અરૂણ જેટલીની વાત આવકારને પાત્ર નથી

સુપ્રીમ કોર્ટ એક પછી એક ચુકાદા આપે અને સૌ વિમાણસમાં પડીને જોયા કરે. જે કામ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિએ કરવાનું હોય તે કામ સુપ્રીમ કોર્ટ કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ નિયમો ઘડવાનું કામ કરી રહી છે. આધુનિક યુગમાં ભારત દેશની પ્રજા કઈ રીતે જીવે, કેવા નિયમોનું પાલન કરે, ક્યાં સંયમ રાખે અને ક્યાં મુક્તપણે વિહરી શકે તેના નિર્ણયો સુપ્રીમ કોર્ટમાં થઈ રહ્યા છે. સીબીઆઈના મામલામાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો તેનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ છે. જરા જુદા પ્રકારનો ચુકાદો છે, પણ જે કામ સરકારે કરવાનું હતું તે કોર્ટે કરવું પડ્યું છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કામચાઉ નિમાયેલા સીબીઆઈના ડિરેક્ટર માત્ર રૂટિન કાર્યો કરે. કોઈ પોલિસી ડિસિશન ના લે. તેમણે લીધેલા નિર્ણયોનું લિસ્ટ પણ માગ્યું છે. કોની બદલી ક્યાં થઈ તેની યાદી માગી છે. સીબીઆઈના ડિરેક્ટરને રાતોરાત (સાચા અર્થમાં રાતોરાત, કેમ કે અડધી રાત્રે સીબીઆઈના મુખ્ય કાર્યાલયને દિલ્હી પોલીસની મદદથી ઘેરી લેવાયું હતું અને હુકમો ટાઇપ કરીને, તેના પર સહીઓ કરીને એ ઓફિસમાં બેસનારા એક ડઝનથી વધારે લોકોની બદલી કરી નખાઇ કે રજા પર ઉતારી દેવાયા.) હટાવી દેવાયા. તેમની સામે તપાસ ચાલી રહી હતી તે લાંબો સમય ચાલ્યા જ કરે અને ત્યાં સુધીના 2019ની ચૂંટણી પણ પૂરી થઈ જાય, તેવું ના થાય તે માટે 15 દિવસમાં તપાસ પૂરી કરી દેવાનો આદેશ આપ્યો. સીવીસી તપાસ કરે તે તપાસ પર નજર રાખવા માટે નિવૃત્ત જજને પણ મૂક્યા.

આ બધા જ આદેશો સરકારે કરવાની જરૂર હતી. સરકાર તે કરવામાં નિષ્ફળ ગઈ ત્યારે સુપ્રીમ કોર્ટે કામ કરવું પડ્યું છે. બે અધિકારીઓ ઝઘડતા હતા બે મહિનાથી. સીવીસીને બોલાવીને, બંને અધિકારીઓને બોલાવીને, જરૂર પડ્યે વિપક્ષના નેતાઓને પણ સાથે રાખીને આ જ મામલો સરકાર સુપ્રીમ કોર્ટની જેમ હેન્ડલ કરી શકી હોત.

બીજી બાજુ સબરીમાલા અને ફટાકડા ફોડવા જેવા મામલે કે પ્રદૂષણના મામલે પણ નિર્ણયો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરવાના હતા, પણ નિર્ણયો સુપ્રીમ કોર્ટે આપ્યા છે. તેમાં સબરીમાલામાં કેટલાક સ્થાપિત હિતોનો ગરાસ લૂંટાઈ ગયો છે એટલે વિરોધ થઈ રહ્યો છે. ધાર્મિક સ્થાનો પણ કબજો રાખવા માગતા, વર્ણવ્યવસ્થા આડકતરી રીતે ચાલતી રહે તેવું ઇચ્છતા અને સ્ત્રીઓને અપવિત્ર ગણાવતી પ્રાચીન માનસિકતાને અકબંધ રાખવા માગતા તત્ત્વોએ સબરીમાલાના નિર્ણયનો વિરોધ કર્યો છે.

સાથે જ તટસ્થ નિરિક્ષકો એવું પણ કહી રહ્યા છે કે સબરીમાલામાં પરંપરાનું પાલન કરવા માગતા વિશાળ જન સમુદાયની લાગણી પણ છે. વિના કારણ કે કોઈ મોટો ફાયદો ના થવાનો હોય કે કોઈ મોટો સુધારો ના આવવાનો હોય ત્યારે જનતાની લાગણીને છંછેડવાનો અર્થ નથી. તેથી જ અદાલતે બધી જ બાબતોમાં દખલ ના કરવી જોઈએ તેવી દલીલો કરનારાની સંખ્યા વધી છે.

આ તક જોઈને અરૂણ જેટલીએ કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સત્તા ઓછી થવી જોઈએ નહી. તેમણે એમ પણ કહ્યું કે બંધારણીય સત્તા કરતાં પણ દેશ વધારે જરૂરી છે અને દેશને ચલાવતા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સત્તામાં કાપ મૂકાવો જોઈએ નહિ. સબરીમાલાના ચુકાદાને કારણે ઊભા થયેલા માહોલને ધ્યાનમાં રાખીને આ વાત સાંભળીએ તો ઠીક લાગે છે, પણ સીબીઆઈના મામલો જોયા પછી કહેવું પડે કે અરૂણ જેટલીની વાત આવકાર્ય નથી.

