બોલો, હિન્દી ફિલ્મોમાં દિવાળી ગીતો કેટલાં?

દિવાળી તહેવાર દેશભરમાં જામ્યો છે. આ તહેવારને દર્શકો સમક્ષ સરસ રીતે રજૂ કરવામાં બોલીવૂડ પણ પ્રયત્નશીલ રહ્યું છે. એને કારણે દિવાળીનો તહેવાર દીવડાઓની જેમ દિવાળીનાં ગીતો વગર પણ જાણે અધૂરો લાગે.

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૨૦૦૧ દીપોત્સવી અંકનો)


હિંદી ફિલ્મોમાં હોળી, જન્માષ્ટમી અને બળેવને તો ગીત-સંગીત-વાર્તામાં ઠેર ઠેર સ્થાન મળ્યું છે, પણ પર્વરાજ દિવાળીને ફિલ્મોમાં અને ખાસ તો ગીત-સંગીતમાં પૂરતું સ્થાન નથી મળ્યું. છતાં, આપણી પાસે જે કોઈ થોડાંઘણાં નોંધપાત્ર ફિલ્મી દિવાળી ગીતો છે એના વિશે તથા આ ગીતો સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે આવો, થોડી વાતો કરીએ, દિવાળી નિમિત્તે.

  • અજિત પોપટ

ડૉનની ગૅન્ગમાંથી છૂટો થઈને એ ઘેર આવ્યો. દિવાળીની રાત હતી. એક તરફ શેરીમાં ફટાકડા ફૂટી રહ્યા હતા. બીજી તરફ ડૉને મોકલેલા ભાડુતી હત્યારાએ ગૅન્ગ છોડીને આવેલા સાથીને અને એની પત્નીને ઠાર માર્યા. કબાટની અંદર છૂપાઈને જોઈ રહેલા બાળકને ભાડૂતી હત્યારાના કાંડે બાંધેલી ઘોડાવાળી સાંકળી યાદ રહી ગઈ. મોટો થઈને એ બાળક ઈન્સ્પેક્ટર વિજય બન્યો. ઘોડાવાળી સાંકળી યાદ રાખીને એણે ડૉનને ખતમ કર્યો.

દિવાળીની રાતે ફટાકડાના ઘોંઘાટમાં કોઈની હત્યા કરવાના દૃશ્યવાળી એ ફિલ્મ તમને પણ યાદ આવી ગઈ હશે. મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની એ પહેલી સુપરહિટ ફિલ્મ. પ્રકાશ મહેરાની ‘જંજિર’. જો કે આપણે દિવાળીની વાત કરીએ એટલે દર્દીલા ગાયક મુકેશનું આ ગીત યાદ આવે: ‘એક વો ભી દિવાળી થી એક યહ ભી દિવાળી હૈ…’ એ ગીતની વાત કરીએ એ પહેલાં ફિલ્મોમાં દિવાળીને યાદગાર બનાવનારી ફિલ્મની વાત કરીએ.

હિંદી ફિલ્મોમાં પહેલવહેલું દિવાળી ગીત કયું? એ પ્રશ્ર્નનો જવાબ આપતાં સંગીતરસિકોએ પણ કદાચ માથું ખંજવાળવું પડે. છેક ૧૯૪૦ના દાયકામાં દલસુખ પંચોલીએ એક ફિલ્મ બનાવેલી ‘ખજાનચી’. એમાં ગુલામ હૈદરનું સંગીત હતું. ગુલામ હૈદર ફિલ્મોમાં પંજાબી લોકસંગીત લઈ આવ્યા જેનો સૂંપર્ણ વિકાસ પાછળથી પંજાબી ફૉકનો વિશિષ્ટ લય પ્રયોગ ઓ. પી. નય્યરના સંગીતમાં આપણે જોયો. ‘ખજાનચી’માં ગુલામ હૈદરે એક ગીત આપ્યું: ‘દિવાળી ફિર આ ગઈ સજની…’ ‘ખજાનચી’નું સંગીત એવું હિટ નીવડેલું કે પંચોલીએ ગુલામ હૈદરને માગે તે આપવાની ઑફર કરેલી. સીધાસાદા ભોળા દિલવાળા ગુલામ હૈદરે ફક્ત રાણી કંપનીની સાઈકલ માગી ત્યારે એનું ભોળપણ જોઈને પંચોલી દંગ થઈ ગયેલા. ખેર, ‘ખજાનચી’ ફિલ્મથી આપણને દિવાળી ગીત મળ્યું, પરંતુ છેલ્લાં પચાસ-સાઠ વરસમાં આપણને દિવાળીનાં પૂરાં પચીસ ગીતોય મળ્યાં નથી. આંગળીના વેઢે ગણાય એટલાં ગીતો આ પર્વરાજનાં છે. હા, ‘જંજિર’ ફિલ્મમાં ફટાકડાના ધડાકામાં ખૂન થાય છે એવો નેગેટિવ ઉપયોગ ડાયરેક્ટરોએ ફિલ્મોમાં કર્યો ખરો. એ સિવાય દિવાળી ગીતસંગીત રૂપે બહુ ઓછી ચમકી. હોળી, જન્માષ્ટમી, બળેવ વગેરે હિંદુ તહેવારો ફિલ્મોમાં ખૂબ ચમક્યા.

