વાસ્તુમાં સારા પ્રમાણમાં ઓક્સિજન મળે તેવી સ્થિતિ સુખદ…

દીવાળી પર સાસણના એક રિસોર્ટ પર જવાનું થયું. રસ્તામાં પ્લાન પણ બનાવ્યા કે સિંહ જોવા જઈશું અને આસપાસની જગ્યાઓનો આનંદ લઈશું. સાત કલાકની મુસાફરી બાદ વુડ્સમાં પગ મુક્યો. ધીમે ધીમે મનના વિચારો બદલાવા લાગ્યા. બહાર જવા ને બદલે જગ્યાથી જ પ્રેમ થઇ ગયો. માણસનું મન અને હૃદય બંને તેના સ્વાસ્થય સાથે જોડાયેલા છે. ભારતીય વાસ્તુમાં સારા પ્રમાણમાં ઓક્સિજન મળે તેવી સ્થિતિને સુખદ ગણાવી છે. આપણે મેડિકલની ભાષામાં હવાફેર કહીએ છીએ, તે સારા પ્રમાણમાં ઓક્સિજન હોય, કુદરતનું સાનિધ્ય હોય અને સ્વસ્થ આહાર મળતો હોય તેવી જગ્યાએ જવાની વાત છે. ઓક્સિજન માણસને યુવાન હોવાની પ્રતીતિ કરાવે છે. વળી સવારના સૂર્ય કિરણોનો લાભ મળતો હોય તો સોનામાં સુગંધ ગણી શકાય. થોડા સમય માટે આપણે વૃક્ષો લાકડા ઉપરાંત ઓક્સિજન પણ આપે છે તે કદાચ ભૂલી ગયા હતા. હવે ધીમે ધીમે ફરી એ સમજ આવી રહી છે અને આપણે કુદરતની નજીક જવા લાગ્યા છીએ.

ભારતમાં નૈઋત્યના પવનોનો લાભ ઉનાળામાં મળે છે. તેથી જ જો ક્રોસ વેન્ટિલેશન મળતું હોય તેવી વ્યવસ્થા હોય તો તેનો લાભ અચૂક મળે. આ ઉપરાંત ઈશાનની ઉર્જાની પણ વાત આપણે ઘણી વખત કરી છે. ઈશાનમાં ખુલ્લી જગ્યા હોય તો સવારે ત્યાં યોગ અથવા તો શારીરિક કસરત કરવામાં આવે તેનો લાભ બે રીતે મળી શકે. એક તો સવારનો સૂર્ય પ્રકાશ અને બીજું સવચ્છ હવા. આપણા નિયમો પાછળ કોઈને કોઈ વિજ્ઞાન નજરે ચડે જ છે. આજે જયારે માત્ર સારા દેખાવ કે મોંઘા મટીરીઅલ કે ટેક્નોલોજી સાથેના મકાનોની ઘેલછા વધી છે ત્યારે ”કુદરત ના નિયમોને સંલગ્ન વાસ્તુ નિયમોનો વિચાર શા માટે કરવો?’ તેવો વિચાર જરૂર આવે.

લિફ્ટ આવી અને ની રિપ્લેસમેન્ટ પણ શરુ થયા. ROની વ્યવસ્થા થઇ અને વિટામીનની ઉણપો શરુ થઇ. એર કન્ડિશનર આવ્યા અને શ્વસન તંત્રને લગતી તકલીફો વધી. ઇલેક્ટ્રોનિક માધ્યમો વધ્યા અને રેડિએશનને લગતી સમસ્યાઓ વધી. કોર્પોરેટમાં કામ કરતા કેટલા બધા મશીનની જેમ જીવી રહ્યા છે? કદાચ આ બધું પહેલા ન હતું. કારણ કે ભારતીય સિદ્ધાંતોમાં બ્રહ્માંડના દરેક તત્વને અપનાવવાની અને સમજવાની વાત છે. જયારે ઈશાનની ઉર્જા શ્રેષ્ઠ હોય ત્યારે માણસનું હૃદય મજબૂત બંને છે. તે પરિસ્થિતિને પચાવી શકે છે. જેના કારણે માનસિક તણાવ ઓછો રહે છે અને તે સફળ પણ બને છે. માણસને માનસિક તણાવ ન હોય તો તેને હૃદયની બીમારી પણ નથી આવતી. આમ બંને રીતે હૃદય મજબૂત ગણાય. આવી વ્યક્તિનું વ્યક્તિત્વ પૂજનીય બંને છે. પણ જો વ્યક્તિ ઈશાનમાં રહેતી હોય તો તેનો સ્વભાવ ગર્વિષ્ઠ બને છે અને તેના કારણે તેની સ્વીકૃતિ ઓછી થતી જાય છે. જો દક્ષિણ તરફ મસ્તક રાખીને ઇશાનમાં સુવામાં આવે તો આવું થવાની શક્યતા વધી જાય છે. જો ઉત્તરમાં મસ્તક હોય તો સ્વભાવમાં ક્રોધ આવે છે અને પશ્ચિમમાં માથું હોય તો વિચારો વધારે આવે છે અને વ્યક્તિત્વનો પ્રભાવ ઘટે છે.

ભ્રમણા:

રિસોર્ટમાં જઈને રહેવાથી સ્વાસ્થય સુધરે છે.

સત્ય:

આ વાત સંપૂર્ણ સાચી નથી. જમીનની ઉર્જા, લોકેશન, આસપાસનું વાતાવરણ, રિસોર્ટ પર કામ કરતા માણસોનો વ્યવહાર આ બધુંજ ધ્યાનમાં લઈને અનુભવ કેવો છે તે નક્કી થાય. હા, જગ્યા ઉર્જાવાન હોય તો માણસો હસમુખા હોય, સતત મદદ કરવા તત્પર હોય, આસપાસ લીલા ઓક્સિજનયુક્ત વૃક્ષો હોય અને મન પણ પ્રફુલ્લીત થઇ જાય. અમુક જગ્યાએ લોકોને ખરાબ અનુભવ પણ થાય છે. સારી ઉર્જા વાળા રિસોર્ટમાં ચોક્કસ તન અને મનનું સ્વાસ્થય સુધરતું લાગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]