રાજકારણ અને વેપારનું ઝેરી કોકટેઇલઃસીસીડીના ચેરમેનનો આપઘાત

ગુજરાતના વાચકો માટે ડી. કે. શિવકુમારનું નામ અજાણ્યું નથી. બે વર્ષ પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી તે ભારે રસાકસીભરી બની હતી. ભાજપ કોંગ્રેસમાં ઘાડ પાડી રહ્યું હતું એટલે બચી ગયેલા ધારાસભ્યોને લઈને કોંગ્રેસના નેતાઓએ રાજ્ય બહાર જતા રહેવું પડ્યું હતું. આટલા બધા ધારાસભ્યોને સાચવવા ક્યાં તે સવાલ હતો. આખરે તેમને કર્ણાટક લઈ જવાયા, કેમ કે ત્યાં તે વખતે કોંગ્રેસની સરકાર હતી. બીજું આટલી મોટી સંખ્યામાં સભ્યોની મહેમાનગતિ કરી શકે તેવા શિવકુમાર પણ હતા. શિવકુમારની મદદથી રિસોર્ટમાં ગુજરાતના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા. તે પછીના વર્ષોમાં અને અગાઉના વર્ષોમાં પણ શિવકુમારે આવી રીતે કોંગ્રેસના સભ્યોને સાચવ્યો હોય તેવું બનતું આવ્યું છે.

શિવકુમાર અને તેમની સાથે સંકળાયેલા લોકોના ઘર તથા ઓફિસો પર ઈડીના દરોડા પણ પડ્યા હતા અને તેમની પાસેથી 300 કરોડ રૂપિયા મળી આવ્યાના અહેવાલો આવ્યા હતા. આ 300 કરોડમાંથી 100 કરોડ રૂપિયાની છુપાવેલી આવક માત્ર શિવકુમારના કુટુંબની હોવાની માહિતી ઈડીના વર્તુળોએ લીક કરી હતી.

શિવકુમાર અને સહયોગીઓ પર પડેલા દરોડામાંથી જ સિદ્ધાર્થની લિન્ક મળી હતી અને સિદ્ધાર્થ, સીસીડીની ઓફિસો, તથા તેમના વેપારી સહયોગીઓ પર પણ દરોડા પડ્યા હતા. શિવકુમાર પરના દરોડામાંથી સીસીડી સાથે, સિદ્ધાર્થ સાથે, સિંગાપોરની એક વ્યક્તિ સાથેના વ્યવહારો મળ્યા હતા. તેના આધારે વી. જી. સિદ્ધાર્થ, સિંગાપોરના નાગરિક અને અન્ય સહયોગીઓ પર સપ્ટેમ્બર 2017માં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા. તેમાં સિંગાપોરના નાગરિક પાસેથી 1.2 કરોડ બિનહિસાબી રોકડ મળી હતી. તેણે કહેલું કે આ નાણાં સિદ્ધાર્થના છે. આ ઉપરાંત દરોડામાં વી. જી. સિદ્ધાર્થના 361.11 કરોડ રૂપિયા અને કોફી ડે એન્ટરપ્રાઇઝના 118.02 કરોડ રૂપિયા બિનહિસાબી આવક તરીકે સ્વીકારી લેવાયા હતા.

જોકે સિદ્ધાર્થે રિટર્ન ભર્યું ત્યારે આ આવકને દેખાડી નહિ. માત્ર 35 કરોડની આવક બતાવી હતી. આ ઉપરાંત કાફે કોફી ડેમાં પણ આવક છુપાવાતી હોવાનું ઇન્કમ ટેક્સનું માનવું હતું. કાફે કોફી પર 6500 કરોડનું દેવું હતું અને દરોડો પડ્યો તેના આગલા ત્રણ વર્ષમાં તેનો નફો લગભગ 185 કરોડ રૂપિયા થયો હતો. આમ છતાં તેના પર ત્રણ ગણો ટેક્સ લગાવી દેવાયો હતો.  દરમિયાન આ વર્ષના માર્ચમાં 3200 કરોડ રૂપિયાના માઇન્ડ ટ્રીના શેર વેચ્યા ત્યારે વી. જી. સિદ્ધાર્થ સમાચારોમાં ચમક્યા હતા. કાફે કોફી ડેનું દેવું ઓછું કરવા માટે તેમણે શેર વેચ્યા હતા તેમ મનાય છે. જોકે ફરી એકવાર ઇન્કમ ટેક્સ આડે આવ્યું હતું. દરોડા પછી વિભાગે તેમના પર ડિમાન્ડ કાઢી હતી, કદાચ એથી જ વિભાગને ખ્યાલ આવ્યો કે માઇન્ડ ટ્રીના શેર વેચાઈ રહ્યા છે ત્યારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આઈટી વિભાગે તેમના 75 લાખ શેરને ટાંચમાં લઈ લીધા. બીજા મહિને કાફે કોફી ડેના 45 લાખ શેરને પણ ટાંચમાં લઈ લીધા હતા.