એટલે જ ‘ગીતાંજલિ’માં દિવાળી ગીતો માટે લખતી વેળા ભારે મૂંઝવણ થઈ. છેલ્લાં પચાસ વરસમાં મહંમદ રફીના ગાયેલાં પાંચ, આશા ભોસલેનાં ત્રણ, લતાનાં બે, મુકેશનું રોકડું એક એમ માંડ દસ-બાર દિવાળી ગીતો મળ્યાં. એક વડીલ સંગીતકારે તો ટકોર પણ કરી: દિવાળી ગીતોમાં શું લખવાનું?

ખેર, આપણે મુકેશના યાદગાર ગીતથી શરૂ કરીએ. ૧૯૬૧માં રજૂ થયેલી ફિલ્મ ‘નઝરાના’નું આ ગીત ‘એક વો ભી દિવાલી થી એક યે ભી દિવાલી હૈ ઊજડા હુઆ ગુલશન હૈ રોતા હુઆ માલી હૈ…’ રાજેન્દ્ર કૃષ્ણે લખેલા આ ગીતનું સંગીત રવિનું હતું. આ ગીત સાથે બહુ યાદગાર વાતો સંકળાયેલી છે. ૧૯૬૩માં રાજ કુમાર-મીનાકુમારી અને રાજેન્દ્ર (જ્યુબિલી)કુમારને લઈને ‘દિલ એક મંદિર’ જેવી યાદગાર ફિલ્મ બનાવનારા નિર્દેશક શ્રીધર ‘નઝરાના’ના ડાયરેક્ટર હતા. મૂળ રાજેન્દ્ર કુમારને આ ફિલ્મમાં હીરો તરીકે લેવાના હતા.

રાજેન્દ્ર કુમારની હીરો તરીકેની પહેલીવહેલી હિટ ફિલ્મ ‘વચન’ (૧૯૫૫)થી રાજેન્દ્ર કુમાર અને રવિ સારા મિત્રો હતા. અને રાજેન્દ્રના સૂચનથી જ શ્રીધરે રવિને સંગીત સોંપેલું. સુખના દિવસો કાયમ રહેતા નથી. સુખના દિવસોની દિવાળી આનંદની આતશબાજી જેવી લાગે, દુ:ખના દિવસોની દિવાળી અમાસની અંધારી રાત જેવી લાગે. ‘નઝરાના’ની કથામાં હીરો જેને ચાહતો હોય છે એ છોકરીને બદલે એની બહેન સાથે પરણવું પડે છે.

રાજેન્દ્ર કૃષ્ણે ડાયરેક્ટરના સૂચન મુજબ ‘એક વોભી દિવાળી થી…’ ગીત લખેલું. મુકેશે એની આગવી શૈલીમાં ગાયું હતું, પરંતુ રાજેન્દ્ર કુમારને આ ગીત ગમ્યું નહીં. દિવાળી એટલે આનંદ ઉત્સાહનો તહેવાર. નવાં કપડાં, મિષ્ટાન્ન અને ફટાકડા. એમાં આવું કરુણ રડતલ ગીત? રાજેન્દ્રે રવિ જોડે ઘણી લમણાફોડ કરી, પણ કંઈ વળ્યું નહીં. દરમિયાન, સંજોગો બદલાયા. રાજેન્દ્રએ જુદા જ કારણથી ફિલ્મ છોડી. રાજ કપૂર હીરો બન્યો. રાજ માટે તો મુકેશ દિલોજાન હતો. રાજને આ ગીત ગમ્યું. ફિલ્મે સિલ્વર જ્યુબિલી કરી અને ‘નઝરાના’નાં તમામ ગીતોમાં આ દિવાળી ગીત સૌથી વધુ હિટ તથા યાદગાર બની રહ્યું.

