વડોદરાના ડેસરમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું નિર્માણ કરાશે

ગાંધીનગરવડોદરા જિલ્લાના ડેસરમાં ૧૩૦ એકર વિસ્તારમાં સ્ટેટ ઓફ ધી આર્ટ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું નિર્માણ કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તા.૧૭ માર્ચને શનિવારે બપોરે ૨.૦૦ વાગે આ સ્પોર્ટસ યુનિવર્સિટીના વહીવટી સંકુલ અને છાત્રવાસનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે રાજ્યના નાટ્યક્ષેત્ર, સંગીતક્ષેત્ર, નૃત્યક્ષેત્ર અને લોકકલા ક્ષેત્રના અગ્રણીઓને ગૌરવ પુરસ્કાર, સાહિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કાર તથા રમતવીરોને ખેલ-પ્રતિભા પુરસ્કારથી સન્માનિત કરાશે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રધાન ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરાશે. વડોદરા જિલ્લાના ડેસર ખાતે નિર્માણાધિન આ યુનિવર્સિટીમાં સ્પોર્ટસ સાયન્સ સેન્ટર, મલ્ટીપરપઝ ઇનડોર હૉલ, ઇનડોર સ્વિમીંગ પુલ, સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સ્પોર્ટસ ઇન્ડસ્ટ્રીઝ ટ્રેનીંગ સેન્ટર, વિવિધ રમતોના મેદાનો ઉપરાંત ફિટનેસ ટેસ્ટીંગ સેન્ટર પણ હશે. આ યુનિવર્સિટીમાં ફિઝીકલ એજ્યુકેશન ઉપરાંત સ્પોર્ટસ મેનેજમેન્ટ, સ્પોર્ટસ સાયન્સ, સ્પોર્ટસ કોચીંગ, એડવેન્ચર સ્પોર્ટસ અને સ્પોર્ટસ જર્નાલિઝમના અભ્યાસક્રમો હશે.

ખાતમુહૂર્ત સમારોહની સાથોસાથ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાશે.