બોલીવૂડમાં કોઈ રાજકીય મુદ્દા પર ફિલ્મ બનાવી ન શકો, તમે સેન્સર બોર્ડથી ઉપરવટ જઈ ન શકો, એમાં તો તમારે ગીતો જોઈએ, પ્રેમકહાણીઓ વગેરે જોઈએ. જ્યારે પુસ્તકમાં તો એવું કંઈ હોય જ નહીં, કારણ કે એમાં તમને ઘણી આઝાદી મળતી હોય છે. અને એટલે જ મેં કશ્મીર નામા પુસ્તકમાં એવી અમુક તક ઝડપી લીધી છે.

આ પુસ્તક લખતી વખતે લશ્કરી કામગીરીઓ, સ્થાનિક પરિસ્થિતિ વગેરે ઉપર સંશોધન કરતી વખતે તમને કોઈ રસપ્રદ અનુભવો થયા હોય કે પ્રક્રિયા દરમિયાન કોઈ રસપ્રદ વ્યક્તિઓને તમારે મળવાનું થયું હોય તો અહીં શેર કરશો તો ગમશે.

કરણ અંશુમનઃ ચોક્કસ. હું જવાનોની રોજિંદી કામગીરીઓ તેમજ એમનાં જીવન વિશેની જાણકારી મેળવવા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના અધિકારીઓને મળ્યો હતો. હું કશ્મીર ગયો હતો અને ત્યાં રાજકીય વર્તુળો સાથે સંકળાયેલા લોકોને મળ્યો હતો. હું ઉરીથી પણ આગળ – લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) સુધી પગપાળા ગયો હતો. જ્યાં આર્મી તથા પોલીસ ચેકપોઈન્ટ્સ/મથકો ખાતે કલાકો સુધી મારે રાહ જોવી પડી હતી. આટલું સંશોધન કરવામાં મને અનેક પ્રકારના અનુભવો થયાં. મારે લશ્કરના જવાનો, નેતાઓ અને મિડિયાકર્મીઓને પણ મળવાનું થયું હતું.

શું તમે ભવિષ્યમાં આ પુસ્તક પર આધારિત કોઈ ફિલ્મ બનાવવા વિચારશો ખરા?

કરણ અંશુમનઃ નજીકના ભવિષ્યમાં નહીં. ફિલ્મનિર્માતાઓને એટલી બધી આઝાદી હોય છે એવું હું માનતો નથી. એને બદલે હું કોઈક નાટકીય સ્વરૂપવાળી સરસ સિરીઝ બનાવું એવી શક્યતા ખરી.

તમને વધારે પડકારજનક કામ કયું લાગ્યું? પુસ્તક લખવાનું કે ફિલ્મ ડાયરેક્ટ કરવાનું?

કરણ અંશુમનઃ પુસ્તક લખવાનું કામ મને વધારે પડકારવાળું જણાયું. જોકે પુસ્તક લખવામાં મજા પણ એટલી જ આવે છે. દિગ્દર્શનમાં એકપ્રકારની મર્યાદા આવી જતી હોય છે, જેમ કે તમારી પાસે સાધનો અને વ્યક્તિઓની બાબતમાં. પરંતુ, લેખનવૃત્તિમાં, માત્ર એક જ અડચણ નડતી હોય છે અને તે છે તમારી કલ્પનાશક્તિ.

લેખક વિશેઃ

કરણ અંશુમન સ્ક્રીનરાઈટર અને ફિલ્મ નિર્માતા છે. તેઓ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે સંકળાયેલા છે. નિર્માતા તરીકે ફરહાન અખ્તર સાથે મળીને કરણે 2015માં ‘બંગિસ્તાન’ (રીતેશ દેશમુખ અને જેક્લીન ફર્નાન્ડિસ અભિનીત) ફિલ્મ બનાવી હતી. તેમજ તાજેતરમાં એમેઝોન પ્રાઈમ પર લોકોએ માણેલી અને વખાણેલી ‘ઈન્સાઈડ એજ’ સ્પોર્ટ્સ ડ્રામા સિરીઝના સર્જક અને ડાયરેક્ટર હતા. આ વેબસિરીઝને એવોર્ડ પણ મળ્યો છે. કરણ અંશુમન હાલ ‘મિર્ઝાપુર’ નામની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ કલાકારો છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં ઝંપલાવતા પહેલાં કરણ ‘મુંબઈ મિરર’ અખબારમાં રેસિડન્ટ ફિલ્મ ક્રિટીક તરીકે કામગીરી બજાવતા હતા.

(અહેવાલઃ મનોજ મોતીવાલા)