અભિનયમાં દાદા અશોક કુમાર

દાદામુની અશોક કુમારને આ જગત છોડીને ગયાને ૧૫ વર્ષ થયા. ૧૦ ડીસેમ્બર, ૨૦૦૧ના રોજ ૯૦ વર્ષે એમણે આ જગતમાંથી વિદાય લીધી. એમનું મૂળ નામ કુમુદલાલ ગાંગુલી હતું. દેશના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના તેઓ એક એવા અશોક કુમારને સિનેમામાં પ્રદાન માટે ૧૯૮૮માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી અને ૧૯૯૯માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા.

૧૩ ઓક્ટોબર, ૧૯૧૧ના રોજ ભાગલપુરમાં વકીલ કુંજલાલને ત્યાં કુમુદલાલ ગાંગુલી રૂપે તેમનો જન્મ થયો હતો. ફિલ્મોમાં આવતા પહેલાં અશોક કુમારના શોભનાજી સાથે લગ્ન થઇ ગયા હતા. મોટા સ્ટાર હોવા છતાં તેઓ મધ્યમ વર્ગની જેમ જ જીવ્યા.

દાદામુની એટલે પ્રેમાળ મોટા ભાઈ. સાળા શશધર મુખર્જી બોમ્બે ટોકીઝમાં ખાસ્સા વરિષ્ઠ હતા. ત્રીસીના દાયકામાં અશોકજી બોમ્બે ટોકીઝના લેબ આસીસ્ટન્ટ બન્યા ત્યારે સ્ટુડીઓના માલિક હિમાંશુ રાય પત્ની દેવિકારાણીને લઇ ‘જીવન નૈયા’ (૧૯૩૬) બનાવતા હતા. હીરો તરીકે કુમુદ કુમારને લીધા. રિવાજ મુજબ તેમને અશોક કુમાર નામ અપાયું. અશોકજી ત્યારે ઈચ્છા વિરુદ્ધ અભિનેતા બન્યા હતા.

એ પછી દેવિકા રાણી સાથેની બીજી ફિલ્મ ‘અછૂત કન્યા’ હીટ ગઇ. હવે અશોક કુમાર અને દેવિકા રાણી સૌથી જાણીતી સ્ટાર જોડી બની હતી. બીજા વરિષ્ઠ અભિનેત્રી લીલા ચીટનીસ સાથે ‘કંગન’, ‘બંધન’, ‘આઝાદ’ અને ‘ઝૂલા’ પણ જબ્બર સફળ થઇ. જ્ઞાન મુખર્જીએ ‘કિસ્મત’ (૧૯૪૩) બનાવી, જેમાં અશોક કુમાર એન્ટી હીરો હતા. જયારે ટીકીટના દર અમુક પૈસા હતા ત્યારે એક કરોડની આવક કરનારી ‘કિસ્મત’ પહેલી હિન્દી ફિલ્મ બની, જેણે તમામ રેકોર્ડ્ઝ તોડ્યા. અશોક કુમાર દેશના પહેલા સુપર સ્ટાર હતા.

પચાસના દાયકામાં રાજ-દિલીપ-દેવ આવ્યા છતાં અશોક કુમારની ‘અફસાના’, ‘નૌબહાર’, ‘પરિણીતા’, ‘બંદિશ’ કે ‘એક હી રાસ્તા’ સફળ થતી રહી. દિલીપ કુમાર સાથેની ‘દીદાર’ ખૂબ સફળ થઇ. મીના કુમારી અને તેમની ચહિતી નલીની જયવંત સાથે ઘણી ફિલ્મો કરી. સાંઇઠના દાયકામાં ચરિત્ર અભિનેતા બન્યા, ‘કાનૂન’, ‘બંદિની’, ‘ચિત્રલેખા’, ‘જવાબ’ અને ‘વિક્ટોરિયા ૨૦૩’ જેવી ફિલ્મો યાદગાર રહી.

૧૦ ડીસેમ્બર, ૨૦૦૧ ના રોજ ૯૦ વર્ષની ઉંમરે ચેમ્બુરના નિવાસે હૃદય રોગથી તેમનું નિધન થયું ત્યારે એક યુગ પુરો થઇ ગયો.

(નરેશ કાપડીઆ-સુરત)