તાજેતરમાં દાદાસાહેબ ફાળકે એવૉર્ડ મેળવનારી ચિરયુવાન ગાયિકા આશા ભોંસલેનું પહેલવહેલું દિવાળી ગીત જોગસંજોગે ‘ખજાનચી’નું જ હતું. પણ આ ‘ખજાનચી’ ૧૯૫૮માં આવેલી. એના ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ જ હતા. સંગીત મદન મોહનનું હતું. અહીં ફરી રાજેન્દ્ર કુમાર હીરો હતા. ફિલ્મના નિર્દેશક પી. એન. અરોરાએ મદન મોહનને કહેલું, લતા પાસે એકાદ ગીત ગવડાવજો હોં… અરોરા તો ઠીક, ખુદ મદન મોહન અને લતાએ ઘણાં યાદગાર ગીતો આપ્યાં છે, પરંતુ અહીં ફરી એવા સંજોગો સર્જાયાં કે ‘ખજાનચી’નાં બધા ગીતો આશાના ફાળે જ આવ્યાં જેમાનું એક આ હતું: ‘આઈ દિવાલી આઈ કૈસે ઉજાલે લાઈ ઘર ઘર ખુશિયોં કે દીપ જલે…’ કોણ જાણે કેમ પણ આશાનાં યાદગાર ગીતોમાં આ ગીતનું સ્થાન નથી.

https://www.youtube.com/watch?v=jlvpe42n0MQ

આશાનું ઓર એક દિવાળી ગીત નૌશાદનું છે. દિલીપ કુમાર, વૈજયંતિ માલા અને અમજદ ખાનના પિતા જયંતને ચમકાવતી નિર્દેશક રામ મુખરજીની ફિલ્મ ‘લીડર’ (૧૯૬૪)માં વૈજયંતિ માલાનું એક નૃત્યગીત છે: ‘દિવાલી આઈ રે આઈ… દૈયા રે દૈયા લાજ મોંહે આયે…’ આ ગીત ખુશીનું છે, સુંદર ગીત છે, પરંતુ નૌશાદે એમાં ભક્તિપ્રધાન ગંભીર રાગ દરબારીનો ખૂબીપૂર્વક ઉપયોગ કરીને મહંમદ રફી પાસે આલાપ અને અંતરો ગવડાવ્યાં છે.

આશાએ એક ઓર દિવાળી ગીત રમૂજ રૂપે ગાયું છે. ગીત દેવ આનંદની ફિલ્મ ‘સ્વામીદાદા’નું છે. આ ગીત આર. ડી. બર્મને સ્વરબદ્ધ કરેલું: ‘પટાખા ફૂલઝડી ના મૈં હું બાબુ ઝોંપડી કા બમ, ઓ ખુલી સડકોં પે પલી…’

‘લીડર’ ફિલ્મમાં આશા સાથે અંતરો જમાવનાર મહંમદ રફીના ફાળે પણ ફક્ત બે દિવાળી ગીતો બોલે છે. એમાં એક ગીત ૧૯૫૫માં રજૂ થયેલી ફિલ્મ ‘સબ સે બડા રૂપૈયા’નું હતું. પાછળથી (૧૯૭૬)માં કોમેડિયન મહેમૂદે આ જ નામે ફિલ્મ બનાવેલી, પણ કોમેડી ફિલ્મ હતી. એમાં આગા, સુંદર, શશીકલા વગેરે હીરો હતા અને એનાં ગીતો નૌશાદને મોટી તક આપનારા ગીતકાર-સંગીતકાર પી. એલ. સંતોષીએ લખેલાં. અહીં રફી સાથે શમસાદ બેગમ અને શમસાદની ગાયકીથી પ્રભાવિત આશા ભોંસલે હતાં, ગીતનું મુખડું હતું ‘દિવાલી યે કૈસી, ઈસ રાત યે કૈસા ઉજિયારા છાયા હૈ…’ સંગીતકાર કોણ હતા? એ વિશે થોડા વિવાદ છે. એક અભિપ્રાય મુજબ ઓ. પી. નય્યર એના સંગીતકાર હતા તો બીજા અભિપ્રાય મુજબ પી. એલ. સંતોષીએ જ એનું સંગીત આપેલું. મહંમદ રફી ગીતકોશમાં સંગીતકાર તરીકે નૌશાદનું નામ છે.