આ બધાનો અર્થ એ થયો કે નાણાકીય આયોજન વિખાય ગયું. કાફે કોફી ડેના ચોપડે નફો થયો હતો, તે અન્ય આવકોમાંથી હતો. માથે દેવું પણ હતું. માઇન્ડ ટ્રી સિવાય અન્ય મિલકતો વેચીને દેવું ચોખ્ખું કરવાની ગણતરી હતી એમ કહેવાય છે. જોકે આખરે માઇન્ડ ટ્રીના શેર વેચી શકાયા હતા, પણ તેમાં થોડું મોડું થયું હતું. વેરા વિભાગ સાથે માથાકૂટ થાય અને શેર કે મિલકતો ટાંચમાં લેવાય ત્યારે મામલો બે પાંચ મહિના લંબાઈ જતો હોય છે. દરમિયાન કંપનીનું કામકાજ ચાલતું રાખવું પડે અને તે માટે કેશ ફ્લોની સમસ્યા ઊભી થાય. તે માટે તાત્કાલિક વધારે દેવું કરવું પડે.

આવા કોઈ ચક્કરમાં સિદ્ધાર્થ ફસાયા હતા એવી ધારણાઓ બાંધવામાં આવી રહી છે. પણ માત્ર નાણાકીય ચક્કરથી કોઈ વેપારી કે ઉદ્યોગપતિ આપઘાત કરે તેવું ભારતમાં બનતું નથી. વેપારીઓ જાણતા હોય છે કે ઓળિયો દોળિયો બેન્કો કે લેણદારો માથે નાખી દેવાનો હોય છે. પોતાની બે પેઢીનું સાજું કરી લીધું હોય પછી દેવાળું કાઢીને હાથ ઊંચા કરી દેવામાં આ દેશના વેપારીઓને કોઈ શરમ નથી હોતી. ઉલટાની તેને ચાલાકી અને બહાદુરી ગણવામાં આવે છે. તેથી જ સિદ્ધાર્થના કેસમાં બીજી કોઈ બાજુ હોવાનું પણ સૌને લાગે છે. તેમની પાસે 15થી 16 હજાર કરોડની શેર, રોકાણ, જમીન વગેરેની મિલકતો પણ હતી એટલે 6500 કરોડનું દેવું વધારે ના લાગે. તેથી દેવું અને કેશ ફ્લો સિવાયની બાબત પણ હોવાની શંકા છે. રાજકારણની કડી વળી વધારે શંકા પ્રેરે તેવી છે.

શિવકુમાર જેવા હાઇપ્રોફાઇલ નેતા સાથેની વેપારની કડી પણ ધ્યાન ખેંચે છે. હકીકતમાં તેમના સસરા એટલે કર્ણાટકના એક સમયના મુખ્ય પ્રધાન એસ. એમ. કૃષ્ણ. કોંગ્રેસના દિગ્ગજ નેતા એસ. એમ. કૃષ્ણ જોકે હવે ભાજપમાં છે. વયોવૃદ્ધ કૃષ્ણ હવે રાજકારણમાં એટલા સક્રિય નથી, પણ એક જમાનામાં તેમનો દબદબો હતો. ત્રણ દાયકા પહેલાંના એ યુગમાં જ તેમના જમાઈ સિદ્ધાર્થનો પણ ઉદય થયો હતો.

ઇન્ફોસીસ નવી નવી શરૂ થઈ હતી. આઈટી સેક્ટરને એસ. એમ. કૃષ્ણની સરકાર પ્રોત્સાહન આપતી હતી. આ સેક્ટરમાં તેજી છે તે તેઓ જાણતા હતા. તેમના જમાઈ પણ જાણતા જ હોય. જમાઈએ પ્રારંભમાં જ ઇન્ફોસીસમાં રોકાણ કર્યું હતું. ઇન્ફોસીસની કહાની જેમને ખબર છે, તેમને ખબર છે કે ઇન્ફોસીસમાં પટ્ટાવાળા, ચોકિદાર, ડ્રાઇવર, ક્લાર્ક અને કેશિયરે પણ થોડું થોડું રોકાણ કરેલું તેઓ લાખોપતિ થઈ ગયા હતા. સિદ્ધાર્થ જેવા રોકાણકારો અબજપતિ થઈ ગયા હતા. માઇન્ડ ટ્રી એવી જ એક આઈટી કંપની હતી. તેમાં પણ સિદ્ધાર્થ અઢળક કમાયા હતા. તેમની અસલી કમાણી આ રીતે રોકાણમાંથી હતી. શેર ઉપરાંત જમીનો વગેરેમાં પણ. સૌ જાણે છે કે જમીનમકાનમાં રોકાણ માટે રાજકીય કનેક્શન જોઈએ. કઈ જમીનના ભાવ ઊંચકાશે તે રાજકારણીઓ જાણતા હોય છે. તેઓ ભાગીદારીમાં વેપારીઓને રાખે અને તેમની પાસે જમીન ખરીદી કરાવે. તેમાં એક રૂપિયાના એક લાખ રૂપિયા થાય. વેપારી અને નેતાની આ ગોલમાલમાં અબજોનો કારોબાર થતો હોય છે અને તે બધો જ કાળો. કાળો એટલે બ્લેકનો વહેવાર. આ કાળી કમાણી ક્યારેય કનડતી હોય છે.

