નબળી નેતાગીરી વચ્ચે નિર્ણયો લેતું ન્યાયતંત્ર…

ઝાદીની લડાઈને કારણે ભારતમાં એકથી એક ચડિયાતા નેતા ઊભા થયાં. ઉદ્દેશ બહુ ઉદ્દાર હતો અને તેના કારણે ઉત્તમ નેતાઓ તૈયાર થયાં, પણ એક વાર ઉદ્દેશ હાંસલ થઈ ગયો અને આઝાદી મળી ગઈ તે પછી નેતાગીરી નબળી પડતી ગઈ છે. આઝાદી પછી એક પણ નવો નેતા પેદા થયો નથી, જેને પ્રજા આદર્શ માની શકે કે તેનામાંથી પ્રેરણા લઈ શકે. લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈ મૂળ તો આઝાદીની લડાઈમાં જ તૈયાર થયેલા નેતાઓ હતાં. તેઓ બંને લાંબો સમય શાસન કરી શક્યા નહીં, તેના કારણે તેઓ કેવો વારસો મૂકી ગયા તેનું મૂલ્યાંકન કરવું અઘરું છે. બંને પોતપોતાની રીતે આદર્શો પાળતા રહ્યાં હતાં અને જૂના સમયને યાદ કરાવતા રહ્યાં હતાં.
તે પછીની પેઢીના નેતાઓમાં નરસિંહ રાવ અને મનમોહન સિંહને આર્થિક ઉદારીકરણ માટે અને અટલ બિહારી વાજપેયીને પ્રથમ બિનકોંગી દિગ્ગજ નેતા તરીકે યાદ કરવામાં આવશે. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનને હરાવીને બાંગલાદેશનું સર્જન કર્યું, તેથી ઇતિહાસમાં મહત્ત્વના વળાંકમાં તેમને યાદ કરવા પડે, પરંતુ તેઓ કોઈ એવી યાદગીરી નથી છોડી ગયા કે જેમાંથી પ્રેરણા લઈ શકાય. પ્રારંભના વર્ષોમાં કોંગ્રેસને હારની બહુ ચિંતા નહોતી, તેથી નહેરુ અઘરા નિર્ણયો લઈ શકતા હતાં. આઝાદી પછી સરદાર અને આંબેડકર લાંબો સમય રહ્યાં નહીં, પણ બંનેની કામગીરી દેશના આજના સ્વરૂપને ઘડનારી અને અમીટ છાપ છોડી જનારી રહી. સરદારનું મૂલ્ય સમય સાથે વધતું ગયું છે. એ જ રીતે વર્તમાન નેતા નરેન્દ્ર મોદીનું મૂલ્ય ભાવી પેઢી જ વધારે સારી રીતે કરશે.
આવા સંજોગોમાં છેલ્લા ત્રણેક દાયકાથી દેશમાં નેતાગીરી સતત નબળી પડતી રહી છે. મંડલ પંચ જેવા મહત્ત્વના નિર્ણયો લેવાયા, પણ તેમાં રાજકારણ વધારે જોવામાં આવ્યું. મનમોહન સિંહ પણ વડાપ્રધાન તરીકે વધુ કોઈ સુધારા ના કરી શક્યા. બીજી કૃષિ ક્રાંતિ કે બીજી અર્થ ક્રાંતિ આવવાની બાકી છે. દરમિયાન સામાજિક ક્રાંતિ તો સાવ અટકી પડી હતી. આરટીઆઈ જેવો કાયદો લાવતા દમ નીકળી ગયો. ચૂંટણી સુધારા થતા નથી. સમાન નાગરિક ધારો લાવવાની કોઈ નેતામાં હિંમત નથી.આવી સ્થિતિમાં ભારતનું ન્યાયતંત્ર એક પછી એક એવા ચુકાદા આપતું રહ્યું છે અને સામાજિક અને સાંસ્કૃત્તિક ક્રાંતિ કરતું રહ્યું છે. આ કામ નેતાઓનું છે, પણ નેતાઓને માત્ર વૉટબેન્ક દેખાતી હોવાથી કોઈ નિર્ણયો લેવા તૈયાર નથી.