ચેતન આનંદની પહેલવહેલી વોર ફિલ્મ હકીકત યાદ કરવી જોઈએ ૧૯૬૪માં રજૂ થયેલી આ બ્લેક ઍન્ડ વાઈટ ફિલ્મમાં એક જુદા પ્રકારનું દિવાળી ગીત હતું અને એની સર્જનકથા ખરેખર રસપ્રદ છે. ફિલ્મનાં ગીતો કૈફી આઝમીનાં અને સંગીત મદન મોહનનું હતું. ચેતન આનંદ કૈફીસાહેબને કહેલું, હોળી, બળેવ કે દિવાળી જેવા તહેવારો તો આપણા માટે હોય છે. જ્યાં લગભગ બારે માસ ગરમ કપડામાં સજ્જ રહેવું પડે એવા સરહદી વિસ્તારોમાં ખડે પગે ફરજ બજાવતા જવાનો માટે વાર-તહેવાર બધાય સરખા. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કંઈક લખજો.

રતિ અગ્નિહોત્રી-મિથુન ચક્રવર્તિ-પદ્મિની કોલ્હાપુરેને ચમકાવતી ‘સ્વામીદાદા’ ફિલ્મના ગીતમાં ફટાકડાઓનાં નામનો રમતિયાળ ઉપયોગ થયેલો

હકીકત આમ તો બધાં ગીતો યાદગાર જ હતાં. (જેમ કે ‘હો કે મજબૂર મુઝે ઉસને સાથીયોં…’, ‘જરા સી આહટ હોતી હૈ તો દિલ…’) પરંતુ ચેતન આનંદના દિલની વાતને કૈફી આઝમીએ જે સુંદર રીતે રજૂ કરી છે એની તરફ બહુ ધ્યાન કોઈનું ગયું નથી. અહીં લતાના કંઠે એક ગીત હતું જેમાં દિવાળીને તદ્દન જુદી રીતે યાદ કરી છે: ‘આઈ અબ કે સાલ દિવાલી, મૂંહ પર અપને ખૂન મલે…’ એવી જબરદસ્ત હૃદયસ્પર્શી કલ્પના હતી કે એના શબ્દો વાંચી-સાંભળીને એક સમયે લશ્કરી જવાન રહી ચૂકેલા મદન મોહનની આંખો ભીનો થઈ ગયેલી.

છેક ૧૯૫૫માં ‘ઘર ઘર મેં દિવાલી’ નામે ફિલ્મ આવેલી. સોહરાબ મોદીની મિનર્વા મુવીટોન કંપનીએ બનાવેલી આ ફિલ્મમાં પાછળથી વિલન-ચરિત્રનટ બનેલા સજ્જન હીરો અને શ્યામા હીરોઈન હતી. પ્રેમ ધવનનાં ગીતોનું સંગીત રોશને આપેલું. આ ફિલ્મમાં લતાનું દિવાળી ગીત હતું. ‘દીપ જલે ઘર ઘર મેં, દિવાલી આઈ…’ પરંતુ ખુદ લતાને દિવાળી ગીત વિશે પૂછો તો કહેશે કે, ‘મને તો ફક્ત હકીકતનું દિવાળી ગીત સાંભરે છે.’

અગાઉ કહ્યું તેમ જરા જુદા સંદર્ભમાં, વાર્તાને ઉપકારક કે વાર્તાને આગળ ધકેલવા માટે ફિલ્મોમાં દિવાળીનો ઘણી વાર ઉપયોગ થયો છે, પરંતુ ગીત-સંગીતમાં દિવાળી બહુ ઝળકી નથી. એવું કેમ બન્યું હશે? એટલે જ ખૂણે ખાંચરેથી જેટલા ગીતો હાથે ચઢ્યાં એટલાં લઈને અહીં ગીતાંજલિ પ્રસ્તુત કરી. જો કે દિવાળી સાથે બીજાં ગીતોને સમાવેશ કરી શકીએ જેમ કે કિશોર કુમારે ગાયેલું રંગોલી ‘સજાઓ રંગોલી સજાઓ…’ ફિલ્મ ‘રંગોલી’ (૧૯૬૨), પરંતુ એવાં થીંગડા મારવા કરતાં અહીં વિરમીએ.