શું એનઆરઆઈ (NRI)એ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ?

NRI માટે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટના વિવિધ વિકલ્પો  –  એ ગયા વખતનો લેખ વાંચ્યા બાદ ઘણાં વાચકોએ એને સુસંગત પ્રશ્ન પૂછ્યો હતો કે રૂપિયો નબળો થયો હોવા છતાં શું એનઆરઆઈ એ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ?

ભારતમાં ઘણાં બધા નિવેશ માટેનાં વિકલ્પોમાંથી એક, એવો ઈક્વિટીમાં નિવેશ; એ NRI માટે સારો વિકલ્પ છે. પછી એ રોકાણ સીધું ઈક્વિટીમાં હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા હોય- કારણ કે દુનિયાનાં બીજા દેશોની સરખામણીમાં વધારે વૃધ્ધિદર આપવાનો ભારતનો ઈતિહાસ રહ્યો છે અને વલણ પણ રહ્યું છે.

ભારતના આર્થિક વિકાસ અને શેરબજારનો ઈતિહાસ :

૧૯૯૧માં, એટલે કે લગભગ ૩૦ વર્ષો પહેલાં; ભારતનું અર્થતંત્ર માળખાકીય રીતે ખુલ્લું મૂકાયું હતું. આ છેલ્લા ૩૦ વર્ષોમાં ભારત ઘણી બધી કટોકટી જેવી પરિસ્થિતઓમાંથી પસાર થયું; જેમ કે હર્ષદ મહેતા કૌભાંડ, ૧૯૯૭ ની એશિયન કરન્સી કટોકટી, ૧૯૯૯ માં પાકિસ્તાન સાથેનું કારગિલનું યુધ્ધ, ૨૦૦૦ ની ટેકનોલોજીની કટોકટી, વચ્ચેનાં વર્ષો દરમ્યાનની રાજકીય અસ્થિરતા, ૨૦૦૧ નો ગુજરાતનો ભયંકર ધરતીકંપ, ૨૦૦૮ નાં દુન્યવી આર્થિક સંકટને કારણે બજારોમાં થયેલો મોટો ઘસારો, ૨૦૧૦ માં સત્યમ કૌભાંડ, ૨૦૧૬ માં ડિમોનેટાઈઝેશન, ૨૦૧૮/૧૯ માં ડીચએફએલ (DHFL) અને આઈએલએફએસ (ILFS) જેવી કંપનીઓનું કાચા પડવું, ૨૦૨૦/૨૧ ની કોવિડ મહામારીની કટોકટી. આ ઉપરાંત આખી દુનિયામાં ઘટિત થતી ઘટનાઓ જેવી કે અમેરિકાનાં ટ્વીન ટાવર પરનાં હુમલાઓ, ઈરાન-ઈરાક યુદ્ધ, ઈરાક-કુવૈત યુદ્ધ, લગભગ ૨૦ વર્ષોથી પણ વધુ ચાલેલ અફઘાનિસ્તાનનું યુદ્ધ અને હાલમાં ચાલતું યુક્રેન-રશિયાનું યુદ્ધ.

આ લેખ લખી રહ્યો છું ત્યારે ભારતીય રૂપિયાની કિંમત ૧૯૯૧ની સરખામણીએ લગભગ ચોથા ભાગની છે – ત્યારે ૧ અમેરિકન ડૉલર ખરીદવા માટેની કિંમત રૂ. ૨૪.૩૦ ની હતી; જે માટે આજે રૂ. ૮૧.૯૨ ચૂકવવા પડે છે. આમ છેલ્લા ૩૦ વર્ષોમાં રૂપિયાનું પ્રતિ વર્ષે ૪%નાં દરે અવમૂલ્યન થયું છે.

છેક ૧૯૯૧થી; બીએસઇ-સેન્સેક્સ ૬૧ ઘણો વધ્યો છે. ૨ જાન્યુઆરી, ૧૯૯૧ને દિવસે સેન્સેક્સ ૯૯૯.૨૬ હતો અને આજે ૬૧,૧૮૫ છે; જે ૧૪.૧૯% નાં વાર્ષિક દરે વધ્યો છે. (સ્ત્રોત: tradingeconomics. com)

અમેરિકાની ટોચની ૩૦ લિસ્ટેડ કંપનીઓને દર્શાવતો અમેરિકન ઇંડેક્સ ડાઉ જોન્સ; આ જ સમયગાળા દરમ્યાન, ૨,૬૧૦ પોઈન્ટથી ૩૨,૪૦૦ પોઈન્ટ સુધી પહોંચ્યો છે એટલે કે; ૧૨.૪ ઘણો વધ્યો છે; જે ૮.૪૬% નાં વાર્ષિક દરે વધ્યો છે. (સ્ત્રોત: macrotrends.net)

હવે આગળ શું રહેલું છે?