સબરીમાલા મંદિરમાં નારીને પ્રવેશ મળવો જોઈએ કે નહીં તે વિશે બોલવાની એક પણ નેતાની હિંમત આજે પણ નથી. આજે પણ કોર્ટનો ચુકાદો છે એવું જ બોલે છે. મુસ્લિમ સ્ત્રીઓના મત મળશે એવી આશામાં ત્રિપલ તલાકનો વટહુકમ લાવનારા સબરીમાલા માટે વટહુકમ લાવવાની હિંમત દાખવી શક્યા નહોતા. તે જ રીતે સ્ત્રીને પુરુષની મિલકત સમજતા લગ્નેતર સંબંધના કાયદામાં ફેરફાર કરવાની હિંમત રાજકીય નેતાગીરીની નહોતું. એ કામ પણ આ અઠવાડિયે કોર્ટે કર્યું છે.
નારી મુક્તિ માટે મોટી મોટી વાતો કરનારા નેતાઓને એ સમજ નથી કે નારીની સ્થિતિ હજીય વિકટ છે. અદાલતે સબરીમાલામાં પ્રવેશની મંજૂરી આપી અને પતિની પકડમાંથી મુક્તિ આપે, તેનો અર્થ એ નથી કે સ્ત્રી હજીય સ્વતંત્ર બની છે. ત્રિપલ તલાકમાં મુસ્લિમ મહિલાને મદદ કરવાની વાત છે, પણ જરા શાંતિથી વિચારો તો ખ્યાલ આવશે કે મહિલાને ઉલટાની બાંધી રાખવાની વાત તેમાં છે. જે શાદી ટકી શકે તેમ ના હોય અને તલ્લાકથી મુક્તિ મળી જતી હોય તે મુક્તિ ના મળે અને બંધન ઉલટાનું દૃઢ બને તેવો વટહુકમ સરકારે બહાર પાડ્યો છે. આજે પણ મુસ્લિમ હોય કે હિન્દુ, નારીને અવાંછિત લગ્નજીવનમાંથી મુક્તિ જોઈતી હોય તો મળતી નથી. પતિની મિલકતમાં આજે પણ અધિકાર મળતો નથી. પુત્રીને મિલકતોનો અધિકાર મળ્યો છે, પણ હવેથી એવી રીતે મિલકતોની વ્યવસ્થા થાય છે કે પુત્રોને સીધી જ મિલકતો મળી જાય.
કાયદા કરવાનું કામ સંસદનું છે અને તેનું અર્થઘટન કરવાનું અને તેના આધારે ન્યાય તોળવાનું કામ ન્યાયતંત્રનું છે. તેના બદલે આજે ન્યાયતંત્રે નિર્ણયો લેવાનું કામ કરવું પડે છે. એવા નિર્ણયો લેવા પડે છે જે શાસકોએ લેવાના હોય. છેલ્લું અઠવાડિયું તે બાબતમાં ઘટનામય રહ્યું. એક પછી એક ચુકાદા આવ્યા, જેની લાંબી અસર પડશે. છેલ્લે સબરીમાલા મંદિરનો ચુકાદો આવ્યો, તેના આગલા દિવસે અયોધ્યા મંદિરને લગતા કેસમાં પણ મહત્ત્વનો ચુકાદો આવ્યો.
જાહેર હેતુ માટે કોઈ પણ ધાર્મિક સ્થળ અને તેની જમીનનું પણ સંપાદન કરી શકાય છે તેવો મુદ્દો આખી વાતના હાર્દમાં હતો. હવે વિચારો આજે કયા નેતાની હિંમત છે એવું બોલવાની કે – ચર્ચ, મસ્જિદ, મંદિર, ગુરુદ્વારા કોઈ પણ ધાર્મિક સ્થળની જરૂર પડશે ત્યારે તેને એક્વાયર કરી લેવાશે? આવી હિંમત કોર્ટે કરી અને કહ્યું કે 1994માં અપાયેલો ચુકાદો બરાબર છે અને તેમાં કોઈ ફેરફાર કરવાની કે પુનઃવિચાર કરવાની જરૂર નથી.
