આજથી RSSનો ત્રણ દિવસનો કાર્યક્રમ, 40 પક્ષોને નિમંત્રણ, રાહુલ ગાંધીને નહીં

0
2194

નવી દિલ્હી- રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની (RSS) ત્રણ દિવસની વ્યાખ્યાનમાલા આજથી નવી દિલ્હી ખાતે શરુ થઈ રહી છે. જેના કેન્દ્રમાં હિન્દુત્વનો એજન્ડા હશે. જો કે, આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના ટોચના નેતાઓના જોડાવાની શક્યતા ઓછી છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે, ત્રણેય દિવસ RSSના વડા મોહન ભાગવત દ્વારા રાષ્ટ્રીય મહત્વના વિવિધ સમકાલીન વિષયો પર સંઘના વિચાર રજૂ કરવામાં આવશે.કાર્યક્રમનું શીર્ષક ‘ભવિષ્યનું ભારત: RSSનો દ્રષ્ટિકોણ’ રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અનેક ગણમાન્ય લોકો હાજરી આપશે. જેમાં ધાર્મિક નેતાઓ, ફિલ્મ સ્ટાર્સ, ખેલ જગતની હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના રાજદ્વારીઓ હાજરી આપશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, CPMના મહાસચિવ સીતારામ યેચુરી અને સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ સમારોહમાં હાજર રહેશે નહીં.

મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં અંદાજે 750 જેટલા મહેમાન આવશે. જેમાંથી લગભગ 90 ટકા લોકો સંઘની પૃષ્ઠભૂમિથી પરિચિત નથી. પ્રથમ બે દિવસ RSSના વડા મોહન ભાગવત કાર્યક્રમને સંબોધન કરશે, જ્યારે ત્રીજા અને છેલ્લા દિવસે તેઓ જનતાના સવાલોના જવાબ આપશે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, RSSની સ્થાપના 1925માં કરવામાં આવી હતી, અને તે સત્તાધારી પક્ષ BJPની વિચારધારાનો સ્ત્રોત છે. વધુમાં સુરજેવાલાએ કહ્યું કે, RSSના ઘૃણાસ્પદ એજન્ડાથી સૌ કોઈ વાકેફ છે. RSSના પ્રવક્તાએ કહ્યું કે, RSSનો પરિચય જાણ્યા વગર જ તેની આલોચના કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિપક્ષ દ્વારા.

RSS પ્રવક્તાએ જણાવ્યું કે, સમાજના એક મોટા વર્ગમાં RSSને સમજવાની ઉત્કંઠા વધી રહી છે. જેમાં બુદ્ધિજીવી અને યુવાવર્ગનો પણ સમાવેશ થાય છે. તેઓ વિવિધ મુદ્દે RSSનો દ્રષ્ટિકોણ જાણવા અને સમજવા ઈચ્છે છે.