મધ્યપ્રદેશમાં પણ મહારથીઓની લડાઈ કોંગ્રેસને નડશે?

રાજસ્થાનમાં જ્ઞાતિ જૂથો પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે એકબીજાના હરિફ પક્ષમાં જોડાતા હોય છે. પણ માત્ર બે જ મુખ્ય પક્ષ રાજ્યમાં હોય ત્યારે સામસામી લડાઈના બદલે પક્ષમાં આંતરિક લડાઈ લડવાનું આવે છે. મધ્ય પ્રદેશમાં જ્ઞાતિજૂથો કરતાં નેતાઓના જૂથોની આંતરિક લડાઈ વધારે પ્રબળ છે. અગાઉના ચિત્રલેખાના અહેવાલમાં જણાવ્યું હતું કે કઈ રીતે રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાં, પણ વિશેષ કરીને કોંગ્રેસમાં જ્ઞાતિજૂથોના વર્ચસ્વની લડાઈ પણ ચાલે છે.રાજસ્થાનની આ કશમકશમાં છેલ્લા મહિને મારવાડ પ્રદેશમાં એક નવું તત્ત્વ પણ ઉમેરાયું છે. ભાજપના જૂના નેતા જશવંતસિંહના પુત્ર ભાજપ છોડીને કોંગ્રેસમાં ભળ્યા છે. જશવંતસિંહ વાજપેયી પ્રધાનમંડળમાં હતાં અને તેમની નજીક હતા. જોકે બાદમાં 2014માં તેમને ભાજપે ટિકિટ આપી નહોતી. તેથી તેઓ અપક્ષ તરીકે લડ્યા, પણ હારી ગયા. બાદમાં બ્રેઇન હેમરેજને કારણે તેમનું અવસાન થયું હતું. રાજપૂત મતોને ધ્યાનમાં રાખીને ભાજપે તેમના પુત્રને પક્ષમાં રાખ્યા હતા, પણ હવે તેમણે પણ ભાજપ છોડી દીધો.જશવંતસિંહ સામે ભાજપે જાટ નેતાને ટિકિટ આપી હતી. મારવાડ પ્રદેશમાં 7 ટકા રાજપૂત અને 17 ટકા જાટ મતદારો છે, પણ બંને વચ્ચે બરોબરીની સ્પર્ધા થતી આવી છે. ઓછી વસતિ છતાં સામંતી માનસિકતાને કારણે મારવાડમાં રાજપૂતો વધારે જીતતા આવ્યા હતા, પણ સમય વીતવા સાથે જાટ સભ્યો વધ્યા છે. કોંગ્રેસે હવે મારવાડમાં ટિકિટ વહેંચણીમાં રાજપૂત અને જાટ વચ્ચે બેલેન્સ કરવું પડશે.

મધ્યપ્રદેશમાં જૂની પેઢીના નેતામાંથી દિગ્વિજયસિંહની હવે અવગણના થઈ રહી છે. તેમની પેઢીના કમલનાથને આગળ કરાયા છે, પણ મુખ્યપ્રધાનના ચહેરા તરીકે માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોદિરાદિત્યને આગળ કરાયા છે. રાજસ્થાનની જેમ જ જૂની અને નવી પેઢીનું સંતુલન સાધવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. અત્યાર સુધી તે બરાબર ચાલ્યો છે, પણ હવે ટિકિટ આપવાની વાત નજીક આવી ગઈ છે, ત્યારે ફરીથી જૂથબંધી દેખાયા વિના રહેશે નહિ.