એ જુદી ચર્ચા છે કે તેના કારણે અયોધ્યામાં રામમંદિરના કેસમાં હવે ઝડપ થશે અને આડકતરી રીતે આ અર્થઘટનથી ફાયદો પણ થશે. પરંતુ ન્યાય તંત્રે હિંમત દાખવીને નિરિક્ષણ કરવું પડ્યું છે, જે નિરિક્ષણ નેતાઓ ક્યારેય કરી શકે તેમ નહોતા. ધાર્મિક પૂજા કે નમાઝ જ્યાં પઢવામાં આવે તે જગ્યા અનિવાર્યપણે ધર્મના હાર્દ સમાન નથી તેવું સ્પષ્ટપણે 1994માં પણ અદાલતે જ કહ્યું હતું અને ફરી એકવાર ન્યાયાધીશોએ જ તે વાત કહી છે.
આધાર કાર્ડનો ચુકાદો તેના આગલા દિવસોમાં આવ્યો. સરકાર બધી બાબતોમાં આધાર માગવા લાગી હતી. તમારે ઉંઘવું હોય તો પણ આધાર કાર્ડ દેખાડવાનું અને જાગવું હોય તો પણ આધાર કાર્ડ દેખાડવાનું. અદાલતે કહેવું પડ્યું કે બધી જ બાબતોમાં કાર્ડ માગવાનો અર્થ નથી. સાથેસાથે સમજદારી પણ દાખવી અને કહ્યું કે સબસિડી ખોટા લોકોના હાથમાં ના જતી રહે તે માટે આધાર કાર્ડ જરૂરી પણ છે. સરકારી નાણાં બચાવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ થતો હોય ત્યાં કરવો જોઈએ.
મજાની વાત એ છે કે આ બધા જ ચુકાદામાં થોડો વિરોધી સ્વર પણ ન્યાયતંત્રમાંથી જ સાંભળવા મળ્યો. અને તે પણ કોઈ કડવાશ કે વિખવાદ વિના. સબરીમાલાના કેસમાં મહિલા ન્યાયાધીશે કહ્યું કે આ બહુ પ્રાચીન પરંપરા છે. આ ધાર્મિક પરંપરા છે અને તેની પાછળ કેટલીક માન્યતા છે. તે માન્યતામાં દખલ કરવાનો ન્યાયતંત્રને અધિકાર નથી. કેમ કે આ ચુકાદાનું અર્થઘટન કરીને આવતી કાલે અન્ય કોઈ પણ ધાર્મિક માન્યતાનો પણ નકાર થઈ શકે છે. જોકે તેમણે સ્વીકાર્યું કે સતી પ્રથા જેવી માન્યતાને ધાર્મિક પરંપરાનો આધાર હોવા છતાં હટાવવી પડે.
તે જ રીતે સબરીમાલાના કેસમાં પણ હકીકતમાં એવી ધાર્મિક માન્યતાને નકારાઈ છે, જેને સ્વીકારી શકાય નહીં. અહીં યાદ એ રાખવાનું છે કે સ્ત્રીઓને દરેક ધાર્મિક સ્થળે પ્રવેશનો અધિકાર નથી અપાયો. પરંતુ સ્ત્રીઓની સહજ, કુદરતી અને શારીરિક અવસ્થાને ધ્યાનમાં રાખીને તેની સામે ભેદભાવ ના કરી શકાય. કોઈક કારણસર કોઈ સંપ્રદાય નક્કી કરે કે માત્ર પુરુષોને જ પ્રવેશ મળશે, સ્ત્રીઓને નહિ તો શું થશે? ભવિષ્યમાં તેનો નિર્ણય પણ લાગે છે કે નેતાઓ નહિ કરી શકે, સામાજિક આગેવાનો પણ નહિ કરી શકે અને ન્યાયતંત્રે જ કરવાનો આવશે.
જોકે દર વખતે ન્યાયાધીશો ઉત્તમ નિર્ણયો જ લે છે કે પછી માત્ર તેઓ જ સાચા નિર્ણયો લે છે તેવું કહેવાનો ભાવ પણ નથી. હકીકતમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓ સામે કાર્યવાહી કરવાની વાત આવી ત્યારે ન્યાયતંત્ર થોડું મોળું પડ્યું. મસ્જિદ ઇસ્લામના હાર્દમાં છે કે કેમ અને સબરીમાલા મંદિર માસિક ચક્ર ધરાવતી મહિલાને અટકાવી શકે કે કેમ તે વિશે ન્યાયતંત્રે વિચાર્યું અને હિંમત કરીને નિર્ણય આપ્યો. પરંતુ ગંભીર ગુના કરનારા, મારામારી, ધાકધમકી, ફ્રોડ, હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુના કરનારા લોકો ચૂંટણી લડી શકે કે ના લડી શકે તેના વિશે નિર્ણય આપવાની હિંમત ન્યાયતંત્રે ના કરી. આ બાબતની ચર્ચા કર્યા પછી ન્યાયાધીશોએ કહ્યું કે આ વિશે કાયદામાં કોઈ જોગવાઈ નથી, તેથી સંસદ જ કાયદો કરે.
