કોમેડિયન પેન્ટલ ડાન્સ માસ્ટર બન્યા

બોલિવૂડમાં પેન્ટલ આમ તો એક કોમેડિયન તરીકે લોકપ્રિય રહ્યા છે પણ ‘મેરે અપને’ કે ‘રફુચક્કર’ જેવી ફિલ્મો પરથી ખ્યાલ આવશે કે એમની ભૂમિકાઓમાં ઘણું વૈવિધ્ય જોવા મળ્યું છે. મૂળ નામ કંવરજીત પેન્ટલ પણ અભિનયમાં આવ્યા ત્યારે એ નામ લાંબું લાગતું હતું. એને ટૂંકું કરવા નામ કાઢીને માત્ર અટક ‘પેન્ટલ’ને જ નામ બનાવ્યું. પેન્ટલ જેવું નાનું નામ લોકોમાં ઉત્સુક્તા જગાવે એવું હતું. પેન્ટલને બાળપણથી જ અભિનયનો શોખ હતો. યુવાન થયા ત્યારે પિતા જેમને ત્યાં કેમેરામેન તરીકે કામ કરતા હતા એ નિર્માતા પંચોલીએ અભિનય પ્રત્યેની લગન જોઇને ફિલ્મ સંસ્થામાં તાલીમ લેવા સૂચન કર્યું. પેન્ટલે અરજી કરી અને એમનાથી રોશન તનેજા એવા પ્રભાવિત થયા કે પસંદ થઇ ગયા.

અભિનયના કોર્સ દરમ્યાન સંસ્થા દ્વારા ‘સપનોં કા સૌદાગર’ (૧૯૬૮) ના નિર્દેશક મહેશ કૌલના નિર્દેશનમાં ફિલ્મ ‘રાખી રાખી’ બનાવવામાં આવી. એમાં પેન્ટલે સૌપ્રથમ અભિનય કર્યો હતો. એ વ્યવસાયિક રીતે રજૂ થઇ ન હતી. પેન્ટલની રજૂ થયેલી પહેલી વ્યવસાયિક ફિલ્મ ‘ઉમંગ’ (૧૯૭૧) હતી. એ પેન્ટલના નસીબમાં હતી. એનો કિસ્સો એવો છે કે ફિલ્મ સંસ્થામાં એમની પરીક્ષા લેવા આવેલા નિર્દેશક આત્મા રામ બધાંથી પ્રભાવિત થયા હતા. તે જતાં જતાં કહી ગયા હતા કે એક ફિલ્મ બનાવવાના છે અને કોર્સ પૂરો થયા પછી મને મળજો. કોર્સ પૂરો થયા પછી બધાં મિત્રો કામ માટે સાથે જ એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોમાં ભટકતા હતા. સંઘર્ષ ચાલુ હતો ત્યારે એક દિવસ અંધેરીમાં બધાં ભેગા થયા. એક મિત્રએ કહ્યું કે આત્મા રામ એક ફિલ્મ શરૂ કરી રહ્યા છે. એમને મળી આવીએ.

પેન્ટલને બીજે ક્યાંક વાત થઇ હતી એટલે ના પાડી અને ટ્રેનમાં બેસી ગયા. જેવી ટ્રેન ઉપડી કે વિચાર બદલાયો અને ચાલતી ટ્રેનમાંથી કૂદી જઇને મિત્રોની પાછળ પાછળ આત્મા રામ પાસે પહોંચી ગયા. આત્મા રામે કહ્યું કે હું નવા યુવા કલાકારો સાથે ફિલ્મ ‘ઉમંગ’ બનાવવા માંગું છું. જેમને ડાન્સ આવડતો હોય એમને તક મળશે. પેન્ટલ પોતાને સારા ડાન્સર માનતા હતા એટલે ઓડિશન માટે તૈયાર થઇ ગયા. પહેલા ઓડિશનમાં પેન્ટલનો ડાન્સ જોઇ આત્મા રામ એટલા ખુશ થઇ ગયા કે બીજા ઓડિશનમાં પોતાની પાસે બેસાડી અન્ય કલાકારોના ડાન્સના ઓડિશન લેવામાં મદદ કરવા કહ્યું. આત્મા રામે પેન્ટલની કારકિર્દીને વેગ આપવામાં મદદ કરી હતી.

‘ઉમંગ’ પછી આત્મારામને જીતેન્દ્ર-રાખીની ‘યાર મેરા’ (૧૯૭૨) મળી એમાં પણ પેન્ટલને એક ભૂમિકા આપી. એમના ભાગીદાર નિર્માતા એફ.સી. મહેરાની ‘લાલ પત્થર’ (૧૯૭૧) માં રાજકુમારના નોકરની ભૂમિકા અપાવી. પેન્ટલે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હીરો કે વિલન નહીં પણ કોમેડિયન બનવું છે. અને એ રસ્તે જ તે ચાલ્યા. એ સાથે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘બાવર્ચી’ (૧૯૭૨) માં ડાન્સ માસ્ટરની ભૂમિકા બહુ સારી રીતે ભજવી બતાવી. તો રિશી કપૂર સાથે ‘રફુચક્કર’ (૧૯૭૫) માં છોકરી બનીને કામ કર્યું. પેન્ટલે કોમેડિયન તરીકે ફિલ્મોમાં વધુ કામ કર્યું હોવા છતાં ‘મહાભારત’ સિરિયલમાં ‘શિખંડી’ ની ભૂમિકામાં પ્રાણ પૂરી દીધા હતા.