કાશ્મીરઃ એટલું સત્ય છે કે લોકોને જૂઠાણું લાગે!

ભારતીય સિને જગતમાં કોઈ ફિલ્મને નહિવત પ્રમોશન છતાં ખોબલે ખોબલે પ્રશંસા મળી હોય એવું કદાચ ભાગ્યે જ બન્યું હશે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને જે રીતે દર્શકોએ વધાવી લીધી છે એ ખરેખર અપવાદ (exception) કહી શકાય.

વાત કરીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની.

ધરતી પરના સ્વર્ગને નર્કમાં પરિવર્તિત કરતી ઘટનાઓ વિશે આજ સુધી ક્યારેય કોઈએ ધ્યાન આપવાની પરવા કરી નહોતી. ફિલ્મની પ્રચંડ સફળતાનું સૌથી પહેલું કારણ એ કે એક સામાન્ય ભારતીયને ખબર જ નથી કે કાશ્મીરમાં 1990 માં અને એ પછી શું-શું બન્યું હતું! ફિલ્મનો એક ડાયલોગ છે: કાશ્મીર કા સચ ઇતના સચ હૈ કે લોગો કો જૂઠ લગતા હૈ!

શું આ એક શ્રેષ્ઠ ફિલ્મ છે? ના.

શું આ એક મહત્વની ફિલ્મ છે? હા.

શું આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલી તમામ સત્ય ઘટનાઓ છે? એક હજાર વાર હા!

સીધી બાત, નો બકવાસ. ફિલ્મની શરૂઆત જ 19 જાન્યુઆરી 1990થી થાય છે. ફિલ્મમાં કાશ્મીરના બહુમતી સમુદાયની ભારત, ભારતીયો, બિનમુસ્લિમો પ્રત્યે હાડોહાડ ધૃણા દર્શાવવામાં આવી છે જે લેશમાત્ર પણ જુઠાણું નથી. ફિલ્મના સારા-ખરાબ તમામ કાશ્મીરી પાત્રો કોઈ સાચા કાશ્મીરીઓ પરથી પ્રેરિત છે. અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને ભાષા સુબલીનું પ્રશંસનીય પર્ફોમન્સ તેમના પાત્રોને વધુ અસરકારક બનાવે છે.

અનુપમ ખેરનું પાત્ર પુષ્કરનાથ પંડિત ‘આર્ટિકલ 370 હટાઓ’ની માંગણી કરે છે તે તેમના આખા સમુદાયનું પ્રતિનિધિત્વ છે. એ માગણી નહોતી, તેમની પોતાના વતન પાછા ફરવાની એકમાત્ર આશા હતી. ફિલ્મમાં રેફ્યુજી કેમ્પના દ્રશ્યો ઘણા ઓછા પણ અંદરથી હચમચાવી મૂકે તેવા છે. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી અને તેમની ટીમ દ્વારા દેશ-દુનિયામાં પથરાયેલા 700 કરતાં વધુ કાશ્મીરી પંડિતોના ઇંટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાં આજે પણ રેફ્યુજી કેમ્પમાં વસતા સેંકડો લોકો પણ સામેલ હતા. આવા દ્રશ્યો થોડા વધુ હોત તો રાતોરાત વતન છોડ્યા પછી પંડિતોની શું સ્થિતિ હતી એનો દર્શકોને ચિતાર મળી શક્યો હોત.

આ જેનોસાઈડમાં જેમનો ભોગ લેવાયો તેમની સાથે તો અકલ્પનીય અમાનુષી વર્તન થયું જ હતું, પણ જેમણે જીવ ન ગુમાવ્યો અને નિરાધાર જીવન જીવતા રહ્યા/ જીવી રહ્યા છે એમનો વિશેષ ઉલ્લેખ કરવો જ રહ્યો.

આપણા સૌ પર ઈશ્વરના આશીર્વાદ છે કે આપણે એ જીવન નથી જોયું જે કાશ્મીરી પંડિતોએ જોયું છે. પણ દુર્ભાગ્યવશ આપણે સૌ ક્યાંકને ક્યાંક ‘રાધિકા મેનન’ અને ‘ક્રિષ્ના પંડિત’ છીએ.

