તપાસ પંચના અહેવાલો વર્ષો પછી પણ રજૂ કરાતા નથીઃ પરેશ ધાનાણી

ગાંધીનગર– ગુજરાતમાં અનેક પ્રશ્નો એવા હોય છે જે વર્ષોથી વણઉકેલ્યા રહે છે. આવા પ્રશ્નો માટે આંદોલનો થાય છે અને ક્યારેક આંદોલનો મોટું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. સરકાર વાટાધાટો પણ કરતી હોય છે અને વચનો પણ આપતી હોય છે. પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન, દલિત આંદોલન, બેરોજગારોના આંદોલન, આંગણવાડી સંચાલિકાઓનું આંદોલન, આશા વર્કરો, ખેડૂતો, આદિવાસીઓ વગેરે આંદોલનો રાજ્યમાં થયા. સરકારે વાટાધાટથી આંદોલનકારીઓ સામે કરેલા પોલીસ કેસો પાછા ખેંચવાનાં વચનો આપી આંદોલનો શાંત કર્યા, પરંતુ વચન મુજબ આંદોલનકારીઓ ઉપરના પુરતા કેસો પાછા ખેંચાયા નથી તેવી રજૂઆતો જુદા જુદા સંગઠનો કરી રહ્યા છે.ગુજરાતમાં અનેક ગુનાહિત કાંડો થયા અને તેની તપાસ માટે વિવિધ તપાસપંચો નિમાયા, જેવા કે ગોધરાકાંડનું જસ્ટીસ નાણાવટી પંચ (વર્ષ-ર૦૦ર), થાનગઢ હત્યાકાંડનું સંજયપ્રસાદ પંચ, આશારામ આશ્રમમાં થયેલ કાંડનું જસ્ટીસ શ્રી ડી. કે. ત્રિવેદી કમીશન (વર્ષ ર૦૦૮), રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર અંગે જસ્ટીસ એમ. બી. શાહ કમીશન (વર્ષ ર૦૧૧), નિર્ભયા બળાત્કાર નલીયા કાંડનું જસ્ટીસ દવે કમીશન (વર્ષ-ર૦૧૭), પાટીદાર અનામત આંદોલનનાં અધિકારનું રક્ષણ, ઉના દલિતકાંડ, બીટ કોઈન કાંડ જેવા આધાતજનક બનાવોનાં પડધા સમગ્ર ગુજરાત અને દેશમાં પડયા, પ્રજામાંથી અવાજો ઉઠયા, લોકસભા-વિધાનસભામાં વિરોધપક્ષોએ અવાજ ઉઠાવ્યો ત્યારે સરકારે વિવિધ બનાવો અંગે વિવિધ તપાસ પંચો નીમ્યા, પરંતુ એ તપાસ પંચોના અહેવાલો વર્ષો વીત્યા બાદ પણ વિધાનસભામાં મુકવામાં આવ્યા નથી કે નથી રાજ્યની પ્રજા સમક્ષ મુકવામાં આવ્યા. સરકારે લોકોનો ગુસ્સો તત્કાલ શાંત કરવા માટે તપાસ પંચો નીમ્યા પરંતુ આજ દિવસ સુધી એ તપાસનું શું થયું એનો અહેવાલ વિધાનસભામાં રજૂ ન કરીને ભાજપ સરકાર કોને બચાવી રહી છે? તેવો સવાલ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉઠાવ્યો હતો.

ધાનાણીએ આજે ગુરુવારે વિધાનસભા ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતાં જણાવ્યું હતું કે, નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈએ વિધાનસભાના ફલોર પર કહ્યું હતું કે, ગુજરાતના જે યુવાનો આંદોલન કરી રહ્યા હતા એ પાટીદાર આંદોલન હોય, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. આંદોલન હોય કે દલિત આંદોલન હોય, એ ગુજરાતના યુવાનોનો અધિકાર માટેનો અવાજ હતો. એમના ઉપર રર,૦૦૦ કરતા વધુ કેસો થયા હતા, તે પૈકી ૯૦% કરતા વધુ કેસો પાછા ખેંચી લીધા છે તેવું તેમનું નિવેદન ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનારું છે. સરકારે નિતીનભાઈને આડા કરીને આંદોલનકારીઓને કેસો પાછા ખેંચવાનાં વચનો આપ્યા તેનું સરકારે પાલન કરવું જોઈએ.

ગૃહમાં કોંગ્રેસનાં વરિષ્ઠ સભ્ય પુંજાભાઈ વંશ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ પોઈન્ટ ઓફ ઓર્ડરનો મુદ્દો અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યો નહોતો. તે અંગે ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના સભ્યો જ્યારે ગૃહમાં બોલતા હોય ત્યારે ભાજપના સભ્યોનો પોઈન્ટ ઓફ ઓર્ડર અધ્યક્ષ દ્વારા મંજૂર કરવામાં આવે છે, પરંતુ જ્યારે કોંગ્રેસ પક્ષના સભ્યો પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવે અને અધ્યક્ષ દ્વારા તે નામંજૂર કરવામાં આવે ત્યારે કોંગ્રેસ પક્ષના સભ્યો અધ્યક્ષનું માન જાળવીને શિસ્તથી સ્વીકારી લે છે.

અધ્યક્ષ દ્વારા થતી ભાજપની તરફેણ કરવી યોગ્ય ગણાય નહિ. ભાજપના સભ્યો ગમે તેવી ભાષામાં રાજ્ય બહારની વાતો કરે એને અધ્યક્ષ દ્વારા એલાઉ કરવામાં આવે અને આજે ગૃહમાં ભૂતકાળમાં કેન્દ્ર સરકારની ટીકાઓ કરનારી ભાજપ સરકાર આજે કેન્દ્રમાં બેઠી છે ત્યારે જવાબ આપતા ડરે એટલે પોઈન્ટ ઓફ ઓર્ડરનું ડસ્ટર લઈ અને રેકોર્ડ ઉપરથી શબ્દો ભુંસાવે આ બેધારી તલવારે સરકારે ચાલવું જોઈએ નહીં.