મહારાષ્ટ્ર મામલોઃ રમૂજ, કાર્ટૂન, ગીતો, ફટાણા અને જૂની વાતો

હારાષ્ટ્રના કારણે વધુ એક રાજ્યપાલની છાપ ખરડાઈ હતી અને તેમાં કોઈને નવાઈ લાગી નહોતી. કેમ કે રાજ્યપાલો એટલે પક્ષમાં નક્કામા થઈ ગયેલા ઘરડા અને નડતા નેતાઓ. તેમને ધકેલી દેવામાં આવ્યા હોય અને તેમનો આધાર પક્ષના માઇબાપ પર હોય ત્યારે તેઓ કહ્યાગરા થઈને વર્તે. પરંતુ રાષ્ટ્રપતિના ભાગે છેલ્લા થોડા દાયકામાં ખાસ કોઈ એવી કામગીરી આવી નહોતી કે લાંછન લાગે. છેલ્લે કટોકટી વખતે કાગળો પર ફટાફટ સાઇન રાષ્ટ્રપતિ કરી આપતા હતા.

તે વખતે એવું કાર્ટૂન છપાયું હતું કે બાથટબમાં નહાતા નહાતા રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહમદ સહીઓ કરી રહ્યા છે. કહે છે કે હવે જરાક શાંતિથી નાહી તો લેવા દો. એ જ રીતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું કાર્ટૂન બની શકે કે આંખો ચોળતા ચોળતા કાગળો પર સહીઓ કરતા હોય. શાંતિથી સુવા પણ નહિ દે એવું બોલી પણ શકે. જ્ઞાની ઝૈલસિંહને પણ ઇન્દિરા ગાંધીએ કહ્યાગરા હોવાથી રાષ્ટ્રપતિ બનાવ્યા હતા અને તેમણે હું તો ઇન્દિરા કહે તો ઝાડુ પણ મારું એમ કહીને પદને એવું લાંછન લગાવ્યું હતું જે કદી ના ભૂંસાય.

રાજકારણમાં આમ તો કોઈ ઘટના આઘાતજનક ના હોય, કોઈ દગો ખતરનાક ના હોય, કોઇ છેહ ચોંકાવનારો ના હોય, પણ મહારાષ્ટ્રમાં જે થઈ રહ્યું છે તેમાં લોકતાંત્રિક પ્રણાલીઓ વધારે ઊંડી ગર્તામાં ધકેલાઈ છે. તેના કારણે ગંભીર ચર્ચા કરવાને બદલે હસી નાખવું પડે. સ્થિતિ એટલી કરુણ હોય કે હાસ્ય જ તેનો ઉપાય છે. એથી તમે જોયું હશે કે આજકાલ ટીવી ડિબેટમાં મહારાષ્ટ્રની સ્થિતિ વિશે સૌ ગીતો પણ ગાઈ રહ્યા છે. કોઈ શાયરીઓ કહી રહ્યું છે, કોઈ અવનવી ઉક્તિઓ ટાંકી રહ્યા છે. થોડા નમૂનાઃ

યે ક્યા હૂઆ, કબ હૂવા, ક્યું હૂવા; બૂરે કામ કા બૂરા નતીજા, ક્યું ભઇ ચારા, હા ભતીજા; હમ બેવફા હરગીજ ના થે, પર હમ વફા, કરના સકે; હૂડ હૂડ દબંગ; પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત; હમે તો ડૂબેંગે સનમ, તુમે ભી લે ડૂબેંગે; લે જાયેંગે, લે જોયેંગે, પૈસેવાલે દુલ્હનીયા લે જાયેંગે…


ઘણા લોકોએ જૂની ફિલ્મો પણ યાદ કરી. રાજકારણ અને તેની આંટીધૂંટી દર્શાવતી ઘણી ફિલ્મો છે. પરંતુ એક ફિલ્મને કેટલાકે ખાસ યાદ કરી, કેમ કે તેને મહારાષ્ટ્ર રાજકારણ સાથે વધારે નજીકનો સંબંધ છે. 1979માં આવેલી જબ્બાર પટેલની ફિલ્મ ‘સિંહાસન’ મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિને કેટલેક અંશે મળતી આવે છે.