આખી દુનિયામાં જીડીપી (GDP)ના માપદંડથી ભારત અત્યારે પાંચમી મોટી અર્થવ્યવસ્થા છે. આજે ભારતનું અર્થતંત્ર દુનિયાનું સૌથી ઝડપી ગતિએ વધનારું અર્થતંત્ર બની ચૂક્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેન્કની ધારણા પ્રમાણે ભારતનું અર્થતંત્ર ૬.૫% થી ૭%નાં વાર્ષિક વૃધ્ધિદરે વધશે. એક અંદાજ પ્રમાણે દુનિયાનાં GDP ગ્રોથમાં ભારતનો ફાળો ૨૦% છે; જે આવનારા વર્ષોમાં લગભગ ૨૫%નો થઈ જશે.

ભારતીય અર્થતંત્રના કેટલાક મહત્વનાં ચાલકબળો :

૧. બહોળી વસ્તી કુશળ શ્રમિકવર્ગ :

બહોળી વસ્તી અને કુશળ શ્રમિકો, ખાસ કરીને ટેકનોલોજીના ક્ષેત્રમાં, ન કેવળ પોતાનાં પરિવાર માટે પરંતુ આખા દેશ માટે આવકનો સ્ત્રોત ઊભો કરી રહ્યાં છે; જેને કારણે ભારત દુનિયાનાં સૌથી વિશાળ ગ્રાહક બજાર તરીકે ઊભરી રહ્યું છે.

૨. વિવિધતા :

ભારત એ દુનિયાની જૂજ અર્થવ્યવસ્થાઓમાંનું એક છે; કે જેમાં ખૂબ જ વિવિધતાઓ છે; જેમ કે આપણે સર્વિસ સેક્ટર અને ખેતી વિષયક ક્ષેત્રોમાં અગ્રેસર છીએ, આપણી પાસે વિશાળ ખનીજ અને કોલસાનો જથ્થો છે અને નીચા વ્યાજદરો, PLI (Production Linked Incentive Scheme) સ્કીમ, મેક ઈન ઈન્ડિયા, ચાઈના +૧ જેવા પરિબળોને કારણે ઉત્પાદન ક્ષેત્રે આપણે ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. આપણું બેન્કિંગ અને ફાયનાન્સિયલ તંત્ર પણ મજબૂત છે. આપણું ઘરેલુ ટુરિઝમ પણ મજબૂત થઈ રહ્યું છે અને એમાં વૃધ્ધિની શક્યતાઓ પણ અપાર છે. દુનિયાનાં ખૂબ જ ઓછા અર્થતંત્રોમાં આટલી વિવિધતાઓ રહેલી છે. ઘણાં ખરા દેશો એમનાં વિકાસ માટે કાં તો એનર્જી અથવા ખનીજતત્વ અથવા ટુરિઝમ પર નિર્ભર હોતા હોય છે.

૩. અનુકૂળ ટેક્સેશન સિસ્ટમ :

છેલ્લા ૩૦ વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં થયેલા અસંખ્ય સુધારાઓએ ભવિષ્યનાં વિકાસ અને આર્થિક સ્થિરતા માટેની પરિસ્થિતિઓ નિર્માણ કરી છે. ભારતમાં આજે ખૂબ જ આકર્ષક ડાયરેક્ટ ટેક્સનું માળખું છે અને જીએસટી નો પણ વ્યાપક સ્વરૂપે સ્વીકાર થઈ રહ્યો છે; જે કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો માટે ટેક્સ વસૂલીનું મજબૂત માધ્યમ બની રહ્યું છે.