કાફે કોફી ડેનો માહોલ નવા જમાનાની ઇકોનોમીને શોભે તેવો હોય છે. તેમાં લોકો ટેબલ પર લેપટોપ ખોલીને બેઠા હોય છે અને નાસ્તા સાથે કોફી પીતા હોય છે. કોફી પણ મોંઘી દાટ. નાસ્તો પણ કંઈ સસ્તો ના હોય. થોડો નાસ્તો અને કોફીના ત્રણસો ચારસો રૂપિયાનું બિલ થતું હોય છે. ઘણીવાર એવો વિચાર આવે કે આવા ઘોંઘાટમાં, બેસવાની સાંકડી જગ્યામાં, કમર તૂટી જાય તેવી ખુરશીમાં બેસીને પછી પાંચસો રૂપિયા ખર્ચીને લોકોને શેની કીક લાગતી હશે? લેપટોપ પર ટપટપ કરનારાને એમ હોય છે કે પોતે પણ મહાન એન્ટરપ્રન્યોર થવા સર્જાયા છે અને રમતારમતા, ચાંપો દાબીને એક દિવસ અબજપતિ બની જશે.

આજે હવે ઘણા નવાઈ વ્યક્ત કરી રહ્યા છે કે આવી ભીડ હોવા છતાં અને મોંઘા ભાવનો નાસ્તો અને કોફી વેચતા હોવા છતાં કાફે કોફી ડેમાં નફો કેમ નહિ થતો હોય. તેના માટે વેરા વિભાગને, વેરાના અટપટા નિયમોને, વેપાર કરવાના મુશ્કેલ માર્ગોને, મોંઘા ભાડાને વગેરેને દોષ દેવામાં આવી રહ્યો છે. સિદ્ધાર્થના સસરા રાજકારણી, તેમના મિત્ર શિવકુમાર રાજકારણી, તેમના કેટલાક રોકાણકારો પણ રાજકારણી, આ બધાના કારણે રાજકીય માણસો પણ નિવેદનો કરવા માટે ઉતરી પડ્યા છે. મામલો જાણે એક વ્યક્તિની આત્મહત્યાનો ના હોય, પણ ટેક્સ ટેરરિઝમનો હોય તેવું લાગી રહ્યું છે.

જોકે મામલો શું છે તે તરત નહિ ખબર પડે. બંને બાજુના પક્ષોમાં કડીઓ છે. એસ. એમ. કૃષ્ણ એક જમાનામાં કોંગ્રેસી હતી. હવે ભાજપના માનનીય, સન્માનનીય, ગંગાજળ (કે પછી ગૌમૂત્ર) છાંટીને પવિત્ર કરેલા નેતા છે. કોંગ્રેસમાંથી એક ડઝન જેટલા નેતાઓને પણ એ જ રીતે છાંટ નાંખીને હજી ભાજપમાં લેવાના છે. અત્યારે ગેરલાયક ઠરાવાયા છે, પણ સુપ્રીમમાંથી રાહત મેળવીને તેમને જીતાડવાના છે અને પ્રધાનો બનાવવાના છે. ભઈ વચન આપ્યું છે, પાળવું પડે. ગુજરાતમાં પણ જુઓને, પેલા કંઈ કામના નહિ એવા નેતાને પણ પ્રધાન બનાવવા પડે છે. ભઈ વચન આપ્યું છે. પાળવું પડે. ભવિષ્યમાં બીજા દગાખોરો, દ્રોહીઓ, લાલચુડાઓને ખરીદવાના હોય ત્યારે વચનપાલનમાં અમે પાકા છીએ તેનું સર્ટિફિકેટ આપવું પડે. ટૂંકમાં તાત્કાલિક રાજકીય કડીઓ સ્પષ્ટ નહિ થાય, પણ લાંબો સમય આ આત્મહત્યા માત્ર વેપારી વર્તુળો નહિ, રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાતી રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]