ભારતને ચાર મોટા અને ત્રણ નાના વિભાગોમાં વહેંચીને જોવાતા હોય છે. ચાર મોટા વિભાગો એટલે ચાર મુખ્ય દિશાઓ. તે પછી ત્રણ નાના વિભાગો એક ઈશાન ભારત, બીજું જમ્મુ-કાશ્મીર ઉત્તર ભારતથી અલગ અને ગોવા પશ્ચિમ ભારતની અલગ. મોટા વિભાગોમાં હંમેશા ઉત્તર અને પશ્ચિમ ભારતની સાથે ચર્ચા થતી હોય છે, જ્યારે પૂર્વ અલગ અને દક્ષિણ સૌથી અનોખું. ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં જૂની પરંપરા અને આધુનિક વિકાસ બંને રીતે ઘણું સામ્ય હોવાથી તેની સાથે ચર્ચા થતી હોય છે. સૌથી વધુ વિકાસ આ બે વિભાગોમાં થયો છે. સૌથી વધુ રાજકીય હલચલ આ વિભાગોમાં મચેલી હોય છે. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત રાષ્ટ્રીય રીતે અગત્યના એક એવા પ્રાદેશિક પક્ષોનું પણ એટલું જ વર્ચસ્વ છે. એસપી, બીએસપી, આરજેડી, જેડી(યુ), અકાલી દળ, એનસીપી. પૂર્વ અને દક્ષિણમાં પ્રાદેશિક પક્ષોનું જ વર્ચસ્વ છે, રાષ્ટ્રીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ કર્ણાટક સિવાય ક્યાંય ચિત્રમાં નથી.
આ બે વિસ્તારોના બે મહત્ત્વના મહાનગરો એટલે મુંબઈ અને દિલ્હી. આ બે શહેરો વચ્ચેની સ્પર્ધા અને એકબીજા પ્રત્યેનો દ્વેષ બહુ જાણીતો છે. બે વિભાગો ઘણી રીતે મળતા આવે, પણ આ બે શહેરો અનેક રીતે જુદા પડે. તેની સામે બાકીના બે વિભાગોના બે મહાનગરો કોલકાતા અને ચેન્નઇ. અંગ્રેજોના જમાનામાં મહત્ત્વ ધરાવતા આ બે મહાનગરો તબક્કાવાર પાછા પડતા ગયો છે. કોલકાતા ખખડી ગયું, જ્યારે દક્ષિણમાં બેંગાલુરુ અને હૈદરાબાદ બીજા બે મોટા મહાનગરો ચેન્નઇને એક બાજુએ રાખીને દિલ્હી અને મુંબઈની સામે સ્પર્ધામાં છે.
આટલી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એ કે કોલકાતા અને ચેન્નઇ દેશની સર્વસામાન્ય ચર્ચામાં ભલે ગણાતા ના હોય, રાજકીય રીતે તેમની અલગથી ગણતરી કરવી પડે છે. રાજકીય રીતે દિલ્હી અને મુંબઈનું કોઈ મહત્વ નથી – એક રાજકીય રાજધાની છે અને બીજી આર્થિક રાજધાની છે, એટલા પૂરતું મહત્ત્વ છે. (સિવાય કે આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ટકી જાય તો દિલ્હી રાજકીય રીતે મહત્ત્વનું બનશે. મુંબઈ કેન્દ્રી શિવસેના પક્ષ તરીકે ટકી નહિ શકે તો મુંબઈનું રાજકીય મહત્ત્વ વધુ ઘટશે.) કોલકાતા ચાર દાયકા સુધી ડાબેરી રાજકારણનું કેન્દ્ર રહ્યું, જ્યારે ચેન્નઇ આઝાદી પહેલાથી દ્વવિડ રાજકારણનું કેન્દ્ર બન્યું હતું અને આજે પણ છે. પરંતુ આ બે શહેરો વચ્ચે સીધો કોઈ સંબંધ કે સીધી કોઈ સ્પર્ધા રહી નથી. બંને મહાનગરો પૂર્વ તરફના દરિયાકાંઠે છે અને એકબીજાથી ભૌગોલિક રીતે નજીક છે. રાજકીય રીતે બંને દિલ્હીથી બહુ દૂર, પણ એકબીજાથી બહુ નજદીક રહ્યા નથી.