૪. ઈ-કોમર્સ અને ડીજિટાઈઝેશન :

ભારતનું ડિજિટલ અર્થતંત્રનું માળખું ૨૦૨૬ સુધીમાં ૧ ટ્રિલિયન અમેરિકન ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે. આટલો ઊંચો આંકડો ભારતની ધબકતી ઈ-કોમર્સની બજારને કારણે છે; જેનું કેવળ આ જ વર્ષમાં ૭૪.૮ બિલિયન અમેરિકન ડૉલર સુધી પહોંચવાનું અનુમાન છે અને આ ૨૦૨૧ ની સરખામણીમાં ૨૧.૫% વધુ છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૮૦ મિલિયન ઈન્ટરનેટના વપરાશકારો ઊમેરાયા છે. પરવડી શકે એવા ડેટા પ્લાનની ઉપલબ્ધિને કારણે; દેશ વધુ ઝડપથી ડિજિટલાયઝેશન તરફ ધપી રહ્યો છે. આ ડિજિટલાયઝેશન; નવા ક્ષેત્રો જેવા કે એડ-ટેક, ફીન-ટેક, અને ઈ-કોમર્સ વગેરે માં વધુ ઉત્પાદકતા, ઉચ્ચ આર્થિક વિકાસ અને નોકરી માટેની વધુ તકો તરફ દોરી જશે. જે ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત છે એ લોકોને; કોવિડ મહામારીના સમય દરમ્યાન; ડિજિટલાયઝેશનને કારણે તેમનાં વૈશ્વિક ભાગીદારો સાથે એવી જ રીતે જોડાવાનો મોકો મળ્યો; જેવી રીતે એ લોકો સ્થાનિક લોકો સાથે વ્યવહાર કરી શકતા હતાં.

૫. ભારતીય સ્ટોક માર્કેટનાં સુંદર પ્રદર્શનનું મહત્વનું પરિબળ :

FII ની સતત વેચવાલી હોવા છતાં; ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ અને (EPF) ઈપીએફ ની મજબૂત લેવાલીએ માર્કેટને સ્થિરતા આપી હતી. તેમ છતાં આખા ભારતનાં કુલ નિવેશકોમાંથી ઈક્વિટી માર્કેટમાં નિવેશ કરતાં નિવેશકારો હજુ ૫ કરોડ કરતાં પણ ઓછાં છે. મ્યુચ્યુઅલ ફંડમાં ભારતની કુલ વસ્તીના ફક્ત ૨.૫% લોકો જ નિવેશીત છે. અમેરિકામાં આ આંકડો સૌથી ઊંચો છે જે ૪૬% નો છે. ચીનમાં ૪૪% અને જાપાન ત્રીજા ક્રમાંકે ૨૦% પર છે. જો હજુ બીજા એક દાયકા સુધી ભારતીય નિવેશકો આ પીઢતાથી નિવેશ કરતાં રહે; તો ભારતીય શેર બજાર આવનારા સમયમાં મક્કમતાથી વધી શકે.

શેરબજારમાં નિવેશનાં કેટલાંક સ્વાભાવિક જોખમો પણ છે જે નિવેશકોએ ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે;

૧) બજારનું મૂલ્ય અત્યારે વ્યાજબી છે પરંતુ કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ બજારોની વૃધ્ધિને માટે નડતરરૂપ બની શકે છે.

૨) દુનિયાના અન્ય દેશોમાં ફુગાવો ખૂબ વધી ગયો છે અને જો તે ભારતને પણ અસર કરે તો ભારતમાં વ્યાજદર વધી શકે અને રૂપિયાનું હજુ વધુ અવમૂલ્યન થઈ શકે.

૩) ભૌગોલિક-રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ

૪) ભવિષ્યમાં જો રાજકીય અસ્થિરતા સર્જાય તો તેને કારણે વર્તમાન નીતિઓમાં પરિવર્તન થઈ શકે છે.

ટૂંકમાં, ઈક્વિટી માર્કેટનો સ્વભાવ અસ્થિર છે અને ટૂંક ગાળા માટે અસ્થિર રહે છે; પણ લાંબા સમય માટે ભારતીય શેર બજાર સારી વૃધ્ધિ આપી શકે એમ છે.

હેપ્પી ઈન્વેસ્ટીંગ ..!

(લેખક– રાજેન્દ્ર ભાટિયા)

 (લેખક- ફાઇનાન્સિયલ પ્લાનર અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર છે)