દરમિયાન દિગ્વિજયસિંહનો એક વિડિયો વાઇરલ થયો તેના કારણે પણ કોંગ્રેસ થોડી મૂઝવણમાં હતી. દિગ્વિજયસિંહ કહી રહ્યા છે કે હું કંઈ પણ બોલું છું તો પક્ષને નુકસાન થાય છે એમ પક્ષને લાગે છે. તેથી હું જાહેરમાં પ્રચારમાં કરવાનો નથી. પણ આપણે સૌ એક થઈને કામ કરીએ, ભલે દુશ્મનને ટિકિટ મળે. આ રીતે દિગ્વિજયસિંહે વાત તો એકતાની જ કરી, પણ પોતાના બફાટના કારણે પક્ષને નુકસાન થાય છે તેવી કબૂલાતે વિપક્ષને મજા કરાવી દીધી. તેની મજા પણ લેવામાં આવી. ભગવા આતંક જેવા શબ્દોના જનક તરીકે દિગ્વિજયસિંહે કોંગ્રેસને બહુવાર નુકસાન પહોંચાડ્યું છે. મધ્યપ્રદેશમાં મુસ્લિમ મતો એટલા નિર્ણાયક નથી, છતાં દિગ્વિજયસિંહ કોંગ્રેસના લઘુમતી તુષ્ટિકરણના શ્રેષ્ઠ નમૂના તરીકે સ્થાપિત થવા માટે અનેકવાર બફાટ કરી ચૂક્યા છે. તેમની શું ગણતરી હશે તે જાણે, પણ દિગ્વિજયસિંહને પ્રવક્તા તરીકે તથા પક્ષના સંગઠનમાંથી પણ દૂર કરી દેવાયા હતા.

જોકે તેમની પણ તદ્દન અવગણના ના થઈ શકે. અહેવાલો અનુસાર હાલમાં જ રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં પ્રવાસે હતા, ત્યારે વળતા દિલ્હી જતા તેઓ દિગ્વિજયસિંહને વિમાનમાં સાથે બેસાડીને લઈ ગયા હતા. દુશ્મનને પણ ટિકિટ પણ મળે તોય આપણે પક્ષ માટે કામ કરીશું એવી વાત આમ સારી લાગે, પણ તેનાથી એ વાત જાહેરમાં આવી ગઈ કે કઈ રીતે પક્ષમાં આંતરિક જૂથો એકબીજાને હરિફો નહિ, પણ દુશ્મન સમજે છે. ભાજપના નેતાઓએ મોકો જોઈને મજાકનો મારો પણ ચલાવ્યો હતો. કોંગ્રેસમાં એક નહિ, પણ સીએમના ત્રણ દાવેદાર છે એમ કહેવાયું. ભાજપના મુખ્યપ્રધાન ચૌહાણે દિગ્વિજય માટે સહાનુભૂતિ વ્યક્ત કરી કે કોંગ્રેસીઓ પોતાના ભૂતપૂર્વ સીએમને દુઃખ પહોંચાડી રહ્યા છે. અન્ય એક નેતાએ કહ્યું કે કોંગ્રેસમાં સંસ્કાર જ નથી, કે પોતાના જૂના નેતાઓનું માન કેવી રીતે રાખવું.

કોંગ્રેસના પોસ્ટરોમાં પણ દિગ્વિજયસિંહને સ્થાન મળતું નથી. અત્યાર સુધી એવું દેખાડવા કોશિશ થતી રહી છે કે કમલ નાથ અને જ્યોતિરાદિત્ય વચ્ચે સારું સંકલન છે. જૂના નેતા નવી પેઢીને આગળ કરી રહ્યા છે તેવું ચિત્ર ઉપસાવાયું હતું. પરંતુ હવે ગોસીપ ચાલુ થઈ છે કે ઉમેદવારોની પસંદગીને કારણે બંને વચ્ચે ધીમે ધીમે ખટરાગ વધી રહ્યો છે. પક્ષપ્રમુખ તરીકે કમલનાથનો હાથ ઉપર રહે તેમ છે, પણ ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપાઈ હોય, ત્યારે પોતાની પસંદના ઉમેદવારો હોય તેવી માગણી જ્યોતિરાદિત્યની પણ હોય તે સ્વાભાવિક છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં કોચ અને ટીમ મેનેજમેન્ટ તથા તેની સામે કેપ્ટન વચ્ચે ગજગ્રાહ ચાલે તેવો આ ગજગ્રાહ નથી. ટીમ મેદાનમાં રમવા ઉતરે ત્યારે પૂરા જોશથી રમવા ઉતરે એમ આપણે માનીને ચાલીએ છીએ. (તેમાં સટ્ટેબાજ, જુગારિયા અને ફિક્સરિયા ક્રિકેટરો કમાણી ખાતર ગોલમાલ કરી લે છે ગણતરીમાં લેવું.) રાજકીય પક્ષોમાં એવું થતું નથી. મેદાનમાં ઉતરીને સ્પર્ધા કરવાની આવે ત્યારે ઘણીવાર સામા પક્ષના લોકો કરતાં પોતાના પક્ષના લોકો જ હરાવવા માટે મેદાનમાં આવી જતા હોય છે. અન્ય એક વિડિયો પણ બહાર આવ્યો છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર કહી રહ્યા છે કે પાર્ટી ગઈ તેલ લેવા, તમે મને ધ્યાનમાં રાખીને મત આપજો. વિવાદ પછી તેમણે ખુલાસો કર્યો કે અહીં પાર્ટી એટલે ભાજપ. પોતે ભાજપના એક ટેકેદારને ત્યાં મત માગવા ગયા હતા, તેથી ભાજપ ગયું તેલ લેવા, તમે મને કોંગ્રેસી હોવા છતાં પોતાનો ગણીને મત આપજો – એવું કહેવાનો પોતાનો ભાવ હતો તેવો ખુલાસો કર્યો છે.