આપણે જાણીએ છીએ કે નેતાઓ પોતાના વિશે ક્યારેય કાયદો કરવાના નથી. નેતાઓ પોતાના ફાયદા માટે રાતોરાત નિયમો અને કાયદા કરી શકે છે. છેલ્લે ગુજરાતમાં થયું તે પ્રમાણે અચાનક જ ધારાસભ્યોના પગાર વધારાનું બિલ આવી જાય અને ભાજપ અને કોંગ્રેસના બંનેના નેતાઓ સંપી જઈને પગાર વધારો લઈ પણ લે. પ્રજાની તીજોરી પર ભાર મૂકવાનો નિર્ણય તેમણે લીધો. પોતાના ખિસ્સામાં નાણાં મૂકવાનું પ્રતિનિધિઓએ નક્કી કર્યું. પ્રજા તેમને કોઈ રીતે અટકાવી શકે તેમ નથી. ન્યાયતંત્ર કદાચ તેમને અટકાવી શકે, પણ પણ નેતાઓને અટકાવવામાં ન્યાયતંત્ર પણ તક હતી ત્યારે અટકી ગયું. એ જ રીતે ચૂંટણી પ્રથા, પ્રક્રિયા અને તંત્રમાં ઘણા સુધારાની જરૂર છે. રાજકીય પક્ષો તે ક્યારેય નહિ કરે. રાજકીય પક્ષો સ્વંય ક્યારેય સ્ત્રીઓને પચાસ ટકા ટિકિટો નહીં આપે. એ જ રીતે ચૂંટણી ભંડોળ અને ચૂંટણી પાછળનો ખર્ચ કેટલો છે તે પ્રજા ના જાણી શકે તે માટે કોશિશ કરશે. રાજકીય પક્ષો પોતાને આરટીઆઈ હેઠળ લાવવા માગતા નથી. રાજકીય પક્ષમાં આંતરિક લોકશાહી કેટલી છે તે પ્રજાને ક્યારેય જાણવા મળતું નથી.
રાજકીય પક્ષોને કોની પાસેથી કેટલું ધન મળ્યું તે પ્રજા જાણી શકતી નથી. પક્ષો તે જણાવવા માગતા નથી. ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર મર્યાદા છે, પણ પક્ષ દ્વારા જંગી ખર્ચ થાય છે. તે ખર્ચમાં કાપ મૂકવા માટે રાજકીય પક્ષો તૈયાર નથી. ગત વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં બેગણી વધુ રકમ ભાજપે ચૂંટણી પ્રચારમાં ખર્ચી હતી. આ ખર્ચો કાઢવા માટે રાજકીય પક્ષોએ કૌભાંડો કરવા અનિવાર્ય છે. પરંતુ આ નાણાકીય બાબતોમાં પારદર્શિતા લાવવા માટે એકપણ રાજકીય પક્ષ તૈયાર નથી. ન્યાયતંત્ર પણ આ બાબતમાં હજી સુધી કોઈ નિર્ણય આપી શક્યું નથી.
આશા રાખીએ આવતી કાલે સત્તાધીશોને સીધી અસર થાય અને પ્રજાને ફાયદો થાય તેવો નિર્ણય આપવાની હિંમત ન્યાયતંત્ર કરશે. આશા એવી પણ રાખીએ કે નવી નેતાગીરી ઊભી થાય, જે માત્ર ચૂંટણી જીતવાનું ના વિચારે, પણ તક મળી છે તો બે સારા કામ કરવાનું, સમાજના વ્યાપક હિતમાં નિર્ણયો કરીને નિવૃત્ત થવાનું વિચારે.