બંને વચ્ચે સમાનતા એ ગણાવવી પડે કે દિલ્હીના રાજકારણથી અનોખી ભાત પાડનારું રાજકારણ જ આ બે શહેરોમાં રહ્યું છે. પણ હાલમાં એક સર્વેમાં તામિલનાડુના લોકોએ મમતા બેનરજીનું નામ સંભવિત વડાપ્રધાન તરીકે લીધું, તેનાથી આશ્ચર્ય થાય તેવું છે. આશ્ચર્ય ના થાય તેવી વાત એ છે કે સંભવિત પીએમ તરીકે નરેન્દ્ર મોદી કરતાંય રાહુલ ગાંધીને વધારે પસંદગી મળી છે. દક્ષિણના બીજા બે રાજ્યો કેરળ અને આંધ્રમાં પણ સ્વાભાવિક છે કે મોદી કરતાં ગાંધીને વધારે પસંદગી મળી છે. પણ તામિલનાડુમાં આશ્ચર્ય એ વાતનું થયું કે ત્રીજું નામ, બહુ ઓછા મતો સાથે પણ, મમતા બેનરજીનું નીકળ્યું.
ફોન પર આ સર્વે કરાયો હતો, તેથી કેટલો આધારભૂત ગણવો તે સવાલ છે. પરંતુ ચર્ચા કરવા માટે એક પોઈન્ટ મળ્યો છે. વડાપ્રધાન તરીકે કોને પસંદ કરો એવો સિમ્પલ સવાલ પૂછાયો હતો. નેતાઓના નામ આપીને પસંદગી કરવા નહોતું જણાવાયું. તેથી ઉત્તરદાતાઓએ પોતપોતાની રીતે નામો આપ્યા, તેમાં રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી અને મમતા બેનરજીનું નામ મળ્યું. પશ્ચિમ બંગાળમાં પણ સ્વાભાવિક છે કે તેમનું નામ પસંદગીમાં આગળ આવવાનું. તેનો અર્થ એ થયો કે રાષ્ટ્રીય રાજકારણમાં ફરી એકવાર મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે કોલકાતા અને ચેન્નઇના લોકો તૈયાર થઈ રહ્યા છે. તામિલનાડુમાં મમતા બેનરજી ડાબેરીઓને હરાવી શક્યા છે, પણ હવે તેમની સામે ચેલેન્જ છે ઝડપથી આગળ વધી રહેલા ભાજપનો સામનો કરવાનો. તામિલનાડુમાં ડીએમકેના સર્વોચ્ચ નેતા કરુણાનિધિના અવસાન પછી તેમના પુત્ર સ્ટાલિનને વારસો મળ્યો છે. તેમણે વારસો સાબિત કરવાનો છે.
પ્રવર્તમાન સંજોગોમાં એવું લાગે છે કે મમતા બેનરજી સાથે કોંગ્રેસ મજબૂરીથી જોડાય અને ડાબેરીઓએ ભૂતકાળમાં ભાજપને સત્તાથી દૂર રાખવા સ્ટ્રેટેજી અપનાવેલી, તે રીતે સ્ટ્રેટેજિક રીતે ભાજપને નુકસાન થાય તેવા ઉમેદવારો મૂકે તો મમતા રાષ્ટ્રીય સ્ટેજ પર હાજરી પુરાવવાની ગણતરી રાખી શકે. ડીએમકેમાં એવી ચર્ચા થયેલી છે કે કોંગ્રેસને સાથે રાખવાથી અને તેમને ટિકિટો આપવાથી ઉલટાનું નુકસાન થયેલું. પરંતુ રાષ્ટ્રીય રાજકારણની નવી તાસીર પ્રમાણે સ્ટાલિન પણ મજબૂરીથી કોંગ્રેસ સાથે જોડાય તેવી શક્યતા છે.
તેનું કારણ એ કે રજનીકાંત ભાજપ તરફ ઢળે તેવી શક્યતા છે. જોકે રજનીકાંત નિર્ણય કરી શકતો નથી અને છાસ લેવા જવું છે, પણ દોણી સંતાડે છે. પરંતુ ગયા અઠવાડિયે જ સ્ટાલિને રજનીકાંતની જોરદાર ટીકા કરી કે તે કોમવાદી લોકોના હાથની કઠપૂતળી છે.ડીએમકે અને સ્ટાલિન માટે સારી સ્થિતિ એ રીતે પણ છે કે તેના હરિફો ગૂંચવાયેલા છે. રજનીકાંત રાજકીય રીતે ગૂંચવાયેલો છે, તેથી ચૂંટણીમાં હવે તેની કોઈ મોટી ભૂમિકા ના રહે તેવી પણ ચર્ચા જાણકારો કરી રહ્યા છે. રહી વાત પોતાના પક્ષની તો પક્ષ પર હવે સ્ટાલિનનો સંપૂર્ણ કબજો થઈ ગયો છે. તેના ભાઈ અલાગિરિ તરફથી ઊભી થયેલ ચેલેન્જ ખાસ ગજુ કાઢી શકી નથી. કરુણાનિધિની હાજરી હમણાં સુધી હતી, તેથી પક્ષનું માળખું, સંગઠન જળવાઈ રહ્યું હતું.