ખુલાસાને કદી કોઈ ધ્યાને લેતું નથી. વિવાદ થાય તેમાં જ સૌને મજા પડતી હોય છે. શા માટે મધ્યપ્રદેશમાં ગઠબંધન ના થઈ શક્યું તેના ખુલાસામાં કોઈને રસ પડી રહ્યો નથી. સૌને એ વિવાદમાં જ રસ પડ્યો હતો કે બીએસપી સાથે કોંગ્રેસનું ગઠબંધન થઈ શક્યું નથી. છેલ્લે આઠ પક્ષો સાથે સંયુક્ત બેઠક બોલાવીને ગઠબંધન માટેના પ્રયત્નો કોંગ્રેસે કર્યા હતા, પણ પછી તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. બીજું સત્તાવાર રીતે જ્યોતિરાદિત્યનું નામ સીએમના દાવેદાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યું નથી. કોંગ્રેસમાં આવી પ્રથા નથી, પણ પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહનું નામ છેલ્લા મહિનાઓમાં જાહેર કરાયું હતું. મધ્યપ્રદેશમાં પણ ચૂંટણીના થોડા સમય પહેલાં કમલનાથ સ્વંય જ્યોતિરાદિત્યનું નામ જાહેર કરે તેવી શક્યતા છે. જાણકારો કહે છે કે ભાજપ પણ તેની જ રાહ જોઈ રહ્યું છે. શીવરાજસિંહ ચૌહાણ જુદા જુદા સર્વેમાં હજીય લોકપ્રિય હોવાનું જણાયું છે, પણ તેમના 48 ટકા સામે જ્યોતિરાદિત્ય 32 ટકા સાથે નજીક આવી રહ્યા છે. તેથી તેમનું નામ જાહેર થાય તે સાથે જ ચૌહાણ પ્રચાર શરૂ કરશે કે હવે લડાઈ કિસાનપુત્ર અને રાજકુંવર વચ્ચે છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યુવાન નેતાઓને આગળ કરાયા છે, તેની પાછળ સ્ટ્રેટેજી કરતાંય, રાહુલ ગાંધી સાથેની તેમની નીકટતા વધારે જવાબદાર છે એવું પણ વિશ્લેષકો કહે છે. દિલ્હીમાં આ બંને નેતાઓ રાહુલ ગાંધી સાથે ઘણા વર્ષો સુધી કામ કરતા રહ્યા હતા. વય અને પરિવેશને કારણે પણ આ નેતાઓને એકબીજા સાથે વધારે ફાવે છે. તેથી જ બંનેને આગળ કરાયા છે અને જૂની પેઢીના નેતાઓએ કમને, હવે હાઇકમાન્ડ બનેલા રાહુલ ગાંધીની ઈચ્છાને કારણે તેમને સ્વીકાર્યા છે. જૂની પેઢીને સમજાવાયું હશે કે હવે સત્તા મેળવવી જરૂરી છે. સત્તા મળશે તો પક્ષ અને તમે સૌ ટકી જશો એવું સમજાવવામાં રાહુલ ગાંધી સફળ થયા હશે કે કેમ તે ટિકિટોની ફાળવણી પછી કેટલો વિવાદ થાય છે અને કેટલી વિકેટો પડે છે તેના પરથી ખબર પડી જશે.