પૂર્વ મોડેલ અને અભિનેતા દિનો મોરિયોનો આજે ૪૫મો જન્મ દિન છે. ૯ ડિસેમ્બર, ૧૯૭૫ના રોજ બેંગલોરમાં તેમનો જન્મ થયો હતો.
દિનો મોરિયો ઇટાલીયન પિતા અને કેરળના ભારતીય માતાના સંતાન છે. નિકોલો તેમના મોટા ભાઈ અને સેન્ટીનો તેમના નાના ભાઈ છે. કેરળથી એ બેંગલુરૂ આવીને વસ્યા. શરૂઆતમાં અહીં મિલીટરી સ્કૂલમાં ભણીને સેન્ટ જોસેફ્સ કોલેજમાં ગ્રેજ્યુએટ થયા. એ પછી ફેશન મોડેલ બન્યાં અને એક ફેશન કંપનીના મોડેલિંગ દરમિયાન જ તેમને પહેલી ફિલ્મની ઓફર મળી હતી.
સૌથી પહેલાં તેમણે ટીવી શ્રેણી ‘કેપ્ટન વ્યોમ’માં ‘સૈનિક’ની ભૂમિકા કરી હતી. એ પછી ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’માં રિંકી ખન્ના સાથે અભિનેતા તરીકે શરૂઆત કરી. રાજીવ મેનનની તમિલ ફિલ્મ ‘કાંડું કોન્ડેન કાંડું કોન્ડેન’માં તેમને બ્રેક-થ્રુ ભૂમિકા મળી હતી. ૨૦૦૨ની સફળ ફિલ્મ ‘રાઝ’ અને થ્રીલર ‘ગુનાહ’થી એ વધારે જાણીતા થયા. આ ઉપરાંત ‘બાઝ- એ બર્ડ ઇન ડેન્જર’, ‘શશશશ..’, ‘રક્ત’ કે ‘એસિડ ફેક્ટરી’માં પણ તેમણે અભિનય કર્યો હતો. ૨૦૧૦ની ‘ખતરોં કે ખિલાડી’ રિયાલીટી શોમાં સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો.
‘રાઝ’ની તેમની નાયિકા બનેલી બિપાશા બસુ સાથે તેમના ૧૯૯૬થી ૨૦૦૨ સુધી નીકટના સંબંધ રહ્યા હતા. આ બંને કલાકારોને તે ફિલ્મ માટે ડાયનેમિક ડ્યુઓનો ઝી સિને એવોર્ડ પણ મળ્યો હતો.
(નરેશ કાપડીઆ-સુરત)