નરેન્દ્રભાઈ, જન્મદિવસની શુભેચ્છા પણ દેશ બોલ્ડ નિર્ણયોની રાહ જૂએ છે….

ડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘બર્થ ડે’ હોય અને તે દિવસે તેમની આર્થિક નીતિઓ પર ચર્ચા કરીને તેમને આપણે જન્મદિવસની શુભેચ્છા આપીએ. હા પીએમ નરેન્દ્ર મોદી ખૂબ જ બોલ્ડ નિર્ણયો લેવા માટે અને કડક હાથે તેનું પાલન કરાવવા માટે ખૂબ આગ્રહી છે, અને તેનું પરિણામ પણ પોઝિટિવ આવે ત્યાં સુધી તેઓ સતત તેની સમીક્ષા કરે છે. આપણાં નરેન્દ્રભાઈ વિકાસ પુરુષ છે, તેમ કહીયે તો ખોટું નથી. પણ છેલ્લાં ત્રણેક મહિનાથી આર્થિક મોરચે ઉથલપાથલ થઈ ગઈ છે, જે પછી નરેન્દ્રભાઈ વિકાસ પુરુષ કહેવું થોડું વધારે પડતું લાગે છે. તેમની લોકપ્રિયતાનો પારો નીચે ઉતરી ગયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો મુદ્દો અને ડૉલર સામે રૂપિયો જે રીતે તૂટયો… નરેન્દ્રભાઈ સરકાર તરફથી કોઈ જ પગલાં લેવામાં કે સમીક્ષા કરવામાં આવી નથી. કેમ… ભાઈ, આવો સવાલ થાય તે સ્વાભાવિક છે. હાલ દેશમાં આ બે જ મુદ્દા હોટ ટોપિક પર છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે કેન્દ્રમાં કોંગ્રેસની મનમોહનસિંહની સરકાર હતી, ત્યારે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા, ત્યારે તત્કાલીન સીએમ નરેન્દ્રભાઈ મોદીએ મીડિયાને બાઈટ આપી હતી, તે હાલ વાઈરલ થઈને વ્હોટસઅપ પર ફરી રહી છે. બધાંએ સાંભળી જ હશે. જેમ કે નરેન્દ્રભાઈ તે વખતે એમ બોલ્યાં હતાં કે ‘કેન્દ્રનું પાપ અને રાજ્ય સરકારને કહે છે તમે ધોઈ નાંખો. રાજ્ય સરકાર ટેક્સ ઘટાડે…’ હાલમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ દિલ્હીની ગાદી પર બિરાજમાન છે, ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે. પણ મોદી સરકારના પેટનું પાણી હાલ્યું નથી. કોંગ્રેસ સહિતના 21 વિપક્ષોએ ભેગા મળીને ભારત બંધનું એલાન પણ આપી દીધુ. જો કે ભારત બંધ કોંગ્રેસે પળાવ્યો હતો, તેમ જોવા મળ્યું. ભારત બંધની કોઈ અસર થઈ નથી. એક બાજુ ભાવ વધારાનો માર અને બીજી તરફ વેપાર-ધંધા બંધ રાખીને નુકશાન કરવાનું, આમ પ્રજા હવે સમજી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધે કે મોંઘવારી વધે તો પ્રજા હવે તેટલુ કમાવાનું શીખી ગઈ છે. વિરોધ કરીને નુકશાન કરવા કરતાં કમાઈ લેવું સારુ. હવે પ્રજા જાગૃત થઈ છે અને કહે છે કે બંધના એલાનને કાયમ માટે જાકારો આપો. સુપ્રીમ કોર્ટ જ કાયદો બનાવે, ભારત બંધથી ઈકોનોમીને કરોડો અબજો રૂપિયાનું નુકશાન થાય છે.

નરેન્દ્રભાઈએ તેમના શાસનકાળ દરમિયાન અનેક વિકાસના કાર્યો કર્યા છે, તે તો આજે તેમના બર્થ ડેના દિવસે ન ભૂલવા જોઈએ. નોટબંધી કરી ને કાળાનાણાં મુદ્દે દેશની પ્રજાએ તેમને સાથ આપ્યો, પણ નોટબંધીમાં તેઓ અશંતઃ વિફળ રહ્યાં છે. તેમ છતાં કેટલેક અંશે સફળતા મળી છે. આતંકવાદીઓથી માંડીને ઘરમાં રોકડ રકમ રાખતા લોકોએ બેંકમાં નાણાં જમા કરાવી દીધા છે, તે ખૂબ મોટી સફળતા છે. ઘરમાં જંગી રોકડ રકમ બેંકમાં આવી, અને તે ઈકોનોમીમાં ફરતી થઈ ગઈ, તેનો આર્થિક લાભ લાંબાગાળે મળશે.

જીએસટીનો અમલ કરાવીને તેમણે ઐતિહાસિક કદમ માંડ્યા અને ભારતને વૈશ્વિક સ્તરે લાવીને મૂકી દીધો છે. જીએસટીના અમલીકરણમાં ખૂબ મુશ્કેલીઓ પડી, પણ અંતે સફળતા મળી દેશના કરવેરાની આવકમાં અનેકગણો વધારો થયો છે. સરકારની તિજોરી જીએસટીથી છલકાઈ છે.

