૯૦ ટકા બોટલ્ડ વોટર દૂષિત હોય છે

ભારત સહિત દુનિયાભરમાં ઠેર ઠેર પેક્ડ બોટલમાં મળતું પીવાનું પાણી શુદ્ધ છે કે અશુદ્ધ? આ સવાલ સતત પૂછાઈ રહ્યો છે, તે છતાં લોકો તરસ લાગે તો સ્ટોર્સમાંથી, સ્ટેશનો કે બસ સ્ટેન્ડ પરથી કે મોલ્સ-થિયેટરોમાંથી બોટલ્ડ વોટર ખરીદીને ગટગટાવી લેતા હોય છે – પેટમાં ગયા પછી આ પાણી આરોગ્યને હાનિ પહોંચાડશે કે નહીં એની કોઈ ચિંતા ભાગ્યે જ કરે છે.

આધુનિક લાઈફસ્ટાઈલને કારણે આજકાલ લોકો માટે બોટલ્ડ વોટર એક જરૂરિયાતની ચીજ બની ગઈ છે. વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ્સ હોય કે કામ-ધંધે જનારાઓની બેગ હોય, એમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ અચૂક હંમેશાં જોવા મળે.

પરંતુ, હવે એવા સમાચાર આવ્યા છે કે ભારત સહિત દુનિયાભરમાં ઉપલબ્ધ અગ્રગણ્ય બ્રાન્ડ્સનું ૯૦ ટકા બોટલ્ડ વોટર દૂષિત હોય છે. આવા બોટલ્ડ વોટરમાં માઈક્રોપ્લાસ્ટિક્સ ભળેલું હોય છે જે માનવશરીર માટે જોખમી છે.
બોટલ્ડ વોટર વિશે કરવામાં આવેલા એક સંશોધનમાં અમેરિકાસ્થિત નોન-પ્રોફિટ સંસ્થા ઓર્બ મીડિયાએ આગેવાની લીધી હતી. તેણે આપેલા અહેવાલમાં ઉપર મુજબની વિગતો છે.

ફ્રીડોનિયા સ્થિત ન્યુ યોર્ક સ્ટેટ યુનિવર્સિટીના માઈક્રોપ્લાસ્ટિક્સના અગ્રગણ્ય સંશોધક શેરી મેસનનું કહેવું છે કે ટેસ્ટિંગ દરમિયાન, પાણીની બોટલમાં પ્લાસ્ટિકનું દૂષિતપણું વ્યાપક રીતે જોવા મળ્યું છે. એમાં પ્લાસ્ટિકનાં કણ દેખાયા છે.

અહેવાલમાં એવી જાણકારી આપવામાં આવી છે કે બોટલ્ડ વોટર વ્યાપક રીતે પ્રદૂષિત હોય છે. એમાં પોલીપ્રોપીલીન, નાઈલોન અને પોલીથીલીન ટેરેપ્થેલેટ (PET) સહિત પ્લાસ્ટિકના કણો ભળેલા હોય છે. પાણી મારફત લોકો અજાણતાં પ્લાસ્ટિકના કણ પેટમાં પધરાવી રહ્યા છે.

સંશોધકોનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ દિવસ દરમિયાન એક લીટર બોટલ્ડ વોટર પીએ છે ત્યારે એ વર્ષે દહાડે માઈક્રોપ્લાસ્ટિક્સના હજારો કણ પેટમાં પધરાવે છે.

વિવિધ બ્રાન્ડ્સના વોટર બોટલ્ડના લેવામાં આવેલા કુલ નમૂનાઓમાંથી ૯૩ ટકા નમૂનાઓમાં પ્લાસ્ટિક ભળેલું હોવાનું માલૂમ પડ્યું હતું.

કોઈ પણ એક બ્રાન્ડેડ બોટલના પાણીમાં ઝીરોથી લઈને 10 હજાર સુધીની રેન્જમાં પ્લાસ્ટિકનાં કણ મળી આવ્યા છે.

અત્યંત નાના કણો પણ વધુ સામાન્ય પ્રકારે જોવા મળ્યા છે, જેમકે પ્રતિ લીટર સરેરાશ 325.

દુનિયાભરમાં બોટલ્ડ વોટરની માર્કેટ વેલ્યૂ વાર્ષિક આશરે 150 અબજ ડોલર છે.

સંશોધકોએ બોટલ્ડ વોટરના પરીક્ષણ માટે પાંચ ખંડના ભારત સહિત ૯ દેશોમાંથી સેમ્પલ્સ મેળવ્યા હતા. આ અન્ય દેશો છે – અમેરિકા, થાઈલેન્ડ, મેક્સિકો, લેબેનોન, કેન્યા, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ અને ચીન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]