ફિલ્મની કથા મુજબ એક પત્રકાર જોઈ રહ્યો છે કે મહારાષ્ટ્રમાં દુકાળ છે, ગરીબી અને બેકારી વધી રહી છે, પણ (ફિલ્મના) મુખ્યમંત્રી શિંદેને માત્ર પોતાની સત્તા બચાવવાની જ ચિંતા છે. કોઈએ તેમને ફોન કરીને ચેતવ્યા છે કે તમારા જ પક્ષના તમારા હરિફ વિલાસરાવ દભાડે તમને ઉથલાવી નાખવાના છે.


ધીમે ધીમે બંને નેતાઓની આંતરિક લડાઈ બહાર આવી ગઈ. અત્યારે ભાજપ અને શિવસેના અને એનસીપીમાં કાકા-ભત્રીજા સામસામે બહાર આવી ગયા તે રીતે. પત્રકારનું પાત્ર રાબેતા મુજબ આમ આદમી સાથે ચર્ચા કરતું રહે છે. એક બાબર પત્રકારને ડાયલોગ સંભળાવે છે, ‘ગરીબોં કી જિંદગી સે ખેલના અચ્છા નહિ. એક દિગ આગ ભડક હી જાયેંગી.’ ભારતમાં એ દાયકામાં ફિલ્મો બનતી હતી તેમાં ગરીબ અને કચડાયેલી પ્રજા આખરે જાગે છે કે નેતાઓનો ખાત્મો બોલાવે છે એવું દેખાડાતું હતું. પરંતુ આજની સ્થિતિમાં તે બંધબેસતું નથી. આજે લોકોને જાણે કંઈ પડી જ ના હોય તેમ પોતાની સાથે થતી મજાક સહન કર્યે જાય છે.
શેરીમાં ઉતરીને આંદોલન કરવાના બદલે લોકો પોતાનો બળાપો સોશ્યલ મીડિયા પર ઠાલવીને ઠાલો સંતોષ માની લે છે. લોકો રમૂજ કરે કે દુનિયામાં ક્યાંય સરકાર બનાવવી હોય તો સંપર્ક કરો અમિત શાહ વગેરે. તમે મારા કરતાં સોશ્યલ મીડિયામાં વધારે સક્રિય છો એટલે કેવા કેવા વીડિયો મહારાષ્ટ્રની નુરાકુસ્તી અને સોનીઝઘડા માટે મૂકાયા તે સારી રીતે જાણો છો.

પેલા વાળંદે ગુજરાતી કવિના સ્વરમાં કહ્યું હતું કે ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ભસ્મકણી ના લાધશે’, પરંતુ ફિલ્મનો પત્રકાર વધારે વાસ્તવિક જગતમાં જીવે છે. તે જવાબમાં કહે છે કે પણ, “શિંદે આલે કાય, દભાડે આલે કાય, તુમ્ચ્યા અવૈશ્યત કાઇ ફરક પડનાર?”

આજની સ્થિતિ પણ એવી જ છે. ભાજપ-સેનાની સરકાર આવે, ભાજપ-અજિત પવારની સરકાર આવે, ભાજપ-એનસીપીની સરકાર આવે કે ત્રણેય પક્ષોની સંયુક્ત સરકાર આવે, મહારાષ્ટ્રની પ્રજાને શું ફરક પડવાનો. નાનો મોટો ફરક ઉદ્યોગગૃહોને પડવાનો, કેમ કે કેટલાક વહાલા હશે, કેટલાક દવલા હશે. મુંબઈ આર્થિક રાજધાની હોવાથી તેના પર કબજો કરવા માટે ઉદ્યોગગૃહો કાવતરું કરી રહ્યા છે એવું ભાજપના નેતા રવિશંકર પ્રસાદે ગંભીરતા સાથે કહ્યું. ઇન્દિરા ગાંધીના જમાનામાં વિદેશી હાથની વાત થતી. પ્રસાદે ઉદ્યોગપતિઓના હાથની વાત એટલી ગંભીર રીતે કરી કે આખું નિવેદન હાસ્યાસ્પદ લાગે. વર્તમાન રમૂજના માહોલમાં તેમનું નિવેદન પણ એ રીતે બંધબેસતું આવી ગયું હતું.

