મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાત પેટાચૂંટણીમાં કયા મુદ્દા ન ચાલ્યાં

ચૂંટણીમાં કયા મુદ્દા ચાલી ગયાં તે નક્કી કરવાનું સહેલું હોતું નથી. ચૂંટણી પ્રચાર ચાલતો હોય ત્યારે કયા મુદ્દા મતદારોને સ્પર્શી જશે તે નક્કી કરવાનું વધારે અઘરું હોય છે. ચૂંટણી પરિણામ પછી પણ મુદ્દા કયા ચાલ્યાં તે પાકું કરવાનું એટલું સહેલું હોતું નથી. પરંતુ ચૂંટણીમાં કયા મુદ્દા ન ચાલ્યાં, તે પરિણામ પછી નક્કી કરી શકાતું હોય છે.

આ વખતની ચૂંટણીમાં નેતાઓનું અભિમાન નથી ચાલ્યું. આ વાત ખુદ શિવસેના કહી રહી છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષ સાથે મળીને આ વખતે ચૂંટણી લડ્યાં પછી અને ઠીક ઠીક જ પરિણામો આવ્યાં તે પછી બીજા દિવસે તેના મુખપત્ર સામનામાં તંત્રી લેખમાં લખાયું કે અભિમાની શાસકોને આ ફટકો છે. મહાજનાદેશની વાતો કરનારાને કોઈ જનાદેશ મળ્યો નથી એમ પણ તેનું કહેવું છે.

શિવસેનાના અખબારમાં કોને અભિમાની કહેવાયા તે તંત્રી જાણે અને તમે જાણો, પણ શાસકોનું કે ઉમેદવારોનું અભિમાન આ ચૂંટણીમાં નથી ચાલ્યું તે વાત નકારી શકાય નહીં. ગુજરાતમાં એક પક્ષપલટું નેતાનું અભિમાન મતદારોએ ધૂળ ભેગું કરી દીધું. શિવાજીના પરિવારના એક સભ્યને અભિમાન થયેલું કે પોતાનું નામ મોટું છે. તેમણે એનસીપીએ વિદાય કરીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું. સાતારામાં તેમણે ચૂંટણી લડી અને મતદારોએ શિવાજીના વારસદારને પણ પછાડી દીધાં.

વાહિયાત વીડિયો બનાવીને સ્ટાર બની ગયેલી ફોગાટ અને પોતે બોક્સર છે એટલે રાજકારણમાં પણ કોઈને પછાડી દે તેવું માનનારા એક બોક્સરને પણ હરિયાણામાં મતદારોએ પછાડી દીધાં. ખટ્ટરની સરકારના 8 પ્રધાનોને પ્રજાએ હરાવી દીધાં.

મુદ્દા તો અમે જ નક્કી કરીએ, અમે જ પ્રચાર કરીએ તે પ્રચાર કહેવાય તેવું માનનારા નેતાના મુદ્દા ન ચાલ્યાં. મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાત સહિતની પેટાચૂંટણીમાં માત્ર કાશ્મીર અને પાકિસ્તાનની જ વાતો થતી રહી. પાકિસ્તાનને પાડી દીધું, પાકિસ્તાનને એકલું પાડી દીધું, પાકિસ્તાનને બરબાદ કરી દીધું… લોકો મોં વકાસીને જોતા રહ્યાં કે અલ્યા, લોકસભાની – દેશની – ચૂંટણી તો પતી ગઈ, આ પાકિસ્તાન પાછું ક્યાંથી આવ્યું? છેલ્લે છેલ્લે મતદાનના ત્રણ દિવસ પહેલાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી દેવાઈ. પાકિસ્તાન મુર્દાબાદ પણ ન ચાલ્યું અને સર્જિકલ સ્ટ્રાઇલ પણ ન ચાલ્યું.

સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું કામ સેનાનું છે અને સેનાએ નિયમિત કરતી રહેવી જોઈએ. આટલી વાત નક્કી અને તે માટે રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવનારને પણ ધન્યવાદ. પણ સર્જિકલ સ્ટ્રાઇકની વાત સેના પર છોડી દો અને અહીં મુદ્દાની વાત કરોને – એવી વાત મતદારોએ ઉપસ્થિત કરી.

અનામત માટેનું આંદોલન કરાવવાનું અને પછી અનામત આપી દેવાની અને મામલો અદાલતમાં લટકાવી દેવાનો. આ ચાલ પણ ન ચાલી. મરાઠા અનામત બરાબર ચગવા દેવાયું અને પછી તેનો ઉકેલ લાવી દેવાયાની જાહેરાત કરાઈ. માત્ર મરાઠાઓ માટે અલગ અનામત આપવાની તદ્દન ગેરવાજબી જાહેરાત ભાજપની સરકારે કરી. આમ છતાં તે મુદ્દો ન ચાલ્યો.

મહારાષ્ટ્રમાં એનસીપીની બેઠકો સૌથી વધુ વધી છે. ભાજપ અને શિવસેનાની બેઠકો ઘટી, ત્યારે શરદ પવારની, મરાઠા નેતાની બેઠકો વધી. અનામત આપી હોવા છતાં મરાઠા વૉટબેન્ક શરદ પવાર સાથે જ રહી. ઈડી અને સીબીઆઈનો ડર કામ ન આવ્યો. શરદ પવાર અને અજિત પવાર સામે ઈડીની ફાઇલો ખોલવામાં આવી. શરદ પવારના સાથી અને એનસીપીના ખજાનચી જેવા પ્રફુલ્લ પટેલ સામેની ફાઇલો ખોલવામાં આવી. આમ છતાં શરદ પવાર અને અજિત પવાર જીતી ગયાં. પવાર પરિવારમાં આંતરિક ડખા વધારવામાં ભાજપના કેટલાક સિનિયર નેતાઓએ ભાગ ભજવ્યો હતો તેવું કહેવાય છે. તેવો ખટરાગ ઊભો કરીને એનસીપીને નુકસાન કરાવવાની ચાલ પણ ન ચાલી.