બંધારણીય સંસ્થાઓ કરતાં દેશ મોટો છે તેવી વાતને ઉતાવળે અનુમોદન આપી દેશો નહી. આ બહુ ખતરનાક વિચાર છે. બંધારણીય સંસ્થાઓને કારણે જ દેશ મોટો અને મહાન થયો છે તે તરત ને તરત યાદ કરી લો અને જેટલીની વાતને નકારી કાઢો. કેમ કે મજબૂત લોકશાહી હોય ત્યારે જ દેશ મજબૂત બને છે અને દેશને મજબૂત બનાવે છે તેની બંધારણીય સંસ્થાઓ. દેશને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મજબૂત બનાવતા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશને તોડીફોડી ના નાખે તે માટે બંધારણીય સંસ્થાઓ છે એ વાત સારી રીતે સમજી લો.

ઇન્ડિયા ફાઉન્ડેશન આયોજિત ‘અટલ બિહારી વાજપેયી મેમોરિયલ લેક્ચર’ અંતગર્ત તેમણે પોતાનું પ્રવચન આપ્યું તેમાં આ વાત જેટલીએ કહી હતી. ઇન્ડિયન ડેમોક્રસી – મેચ્યોરિટી એન્ડ ચેલેન્જીસ (ભારતીય લોકતંત્ર – પ્રૌઢતા અને પડકાર) એવા તેમના એક કલાકના ભાષણમાં તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આપણે ચૂંટાયેલાની સત્તાને નબળી પાડી રહ્યા છીએ અને અન-એકાઉન્ટેબલ (પ્રજાને સીધી રીતે જવાબદાર નહિ તેવી સંસ્થાઓ) તરફ સત્તા ઢળે તેવું કરી રહ્યા છીએ? સીબીઆઈના મામલામાં ઉપર કહ્યું તે પ્રમાણે સરકારે જે નિર્ણયો કરવાની જરૂર હતી અને નહોતા કર્યા તેથી સુપ્રીમ કોર્ટે કરવા પડ્યા હતા. અર્થાત ચૂંટાયેલા સ્વંય નબળા અને બેજવાબદાર સાબિત થયા હતા. બીજું આ જ દિવસોમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે આરબીઆઈની સ્વાયત્તતાની અવગણના કરવામાં આવશે તો બજારમાં નારાજી ફેલાશે અને આર્થિક અડચણો ઊભી થશે. વધુ એક બંધારણીય સંસ્થામાં અસંતોષ બહાર આવ્યા પછી અરૂણ જેટલીએ ભાષણ આપ્યું તેના કારણે વધારે ધ્યાન ખેંચાયું છે.

તેમણે કહ્યું કે “કેન્દ્ર અને રાજ્યોમાં આખરે ચૂંટાયેલા લોકો હોય છે અને દરેક બાબત માટે આખરે તેઓ જ જવાબદાર ઠરે છે. તેની સામે નોન-એકાઉન્ટેબલને (બંધારણીય સંસ્થાઓને) કોઈ બાબતમાં જવાબદાર ગણવામાં આવતા નથી. રાષ્ટ્ર એટલે કે ભારત તે કોઈ પણ સંસ્થા કે સરકાર કરતાં ઉપર છે… શું બેજવાબદારી ભ્રષ્ટાચાર માટેનો મુખવડો હોઇ શકે ખરો? શું તેને તપાસ કરી નાખવાની સાહસવૃત્તિનો પાયો બનાવી શકાય, કે પછી અન્ય નોન-એકાઉન્ટેબલ સંસ્થાઓની જેમ નિષ્ક્રિયતાનો પાયો બનાવી શકાય ખરો? આવા સંજોગોમાં દેશે શું કરવું? આ એક મોટો પડકાર છે.”
આવા પ્રશ્નો કરીને પછી પોતે તેના કોઈ ઉકેલ આપી રહ્યા નથી, તેવી સ્પષ્ટતા કરીને જેટલીએ પછી જવાબ તો આપ્યો જ કે “એક જવાબ મને સ્પષ્ટ લાગે છે.

દેશ કોઈ પણ સંસ્થા કરતાં વધારે મોટો છે. તેથી આપણે જ્યારે નોન-એકાઉન્ટેબલ સંસ્થાઓને સંભાળીએ, કે જે આજે એક ચેલેન્જ બની છે, ત્યારે તેની સાથે ડીલ કરતી વખતે આ પડકારને આપણે ધ્યાનમાં રાખવાનો છે. યોગ્ય રીતે વિચાર કરનારા કદાચ આના વિશે વિચાર કરશે.” વિચાર કરનારા કરશે, પણ આપણે નાગરિકોએ પણ વિચારી લેવું પડશે. આવી ભાષાથી દોરવાઈ જવું નહિ. બંધારણીય સંસ્થાઓ કરતાં દેશ મહાન છે એટલે વળી શું? આપણા દેશમાં બંધારણીય સંસ્થાઓ છે અને તેને કામ કરવાની મોકળાશ મળે છે એટલે જ દેશ મહાન છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને અબાધ સત્તા આપી દેવાની નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ બહુમતીના જોરે મનફાવે તેમ વર્તે તે માટેની મંજૂરી બંધારણ આપતું નથી. અને મંજૂરી ના હોવાથી મનફાવે તેમ ના વર્તે તે માટે જ બંધારણ છે અને તેથી જ બંધારણીય સંસ્થાઓ પણ છે.

જરૂર છે દેશને વધારે મહાન બનાવવા માટે બંધારણીય સંસ્થાઓને વધારે મજબૂત અને મહાન બનાવવાની. બંધારણીય સંસ્થાઓ જેટલી મજબૂત અને મહાન બનશે એટલો દેશ વધારે મોટો અને મહાન બનશે… નાગરિકો વિચારી લો અને અરૂણ જેટલીની વાત ભલે તમને સબરીમાલાના સંદર્ભમાં સાચી લાગતી હોય, પણ આવકાર્ય નથી તે પણ વિચારીને ચકાસી લો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]