મહારાષ્ટ્રમાં હવે ભાજપે ‘ટેકાના ભાવે’ ખરીદીના ટેન્ડર બહાર પાડી દીધા છે. તેમાં 50 કરોડથી 80 કરોડ સુધીની રકમ, પ્રધાનપદું કે નિગમોમાં સ્થાન વગેરેની વાતો ચાલે છે. સાથે જ પેલી ઈડી અને સીબીઆઈની ફાઈલો તો ખરી જ. સીડી (ઉપર ચડવાની નહિ, પણ જોવાની. જોકે શ્લેષ પ્રમાણે એ ઉપર ચડવાની સીડી છે. સત્તામાં ઉપર ચડવાની…) પણ તૈયાર હશે તે દેખાડાતી હશે. સિંહાસન ફિલ્મમાં પણ કેટલાક વિધાનસભ્યો કેવી રીતે લલના જોઈને લાળ ટપકાવે છે તે દર્શાવાયું હતું. મુખ્યમંત્રી શિંદે આ જાણતા હતા અને તેથી આવા સભ્યોને હનીટ્રેપમાં ફસાવી દેવાયા હતા.

આવા બધા કાવાદાવાથી શિંદે પોતાના હરિફ નાણાપ્રધાનના ધારાસભ્યોને પણ પોતાની તરફ ખેંચી લે છે. પત્રકાર તરીકે સતત આવી ગોલમાલ જોનારા પાત્રને પણ છેલ્લેછેલ્લે આઘાત લાગે છે. રાજકારણમાં આવું તો ચાલે જ, પણ આટલી હદનું – આવો સવાલ મહારાષ્ટ્રમાં આજે અસલી પત્રકારોને થવા લાગ્યો છે. દભાડેને એમ હતું કે પોતે મુખ્યમંત્રીને પાડી દેશે, પણ મુખ્યમંત્રીએ છેલ્લી ઘડીએ ખેલ પાડી દીધો, દભાડે માંદા રહે છે તેમ કહીને તેમની પાસેથી તગડું નાણા ખાતું લઈને નબળું ખાતું આપી દેવાયું. પછી શું થયું? કશું જ નહિ, રાજકારણમાં કશું જ ના થયું, આવું જ બધું થતું રહ્યું, પણ સિંહાસન ફિલ્મનો પત્રકાર પાગલ થઈ ગયો.

મહારાષ્ટ્રમાં ગૃહમાં બહુમતી સાબિત કરવાની વાત આવશે ત્યારે ન જાણે શું થશે. કેવા ખેલ પડશે, કેવી ધમાલ થશે અને તે પછી કેવી રીતે બંધારણનું ચીરહરણ થશે, કશી કલ્પના કરી શકાય તેમ નથી. ગુજરાતમાં સ્પીકર માંદા પડેલા છે એમ કહીને ડાભીને બેસાડાયા હતા, મુખ્યમંત્રી સુરેશ મહેતાને કોરિડોરમાં આમથી તેમ દોડાવાયા હતા અને રાજ્યપાલને એવી રીતે રાજી કરાયા હતા કે તેમણે તરત જ કેન્દ્રમાં અહેવાલ મોકલી દીધો અને રાષ્ટ્રપતિ શાસન લાગું પડી ગયું હતું. મહારાષ્ટ્રમાં પણ હજી આવા ખેલ કદાચ થશે અને તે જોઈને ઘણા પત્રકારો, વિશ્લેષકો ગાંડા થઈ જશે.

1979માં આ ફિલ્મ રિલિઝ થઈ ત્યારે પણ મહારાષ્ટ્રની સ્થિતિ સાથે થોડી મળતી આવતી હતી, કેમ કે આગલા વર્ષ 1978માં જ શરદ પવારે તેમના જ પક્ષના વસંતદાદા પાટીલને ઉથલાવી નાખ્યા હતા. જોકે ફિલ્મમાં મુખ્યમંત્રીને ઉથલાવાનું શક્ય નહોતું બન્યું, તેથી તે ફિલ્મ આજના સમયને વધારે બંધબેસે છે અને ફડણવીસ ફરીથી મુખ્યમંત્રી (અત્યારે તો) બની ગયા છે.