હરિયાણામાં જાટને એકલા પાડી દેવાની જ્ઞાતિવાદી ચાલ ભાજપની ચાલી નહીં. પેંતીસ-એક, પાંત્રીસ સામે એક, એટલે કે હરિયાણામાં છત્રીસ બિરાદરીમાંથી પાંત્રીસને જાટ વિરુદ્ધ ઉશ્કેરવાની કારી ભાજપની ફાવી નહીં. મહારાષ્ટ્રના મરાઠાની જેમ હરિયાણાના જાટને ખ્યાલ આવી ગયો તેમની સામે કેવું જ્ઞાતિગણિત ગોઠવવામાં આવ્યું છે. બંને જગ્યાએ મરાઠા અને જાટે અલગ રીતે મતદાન કર્યું અને અલગ રીતે બીજા જ્ઞાતિઓ સાથે ગઠબંધન કર્યું. હરિયાણામાં કુમારી સૈલજાને પ્રદેશ પ્રમુખ બનાવી દલિતોને જાટ સાથે જોડવાની કોશિશ થઈ, જેથી જાટ વિરુદ્ધનું જ્ઞાતિગણિત બગડી જાય.

ગુજરાતમાં પણ જ્ઞાતિવાદી ગણિત ચાલ્યું નહીં. મુદ્દો અહંકારનો અને પક્ષપલટાનો હતો તેના કારણે રાધનપુરમાં ઠાકોર વૉટબેન્કમાં રઘુ દેસાઈ જીત્યાં, બાયડમાં પટેલ જીત્યાં અને થરાદની આંજણા ચૌધરી વૉટબેન્કમાં ગુલાબસિંહ રાજપૂત જીત્યાં અને લૂણાવાડામાં ક્ષત્રિય ઓબીસી વૉટબેન્કમાં જિજ્ઞેશ સેવક જીત્યાં.

મોટા નેતાઓ ન ચાલ્યાં. હરિયાણામાં મુખ્યપ્રધાન ખટ્ટરના જોરે એક પણ બેઠક વધી નહી. તેમને મોટા નેતા બનાવવાની કોશિશ ન ચાલી. ફડણવીસના બહુ વખાણ થયાં હતાં. નરેન્દ્ર અને દેવેન્દ્ર એવી જોડી બનાવાઈ, પણ જોડી ન ચાલી. નરેન્દ્રે કદાચ ક્યાંક ક્યાંક બચાવી લીધા, પણ દેવેન્દ્ર પક્ષની એકેય બેઠક વધારી શક્યા નહીં. તેમના શાસનમાં બેઠકો ઉલટાની ઘટી.

શિવસેનાએ પણ આદિત્ય ઠાકરેને મોટા નેતા બનાવીને પ્રોજેક્ટ કરવાની કોશિશ કરી. એવો પણ પ્રચાર ચલાવ્યો કે શિવસૈનિક જ – અર્થાત આદિત્ય મુખ્યપ્રધાન બનશે, પણ સેનાની બેઠકો ઉલટાની ઘટી.ચૂંટણીની તારીખો જાહેર થઈ તેની પહેલાં મુંબઈમાં એકથી વધુ પ્રોજેક્ટને ભેગા કરીને તેના ઉદઘાટનો કરી તેનો બહુ પ્રચાર કરવામાં આવ્યો હતો. હરિયાણામાં સૌથી વધુ બેકારી હોવા છતાં ખટ્ટર સરકારના વિકાસના કાર્યોનો પ્રચાર કરવામાં આવ્યો હતો. એક પણ જગ્યાએ વિકાસનો પ્રચારનો ચાલ્યો નહીં.

ત્રણેય રાજ્યોમાં વિપક્ષ પણ ક્યાંય ચાલ્યો નહીં. ભાજપના એકથી વધુ મુદ્દાઓ ન ચાલ્યાં, તેમ છતાંય વિપક્ષ તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. હરિયાણામાં ભૂપિન્દરસિંહ હુડ઼ડાએ લડી લીધું, કોંગ્રેસ ક્યાંય ચાલી નથી. મહારાષ્ટ્રમાં શરદ પવારે અંગત રીતે છેલ્લી ચૂંટણીમાં લડી લીધું, કોંગ્રેસ અહીં ક્યાંય ખાસ ચાલી નથી.

સરકાર સામે નારાજગી હોય એટલે વિપક્ષના મોઢામાં બગાસું ખાતા પતાસું આવે તે વાત પણ આ ચૂંટણીઓમાં ચાલી નથી. ગુજરાતમાં મતદારોએ ત્રણને હરાવ્યાં, પણ તેના કારણો જુદા જુદા હતાં. ક્યાંય ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે ગુજરાતના મતદારોએ મત આપ્યાં નથી. અમરાઇવાડીમાં સારી ટક્કર આપી, પણ યાદ રાખવું જોઈએ કે કુલ મતો પડ્યાં તેમાંથી 50 ટકા હજીય ભાજપને મળ્યાં છે. માત્ર 35 ટકા મતદાન પછીય ભાજપને 50 ટકા મતો મળ્યાં છે. તેનો અર્થ શહેરમાં પોતાને ફરી પ્રસ્થાપિત કરવાની કોંગ્રેસની કોશિશો ક્યાંય ચાલી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]