નરેન્દ્રભાઈએ આર્થિક વિકાસ માટે અનેક યોજનાઓ નવા સ્વરૂપ સાથે રજૂ કરી, તેના ફળ હવે પછીના પાંચ વર્ષમાં મળશે. બોગસ કંપનીઓ પર લગામ કસી, એલપીજી સીલીન્ડરની સબસીડી ગ્રાહકના ખાતામાં સીધી ટ્રાન્સફર કરાવી તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકયો છે અને હા કેટલાય ધનવાનોએ(કરોડોપતિઓ) સ્વેચ્છાએ સબસીડી જતી કરી. અત્યાર સુધી ધનવાનો સબસીડીનો લાભ લેતા હતા. પીએમએ અપીલ કરી અને ધનવાનો સ્વેચ્છાએ સબસીડી જતી કરવા આગળ આવ્યાં, સરકારના કરોડો રૂપિયા બચ્યાં છે. આવું જ રેલવેમાં પણ સીનીયર સીટીઝનને મળતો ડિસ્કાઉન્ટનો લાભ જતો કરવાનું ઓપ્શન અપાયું છે. કરોડોપતિઓ સ્વેચ્છાએ દેશ માટે આ લાભ જતો કરી રહ્યાં છે.

ખેડૂતોની આવક બમણી કરવાની યોજના, બેરોજગારો માટેની યોજના, જનધન એકાઉન્ટની યોજના, પેન્શન પ્લાન, દરેક વ્યક્તિને ઘરનું ઘર હોય, જેવી અનેક યોજનાઓ છે, જેનો સીધો લાભ હવે દરેક યુઝર્સ સુધી પહોંચતો થયો છે. તેની સાથે સાથે દેશમાં હાઈવેઝ નિર્માણનું કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. સ્વચ્છતા ઝૂંબેશ ટોપ પર છે. મેક ઈન ઈન્ડિયાનો કન્સેપ્ટ અને નયા ભારતનો વિચાર નરેન્દ્રભાઈને આવ્યો અને તેમણે અમલમાં મુકી દીધો છે. સ્ટાર્ટઅપ શરૂ કરાવ્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલુ છે. વિદેશ નીતિને કારણે ચારેય બાજુ નરેન્દ્રભાઈએ વાહવાહી મેળવી છે. દરેક દેશ ભારતના વખાણ કરે છે. ભારત સોને કી ચીડિયાનું માર્કેટિંગ કરી રહ્યાં છે નરેન્દ્રભાઈ… જેના કારણે પ્રવાસન ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. આવા તો અનેક પાસા છે જે નરેન્દ્રભાઈ માટે ગૌરવસમાન છે. અને એક ગુજરાતી વડાપ્રધાન તે આપણાં માટે પણ ગૌરવપૂર્ણ છે.

આ તો આપણે પોઝિટિવ પોઝિટિવ વાતો કરી. પણ છેલ્લાં બે ત્રણ મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઐતિહાસિક વધારો થયો છે. ડૉલર સામે ભારતીય રૂપિયાએ ઐતિહાસિક ગોથ લગાવી છે. અને ફોરેક્સ રીઝર્વ પણ ઘટીને 400 અબજ ડૉલરની નીચે ઉતરી ગયું છે. જેને કારણે વિપક્ષોએ હંગામો મચાવ્યો છે. મોદી સરકારની આકરી ઝાટકણી કાઢીને રોષ ઠાલવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તે માટે સરકાર ટેક્સ ઘટાડે તેવી માંગ કરાઈ રહી છે. એકતરફ પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજુ રૂપિયાને તૂટતો અટકાવવા આરબીઆઈએ ઈન્ટરવેન્શન કરવું જોઈએ. જો કે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અને રૂપિયાની નબળાઈ માટે વૈશ્વિક કારણો જવાબદાર છે. તેને કારણે વિશ્વના અન્ય દેશો પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યાં છે. સાથે અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વૉરને કારણે તમામ દેશોની કરન્સી તૂટી છે, સામે અમેરિકન ડૉલર મજબૂત થયો છે. જે હોય તે પણ ભાવ વધારો અસહ્ય છે, ભારતીય પ્રજા સહન કરી શકે તેટલો જ નથી. પણ કોણજાણે લોકો બિન્દાસ્ત પેટ્રોલ-ડીઝલ ભરાવે છે અને વાપરે છે. કોઈને મોંઘવારી નડી નથી. રોડ પર ફરતી ગાડીઓ જુઓ… ખબર પડી જશે. ગાડીમાં ફરનારો કોઈ સાયકલ પર નીકળ્યો નથી. પણ બોજો પડ્યો છે, તે 100 ટકા સ્વીકારવો જ રહ્યો છે.

2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, વિપક્ષોમાં એકતા નથી. નરેન્દ્રભાઈને બર્થ ડેની શુભેચ્છા આપીને તેમને આપણે સૂઝાવ આપીએ કે પેટ્રોલ-ડીઝલના ભાવ અને રૂપિયો મજબૂત બને તે માટે બોલ્ડ નિર્ણયો લેવાનો સમય પાકી ગયો છે. દેશ તમારી પાસે ખુબ અપેક્ષા રાખીને બેઠો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે મોંઘવારીને સીધો સંબધ છે, માટે સૌથી પહેલાં આર્થિક નુકશાન થાય કે જીડીપી ગ્રોથ ઘટે તે પહેલા અથવા તો ઈકોનોમીની સાયકલ વિખેરાય નહી તે માટે ઝડપથી કોઈ નિર્ણય લઈને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તે માટે આર્થિક નિષ્ણાતો સાથે ચર્ચા કરીને બોલ્ડ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. રૂપિયો પણ મજબૂત થાય તે દિશામાં આરબીઆઈ કામ કરે, વિદેશી રોકાણ વધુને વધુ આવે તેવી આકર્ષક યોજનાઓ લાવવાના બોલ્ડ નિર્ણયો લેવાનો સમય પાકી ગયો છે.

નરેન્દ્રભાઈનેં જન્મ દિવસની ચિત્રલેખા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]