1978માં શું થયું હતું તે પણ ટૂંકમાં જોઈ લઈએ. 1977માં બધા વિપક્ષોએ ભેગા થઈને ઇન્દિરા ગાંધીને હરાવ્યા. તે પછી જાન્યુઆરી 1978માં કોંગ્રેસમાં ફરી ભાગલા પડ્યા. મહારાષ્ટ્રમાં શરદ પવારનો ગઢ ગણાતા બારામતીમાં તે વખતે વી. એન. ગાડગીલ હારી ગયા હતા. કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે શરદ પવાર યુવાન રાજકારણી હતા. તેઓ યશવંતરાવ પાટીલને આંગળી પકડીને આવ્યા હતા એટલે તેમની સાથે કોંગ્રેસ (સરદાર સ્વર્ણસિંહ-એસ)માં રહ્યા. વિધાનસભાની ચૂંટણીઓ થઈ તેમાં કોંગ્રેસ (એસ)ને 69 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસ (આઈ)ને 65 બેઠકો મળી હતી. જનતા પાર્ટી 99 બેઠકો સાથે મોટો પક્ષ હતો, પણ તે સરકાર બનાવી શકે તેમ નહોતો.


ચૂંટણી પતી એટલી જૂના કોંગ્રેસીઓ ફરી ભેગા થઈ ગયા અને બંને જૂથોએ સંયુક્ત સરકાર બનાવી. કોંગ્રેસ (એસ)ના વસંતદાદા પાટીલ મુખ્યમંત્રી બન્યા અને કોંગ્રેસ (આઇ)ના નાસિકરાવ તિરપુડે નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે સત્તા માટે જ બંને જૂથો ભેગા થયા હતા એટલે જૂનો ઝઘડો થોડા સમયમાં તાજો થયો અને વિખવાદ વધવા લાગ્યા.
શરદ પવાર નાની ઉંમરથી જ સંબંધો અને સંપર્કો અને સત્તાની દલાલીના માહેર બની ગયા હતા. જનતા પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર સાથે સારા સંપર્કોને કારણે તેમણે બળવો કરવાનું નક્કી કર્યું. ચંદ્રશેખરે ટેકો આપવાનું કહ્યું એટલે પવારે અંદર રહીને પક્ષને તોડવાનું શરૂ કર્યું હતું. અજિત પવારે અંદર રહીને પક્ષને તોડ્યો તે રીતે ધીમે ધીમે 38ને પવારે પોતાની તરફ કરી લીધા. સુશિલકુમાર શિંદે, દત્તા મેઘે, સુંદરરાવ સાળુંકે રાજીનામા આપ્યા. સત્ર ચાલુ જ હતું અને શરદ પવાર વસંતદાદા પાટીલને બંગલે મળીને તમારી સાથે જ એવું કહી આવ્યા. પછી ગૃહમાં જઈને તેમને જ પાડી દીધા. તેમણે 38 સભ્યો સાથે સમાંતર કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી. માત્ર 38 વર્ષની ઉંમરે તેઓ મુખ્ય પ્રધાન બની ગયા હતા.
જોકે આ સરકાર લાંબી ચાલી નહોતી, કેમ કે 1980માં ઇન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા એટલે તેમણે ઘણી બધી રાજ્ય સરકારોને ઉથલાવી નાખી હતી. મહારાષ્ટ્રમાં પણ શરદ પવારને તગેડી મૂકીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું હતું.

મહારાષ્ટ્રમાં પણ લાગે છે કે હવે ધમાલ થશે, અવ્યવસ્થા સર્જાશે, કદાચ ત્રણેય પક્ષોમાં ભાગલા પડશે, અને તે સ્થિતિમાં કોઈ સરકાર લાંબું ચાલવાની નથી તેવા અહેવાલ સાથે બધા જ પક્ષોને તગેડી મૂકીને ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે અને નવેસરથી ચૂંટણીઓ કરવી પડે તેવું પણ બને. કંઈ પણ થઈ શકે છે, તમે કલ્પના ના કરી શકો એવું થઈ શકે છે, તમે ગાંડા થઈ જાવ એવું પણ બની શકે છે.