ઓરીનું પ્રમાણ ગયા વર્ષ કરતાં ત્રણ ગણું વધ્યું!

સીકરણ છતાં સમગ્ર દુનિયામાં measles એટલે કે ઓરીના કિસ્સા (કેસો)માં ત્રણ ગણી વૃદ્ધિ થઈ છે. ગયા વર્ષની સરખામણી કરતાં એક વાત સ્પષ્ટ થાય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં સાત મહિનામાં જ ઓરીના કિસ્સા ત્રણ ગણા વધી ગયા છે. આરોગ્ય સંસ્થા (હૂ)એ આ વાત જણાવી છે. તેણે કહ્યું છે કે સમગ્ર દુનિયામાં ઓરીની રસી અંગે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ‘હૂ’ના આંકડા અનુસાર, વર્ષ ૨૦૧૯ના પ્રથમ ત્રણ મહિનામાં સમગ્ર દુનિયામાં ઓરીના ૩,૬૪,૮૦૮ કિસ્સાઓ નોંધાઈ ગયા છે. ગયા વર્ષે વર્ષ ૨૦૧૮માં આ સમય સુધીમાં ૧,૨૯,૨૩૯ કિસ્સાઓ નોંધાયા હતા. સ્પષ્ટ છે કે આ વર્ષનો આંકડો ગયા વર્ષ કરતાં ત્રણ ગણો છે.

 

‘હૂ’ના પ્રવક્તા ક્રિશ્ચિયન લિંડમેયરે કહ્યું કે વર્ષ ૨૦૦૬ પછી આ વર્ષે ઓરીના સૌથી વધુ કિસ્સાઓનોંધાયા છે. આ આંકડા ચોંકાવનારા એટલા માટે પણ છે કારણકે દુનિયાભરમાં માત્ર ૧૦માંથી એક કિસ્સો નોંધાય છે. બાકીનાકિસ્સાઓ તો નોંધાતા પણ નથી. ઓરી ખૂબ જ સંક્રામક વાઇરલ બીમારી છે. સુરક્ષિત અને અસરકારક રસી પ્રાપ્ય હોવા છતાં આ બીમારી વિશ્વ સ્તર પર નાનાં બાળકોનાંમૃત્યુનું એક મહત્ત્વનું કારણ છે. ‘હૂ’ મુજબ, જેમને ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિની ઉધરસ કે છીંક સાથે નીકળતાં ટીપાં હવામાં ફેલાય ત્યારે તેના સંપર્કમાં બીજી વ્યક્તિ આવે એટલે તેને પણ ચેપ લાગે છે.

આ રોગનાં પ્રારંભિક લક્ષણો શરૂઆતમાં દેખાતાં નથી. ૧૦-૧૨ દિવસ પછી જ દેખાય છે. જોકે ઓરીનેરોકવા માટે બે ડૉઝ રસી અને ટીકા પ્રાપ્ય છે. પરંતુ ‘હૂ’એ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં રસીકરણના દરમાં બહુ ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આફ્રિકા ક્ષેત્રમાં ઓરીના કિસ્સાઓણાં ૯૦૦ ટકા વધારો જોવા મળી રહ્યો છે તો અમેરિકામાં પણ અત્યાર સુધીમાં વર્ષ ૨૦૧૯માં લગભગ ૧૨૦૦ કિસ્સાઓ ઓરીના બહાર આવ્યા છે. ગયા વર્ષે અમેરિકામાં માત્ર ૩૭૨ કિસ્સાઓ જ બહાર આવ્યા હતા. યુરોપમાં અત્યાર સુધીમાં ૯૦ હજારથી વધુ કિસ્સા ઓરીના નોંધાઈ ગયા છે. ‘હૂ’નો દાવો છે કે ઓરીની રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને ખૂબ જ અસરકારક છે. પરંતુ લોકોમાં ઓરીની રસી અંગે ભ્રમ અને ખોટી વાતો ફેલાવાઈ રહી છે જેના કારણે લોકો રસી લેવાથી દૂર ભાગે છે. તેના પરિણામે ઓરી નીકળવાનું પ્રમાણ વધી રહ્યું છે.

ઓરી નીકળ્યા છે તે ડૉક્ટર કેવી રીતે કહી શકે? તે તમારી ચામડી પરનાં ચકામાં જોઈને અને લક્ષણો તપાસીને તમને કહી શકે. મોઢામાં ચાંદાંપડેલાં હોય તે પણ આ રોગનું એક લક્ષણ છે. તાવ આવવો, શરદી થવી, ગળું બેસી જવું એ પણ લક્ષણ છે. ઓરીની મેડિકલ ક્ષેત્રમાં કોઈ ચોક્કસ સારવાર નથી. પરંતુ રસી અને ઇમ્યૂનપ્રૉટીનનોડૉઝ જેને ઇમ્યૂનોગ્લોબ્યુલિન આપવામાં આવે છે. તાવ મટાડવા ડૉક્ટર એસીટામિનોફેન અથવા આઈબ્યુપ્રૉફેનની ભલામણ કરી શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આરામ કરવાની સલાહ આપી શકે છે. પ્રવાહી પુષ્કળ લેવાની સલાહ આપી શકે છે. કફ અને બંધ ગળું સારું કરવા હ્યુમિડિફાયરની ભલામણ કરી શકે છે. વિટામીન એના સપ્લીમેન્ટ આપી શકે છે.

આયુર્વેદ મુજબ, ઓરી કફ અને પિત્ત દૂષિત થવાના કારણે થઈ શકે છે. સામાન્ય રીતે તે વસંત અને પાનખર ઋતુમાં થાય છે. શરૂઆતમાં દર્દીને શરદી, ઉધરસ અને તાવ થાય છે. આંખ લાલ બને છે. ઊંઘ ઊંઘ લાગ્યા રાખે છે. અરુચિ થાય છે. ઝાડા પણ થઈ શકે છે. કપાળથી ફોડલી થવાની શરૂઆત થાય છે. તે નાની અને લાલ હોય છે. ત્રણ-ચાર દિવસમાં તે સમગ્ર શરીરમાં ફેલાય જાય છે. આયુર્વેદ મુજબ, પહેલા તબક્કામાં, દર્દીને ગરમ કપડાં પહેરાવવાનું કહેવાય છે. ગરમ પાણી અને અન્ય પ્રવાહી આપવું જોઈએ તેમ આયુર્વેદ નિષ્ણાતો સૂચવે છે. આંબલીનાં બી અને હળદર દિવસમાં ત્રણ વાર લેવાનું પણ સૂચવાય છે. હળવો ખોરાક અને ફળોનો રસ આપવાનું પણ કહેવાય છે. દર્દીને નરમ પથારીમાં અને થોડા અંધારિયા રૂમમાં રહેવાનું કહેવાય છે. આ રોગ થયો હોય ત્યારે નહાવાની મનાઈ કરવામાં આવે છે.