હવે મોદી સામે કેજરીવાલ?

પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી જબરદસ્ત સફળતા પછી અરવિંદ કેજરીવાલને હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના મુખ્ય હરીફ તરીકે જોવાઇ રહ્યા છે. રાજકીય પંડિતો ભાખી રહ્યા છે કે કોંગ્રેસની ગેરહાજરીમાં હવે આમ આદમી પાર્ટી એક જ વિકલ્પ છે, જે ભાજપને ટક્કર આપી શકે એમ છે. અલબત્ત, થોડા મહિના પહેલાં પશ્ચિમ બંગાળમાં મમતાદીદીના વિજય પછી આ જ પંડિતો દીદી એ મોદીનો વિકલ્પ બની શકે એવી આગાહી કરવામાં લાગી ગયા હતા!

વેલ, ભાજપનો રાષ્ટ્રીય વિકલ્પ બનવા માટે આમ આદમી પાર્ટીએ હજુ લાંબી મજલ કાપવાની છે, પણ હા, એટલું નક્કી છે કે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીના રાજકારણને એમની જ ભાષામાં પડકારવાની કોઇનામાં ક્ષમતા હોય તો એ ફક્ત અરવિંદ કેજરીવાલમાં જ છે.

અહીં, મોદી અને કેજરીવાલની સરખામણી કરવાનો આશય નથી કે એ યોગ્ય પણ નથી. આમ છતાં તમે જૂઓ કે, એમની રાજકીય રણનીતિઓ ઘણી મળતી આવશે. બન્ને વ્યક્તિગત રીતે લોકપ્રિય છે. બન્ને પક્ષ પર એકહથ્થુ વર્ચસ ધરાવે છે. બન્ને લોકો સાથે સીધો સંપર્ક કરવામાં માને છે. બન્નેની વ્યક્તિગત ઇમેજ દાગવિહોણી છે. બન્ને નેતાઓને પક્ષની જરૂર છે એના કરતાં પક્ષને એમની વધારે જરૂર છે. બન્નેની પક્ષમાં લાર્જર ધેન લાઇફ ઇમેજ બની ચૂકી છે. બન્ને મતદારોની માનસિકતા સારી રીતે સમજી શકે છે અને એના આધારે જ પોતાની રણનીતિ નક્કી કરે છે. અરવિંદ કેજરીવાલ પાસે નરેન્દ્ર મોદી જેવી વક્તૃત્વ ક્ષમતા નથી, પણ એ પોતાના ઓડિયન્સને ગળે ઉતરી જાય એ રીતે આમ આદમી બનીને વાત કરવામાં માહેર છે. તમે જોજો. બન્ને નેતાઓ પોતાની પબ્લિક ઇમેજની બાબતમાં ખૂબ સભાન છે. નરેન્દ્ર મોદી પોતાની સ્ટેટસમેન ઇમેજ જાળવી રાખે એવું એમનું જાહેરમાં એપિરિયન્સ હોય છે તો અરવિંદ કેજરીવાલ સાદા પેન્ટ-શર્ટમાં જ દેખાય છે અને એ રીતે પોતાની આમ આદમી તરીકેની ઇમેજને મજબૂત બનાવે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગની આશા-અપેક્ષા-આકાંક્ષાની પ્રતીક તરીકે પોતાને ઉપસાવવામાં આ બન્ને નેતાઓ સફળ રહ્યા છે.

વિરોધી મતબેંકમાં ગાબડું પાડવું કે પોતાની મતબેંક સાચવવી એ બન્નેને સારી રીતે આવડે છે. દિલ્હીમાં વડીલોને અયોધ્યાની મફતમાં યાત્રા કરાવવી કે દિલ્હીની શિક્ષણ મોડેલને પ્રમોટ કરવું, કેજરીવાલની આ રણનીતિ મોદીની રણનીતિને ઘણી મળતી આવે છે.કોંગ્રેસની જેમ લઘુમતી તૃષ્ટિકરણની છાપ ઉપસાવ્યા વિના એને સોફ્ટ હિન્દુત્વ રમતા આવડે છે. આવા મુદ્દાથી એ દૂર રહીને આમ આદમીના વીજળી-પાણી-રોજગાર જેવા મુદ્દાઓ પર રાજનીતિ કરી શકે છે.

આટલું જ નહીં, સોશિયલ મિડીયાના વર્તમાન સમયમાં કોઇ બાબતે જનતાને મેસેજ આપવો હોય તે કેવી રીતે અપાય એ પણ આ બન્ને નેતાઓના સારી રીતે આવડે છે. નરેન્દ્ર મોદી તો આ બાબતમાં પાવરધા છે, પણ કેજરીવાલ ય કાંઇ ગાંજ્યા જાય એવા નથી. પંજાબની જીત પછી કેજરીવાલની સ્પીચ જોઇ હશે એમને ખ્યાલ આવશે. એ સારી રીતે જાણતા હતા કે અત્યારે દેશ આખો એમને જોઇ રહ્યો છે એટલે એમણે પંજાબની જીતને ઇન્કિલાબ ગણાવીને દેશભરના બેરોજગાર યુવાનો, કિસાનો, મહિલાઓને આમ આદમી બનીને પોતાની સાથે જોડાવાનું આહવાન કર્યું. ચરણજીત ચન્ની સામે જીતનાર યુવાન મોબાઇલ રિપેર કરનાર આમ આદમી છે એવું કહેવાનું ય એ ન ચૂક્યા. સોશિયલ મિડીયા અને મેઇનસ્ટ્રીમ મિડિયાનો ઉપયોગ કરતાં નરેન્દ્ર મોદી પછી બીજા કોઇ નેતાને સૌથી વધુ આવડતું હોય તો એ અરવિંદ કેજરીવાલ છે.

નરેન્દ્ર મોદી વારાણસીમાં ગંગાસ્નાન કરીને કે યોગી આદિત્યનાથના ખભે હાથ મૂકીને એ તસવીરો દ્વારા મેસેજ આપી શકે છે એમ કેજરીવાલ પણ અમુક પ્રતીકાત્મક પગલાંઓથી મેસેજ આપી શકે છે. ભગવંત માનની શપથવિધિ ચંદીગઢના રાજભવનમાં કે જાહેર મેદાનમાં કરવાના બદલે શહીદ ભગતસિંહના પૈતૃક ગામમાં જઇને કરવાનો નિર્ણય એની સાબિતી છે. આમ કરીને કેજરીવાલે ભાજપના રાષ્ટ્રવાદના ભાથામાંથી ભગતસિંહ નામનું તીર એકઝાટકે આંચકી લીધું છે.

(કેતન ત્રિવેદી)