મોડે સુધી ઘોરતાં ટીનેજરોની સમસ્યા

રે ઊઠ હવે. હવે નવું વર્ષ શરુ થઈ ગયું વિક્રમ સંવત ૨૦૭૪નું. હવે તો સુધર. રાત્રે વૉટ્સએપ પર ચેટ કર્યા રાખે અને સવારે બહેનબાને ઉઠવાનું ન ગમે.

આળસુનો પીર છે. એનું ચાલે તો આખો દિવસ સૂતો જ રહે.

રામ જાણે આ છોકરી ક્યારે સુધરશે ? વહેલાં ઉઠવાનું નામ જ નથી લેતી.

સાસરે જઈને આ છોકરીનું શું થશે? મોડે સુધી ઘોર્યાં જ કરે છે.

જો તમે તરુણ વયના હો અને મોડે સુધી સૂવાની ટેવ હશે (જે ઘણાંબધાંને હોઈ શકે છે) તો તમને કદાચ તમારાં માતાપિતા તરફથી આવાં મહેણાંટોણા સાંભળવા મળ્યાં હશે. તરુણ વયના છોકરાછોકરીઓને નીંદર વધુ આવે.મહાન અભિનેતા રાજ કપૂરે તો ‘તીસરી કસમ’ ફિલ્મમાં ‘સજન રે જૂઠ મત બોલો’ ગીતમાં ગાયું છે, ‘લડકપન ખેલ મેં ખોયા, જવાની નીંદભર સોયા, બૂઢાપા દેખકર રોયા’. યુવાનીમાં નીંદર વધુ આવે તેવું કવિ શૈલેન્દ્ર ઘણાં વર્ષો પહેલાં રાજ કપૂર મારફતે કહી ગયાં છે. ક્યારેક ક્યારેક તો તરુણોનું મગજ જ કામ કરતું બંધ થઈ જાય છે. તેમના શરીરની ઘડિયાળમાં ગડબડ થવાના કારણે આવું વધુ થાય છે. મોડે સુધી સૂઈ રહેવું એ ઘણીવાર રાત્રે મોડે સૂવાના કારણે હોઈ શકે છે.

નાની વયથી જ જો બાળકો માતાપિતાથી અલગ સૂતાં હોય અને અલગ રૂમમાં સૂતાં હોય તો તેમને પોતાની અંગતતા મળી જાય છે. પહેલાં તો બધા એક હૉલમાં સાથે સૂતા અને સંયુક્ત પરિવાર હતો, તેથી દાદી, ફઈ, કાકી વગેરે હોય. પરંતુ હવે અલગ રૂમમાં સૂવાના કારણે તરુણોને અંગતતા મળી ગઈ છે. અને તેમના હાથમાં રહેલા મોબાઇલના લીધે વૉટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને ફોન કરવાનું બને છે. બાળકો આજકાલ પોતાના માબાપની હાજરીમાં ચેટ કે કૉલિંગ કરવાનું પસંદ નથી કરતાં. આથી માતાપિતા અલગ રૂમમાં સૂવા જાય પછી પોતાના રૂમમાં જઈ ચેટ કે કૉલ કરતા હોય છે. તો પોતાના ફોનમાં આવેલા સંદેશાઓ જોવામાં કે ફેસબૂક/ઇન્સ્ટાગ્રામમાં પોતાના ફોટા/પૉસ્ટ પર કેટલી લાઇક અને કેટલી કૉમેન્ટ આવી છે તે જોવામાં મોડું થઈ જાય છે.

બધા તરુણો આવી પ્રવૃત્તિના કારણે જ મોડા સૂવે છે તેવું નથી. ઘણાને રાત્રે જ વાંચવાનું ફાવતું હોય છે. આના લીધે તેઓ મોડેથી સૂએ છે. તેમને ભરોસો નથી હોતો કે તેઓ વહેલાં ઊઠી શકશે. કિશોરાવસ્થામાં મેલાટૉનિન (શરીર ઘડિયાળ સૂઈ જાય તેની દવા)નો સ્ત્રાવ રાતના ૧૧ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી થાય છે. આનો અર્થ આરોગ્ય નિષ્ણાતો એવો કાઢે છે કે ઘણા કિશોર/કિશોરીઓ ત્યાં સુધી સૂઈ શકતાં નથી જ્યાં સુધી તેમના શરીરમાં મેલાટૉનિનનો સ્ત્રાવ ન થાય. અને આ સ્ત્રાવ ચાલુ રહે ત્યાં સુધી ઊઠવું પણ તેમના માટે અઘરું છે. મેલાટૉનિનના સ્ત્રાવની આ રીત-પદ્ધતિ વીસ વર્ષ સુધી આવી જ રહે છે. આથી પશ્ચિમનું સ્વાસ્થ્ય વિજ્ઞાન એમ કહે છે કે સૂવું અને ઉઠવું એ કિશોર-કિશોરીઓના નિયંત્રણની બહારની વાત છે.

પરંતુ ઘણા કિશોર/કિશોરીઓ સ્કૂલ/કૉલેજ/વાંચનના કારણે અથવા માતાપિતાના ડરથી રાત્રે મોડા સૂવે પણ પાછાં વહેલાં જાગી જાય તો પશ્ચિમ વિજ્ઞાન કહે છે કે નવ કલાકથી ઓછી ઊંઘના કારણે કિશોર/કિશોરીઓ ડિપ્રેશનનો, ગુસ્સાનો કે પછી કબજિયાત જેવા રોગનો શિકાર બની શકે.

આનો ઉપાય યોગ અને અધ્યાત્મમાં છે. રાતના વહેલાં સૂવાની ટેવ પાડવી જોઈએ. મિત્રો સાથે વાત તો જિંદગીભર થશે, વૉટ્સઅપ, વગેરે તો પછી પણ જોવાશે, પરંતુ આરોગ્યને પહેલી પ્રાથમિકતા આપવી પડશે. એકવાર જો આરોગ્ય બગડવાનું શરૂ થયું તો પછી તરુણાવસ્થામાં તમારું ભણવાનું બગડી શકે. આંખની નીચે કાળા કુંડાળા, ખીલ જેવી સમસ્યા થઈ શકે. માટે રાતના વહેલા સૂવાનો નિયમ રાખો. સૂતાં પહેલાં થોડું ધ્યાન કરો અને સવારે વહેલાં ઊઠી જવાય છે તેવો સંકલ્પ કરો. તમારા કમ્પ્યૂટર જેવા મગજને આપેલા કમાન્ડનું પાલન અચૂક થશે જ. તો ઑલ ધ બૅસ્ટ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]