આ એક જાહેરાત જેકી શ્રોફ અને ગોવિંદાને રૂપિયા વીસ હજારમાં પડી!

મુંબઈઃ ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગરની કન્ઝ્યુમર કોર્ટે ફિલ્મ અભિનેતા ગોવિંદા અને જેકી શ્રોફ વિરુદ્ધ દર્દ દૂર કરતા તેલનો પ્રચાર-પ્રસાર કરવા મામલે દંડ ફટકાર્યો છે. અભિનેતાઓ સહિત તેલ બનાવનારી કંપની પર કોર્ટે 20,000 રુપિયાનો દંડ ફટકાર્યો છે. હકીકતમાં કોર્ટે આ નિર્ણય એક યુવક દ્વારા હર્બલ ઓઈલ કંપની અને તેનો પ્રચાર પ્રસાર કરનારા ગોવિંદા તેમજ જેકી શ્રોફ વિરુદ્ધ 5 વર્ષ પહેલા દાખલ એક કેસમાં આપ્યો છે.

ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે અભિનેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહેલું તેલ 15 દિવસમાં દર્દથી રાહત આપતું નથી. જ્યારે એડવર્ટાઈઝમેન્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 15 દિવસની અંદર જ આ તેલ દર્દથી રાહત અપવાવવાનું શરુ કરી દે છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2012 માં મુઝફ્ફરનગરના એક વકીલ અભિનવ અગ્રવાલે પોતાના 70 વર્ષીય પિતા માટે 3600 રુપિયાની કિંમતનું આ તેલ મંગાવ્યું હતું.

એડમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો આ તેલથી 15 દિવસની અંદર રાહત ન મળે તો બધા પૈસા પાછા આપવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર અભિનવ અગ્રવાલનું કહેવું છે કે 15 દિવસ સતત તેલ લગાવ્યા બાદ પણ મારા પિતાજીને આરામ ન મળ્યો. ત્યારબાદ તેમણે મધ્યપ્રદેશ સ્થિત કંપનીના પ્રિતિનિધિ સાથે સંપર્ક કર્યો. કંપનીના પ્રતિનિધિએ પ્રોડક્ટને પાછી મોકલવા કહ્યું જેથી રિફન્ડ પ્રક્રિયા શરુ થઈ શકે.

જો કે કંપનીએ અગ્રવાલને તેમના પૈસા પાછા ન આપ્યા અને જ્યારે તેમણે કંપનીનો સંપર્ક કર્યો તો તેમને હેરાન કરવામાં આવ્યા. અભિનવ અગ્રવાલે કહ્યું કે તેમણે ગોવિંદા અને જૈકી શ્રોફ જેવા સ્ટાર્સે કરેલા દાવાના કારણે પ્રોડક્ટ ખરીદી હતી. પરંતુ બધું જ ફ્રોડ નિકળ્યું. ત્યારે કન્ઝ્યુમર કોર્ટે મામલામાં તેલ વેચનારી કંપની, જેકી શ્રોફ, ટેલમાર્ટ શોપિંગ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ અને મેક્સ કમ્યૂનિકેશન્સને 20,000 રુપિયા પીડિતને આપવા કહ્યું છે. સાથે જ ફર્મને તમામ કાયદાકીય ખર્ચ સાથે 3600 રુપિયા પણ 9 ટકા વ્યાજ સાથે પાછા આપવા માટે કહેવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]