સામેની બાજુ હરિફ એઆઇએડીએમકેનું માળખું વીંખાઈ ગયું છે. જયલલિતાએ જેલમાં પણ જવું પડ્યું અને બીમાર પડ્યા પછી હોસ્પિટલમાં જવું પડ્યું તેના કારણે સંગઠન નબળું પડવા લાગ્યું હતું. એક તરફ શશીકલાનું જૂથ અને તેની સામે જયલલિતાના ટેકેદારોમાં બે જૂથ પડી ગયા. એક જૂથ ભાજપની હાજીહા કરવામાં માને, બીજું જૂથ શશીકલાને ખાળીને જયલલિતાના નામે પક્ષને મજબૂત કરવામાં આવે. જયલલિતા જીવિત હતા, ત્યારે જેલમાં હોય કે હોસ્પિટલમાં પનીરસેલ્વમને જવાબદારી સોંપતા હતા. તેમના અવસાન પછી શશીકલાને કારણે પલાનીસામી ફાવી ગયા અને સીએમ બન્યા. ભાજપે તેમને સાધી લીધા. પનીરસેલ્વમને દબાણ કરીને પલાનીસામીને ટેકો આપવા ફરજ પડાઈ. પણ મનથી બંને નેતાઓ એકબીજા સાથે નથી.
દરમિયાન શશીકલાના ભત્રીજા દિનાકરને પોતાની રીતે ચોકો માંડ્યો છે. તેમણે પક્ષના 18 ધારાસભ્યોને તોડી નાખ્યા હતા. તેમનો કેસ હાઇકોર્ટમાં પહોંચ્યો. તે પછી 18 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાનો સ્પીકરનો નિર્ણય માન્ય રહ્યો છે. તેથી હાલ પૂરતી પાતળી બહુમતીથી પલાનીસામીને સરકાર ટકી છે, પણ સમગ્ર રીતે સરકારનું તંત્ર અને પક્ષનું સંગઠન ભાંગી ગયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ડીએમકેના નેતા સ્ટાલીન માટે તક ઊભી થઈ છે તેમ જાણકારો કહે છે. સર્વેમાં રાજ્યમાં મુખ્યપ્રધાન કોણ તેવું પૂછાયું ત્યારે 41 ટકાએ સ્ટાલીનનું નામ આપ્યું.
તામિલનાડુમાં ફરી ડીએમકે માટે તક ઊભી થઈ છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે તેની અસર નકારી ના શકાય. યાદ રાખો કે છેલ્લે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે વિશ્વાસનો મત જીત્યો ત્યારે 325માંથી 39 સાંસદો એઆઇએડીએમકેના હતા. તેને બાદ કરો તો સરકાર પાસે 286 સભ્યો જ બચ્યા હતા. ડીએમકે હવે સપાટો બોલાવે અને 41માંથી મહત્તમ બેઠકો જીતી ત્યારે કેન્દ્રમાં કોઈ પણ સરકાર બને સ્ટાલિનનો ટેકો લેવો પડશે. મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસનું ગઠબંધન સ્પષ્ટ છે એટલે અહીંથી ટેકો નક્કી છે. દિલ્હીમાં માત્ર સાત બેઠકો છે, તેથી તેના ટેકાથી ફરક પડવાનો નથી. હવે રહ્યું કોલકાતા – તો તેના ટેકાની પણ જરૂર દિલ્હીમાં પડશે.
સૌથી મજાની વાત એ છે કે સ્ટાલિન કેન્દ્રમાં ટેકો આપશે, પણ કોંગ્રેસને કે ભાજપને તે 100 ટકા ખાતરીથી કહી શકાય નહિ. ચૂંટણીપૂર્વે જો કોંગ્રેસ સાથે ગઠબંધન થયું – જેની શક્યતા ઓછી છે – તો જ યુપીએમાં ગણી શકાય, અન્યથા જરૂર પડ્યે, ડીએમકે એનડીએને પણ ટેકો આપી શકે છે.
કોણ કોની સાથે રહેશે અને પરિણામો પછી કોણ કોને ટેકો આપશે તે અત્યારે નક્કી નથી. નક્કી વાત એટલી છે કે આગામી કેન્દ્ર સરકારમાં મુંબઈ-દિલ્હી નહિ, પણ કોલકાતા-ચેન્નઇની ભૂમિકા કેન્દ્રસ્થાને હશે.