ભારત ‘સોને કી ચિડિયા’ હતું એ ટર્મનો આપણે ઘણી વાર ઉપયોગ કરીએ છીએ પણ શું કામ હતું એ ઊંડાણપૂર્વક આપણે ક્યારેય જાણ્યું જ નથી, કારણકે જણાવવામાં આવ્યું જ નથી. અને આજે ‘સોને કી ચિડિયા’ શું કામ નથી એ પણ ઇતિહાસના કોઈ પુસ્તકમાં ભણાવવામાં નથી આવતું. રાધિકા મેનન એ આ દેશની દરેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં ક્યાંકને ક્યાંક જોવા મળતી એવી પ્રાધ્યાપક છે જે સફળતાપૂર્વક તેના વિદ્યાર્થીઓને ફોસલાવી શકે છે કે ‘ભારત તેરે ટુકડે હોંગે’ એ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે! અને ક્રિષ્ના પંડિત તો ભારતનાં લાખો યુવાનોનું પ્રતિબિંબ છે. એ યુવાન જેને હંમેશા સત્યથી વંચિત રાખવામાં આવ્યો છે. ‘1990માં સોશિયલ મીડિયા નહોતું, તો પછી 1984ના ભોપાલ ગેસકાંડ વિશે લોકો કેવી રીતે જાણે છે?’ એક કાશ્મીરી  નવયુવકનો આ માન્ય પ્રશ્ન બહુ યથાયોગ્ય રીતે ફિલ્મમાં દર્શાવાયો છે.

કાશ્મીરી પંડિતોની હકીકત વિશે આપણે એટલી હદે અજાણ હતા કે વિધુ વિનોદ ચોપરાએ તેની કાશ્મીર બેકગ્રાઉન્ડ પર બનેલી એક લવ-સ્ટોરી ‘શિકારા’નો કાશ્મીરી પંડિતોના નામે ભરપૂર પ્રચાર કર્યો. શિકારા ‘Love Letters from Kashmir’ સબટાઈટલ સાથે લોન્ચ કરવામાં આવી હતી જે રાતોરાત ‘The Untold Story of Kashmiri Pandits’ કરી નાખવામાં આવ્યું! શિકારામાં ચોપરાના સહલેખક રાહુલ પંડિતા સ્વયં 1990 કાશ્મીર જેનોસાઈડના પીડિત છે. તેમણે પારાવાર પ્રામાણિકતા સાથે ‘Our Moon has Blood Clots’ પુસ્તક લખીને ભારતનાં લોકોને કાશ્મીરી પંડિતોની પરિસ્થિતિનો પરિચય કરાવવા એક સફળ પ્રયત્ન કર્યો છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં દર્શાવવામાં આવેલા દરેક દ્રશ્ય અને તે સિવાય પણ બનેલી અનેક કમકમાટી છૂટી જાય તેવી સત્ય-ઘટનાઓ વિશે લખ્યું છે. આ પુસ્તકમાં રાહુલ પંડિતાએ કાશ્મીરમાં જ્ઞાનના પ્રવાહનો ઇતિહાસ, તેરમી સદી બાદ માન્યમાં ન આવે એ બળજબરીપૂર્વક ધર્માંતર, સ્વતંત્રતા સમયે કાશ્મીરી પડિતોની કફોડી પરિસ્થિતિ અને સૌથી નજીકના ભૂતકાળમાં થયેલો નરસંહાર- તમામનું વિસ્તારપૂર્વક અને રસપ્રદ વર્ણન કર્યું છે. પણ અફસોસ, બોલિવૂડમાં પ્રવેશતા જ એ બધું જ બાષ્પીભવન થઈ ગયું. એ ફિલ્મમાં રેફ્યુજી કેમ્પમાં સસ્મિત ફરતી નાયિકાનું એવું પાત્રાલેખન કરવામાં આવ્યું જાણે જમ્મુની ગરમીમાં રેફ્યુજી કેમ્પમાં શારીરિક અને માનસિક સંતુલન ગુમાવનાર હજારો પંડિતોની ઠેકડી ઉડાડવામાં આવી હોય!

કાશ્મીરમાં આતંકવાદના પ્રચાર-પ્રસાર બદલ અમેરિકાને જવાબદાર દર્શાવવામાં આવ્યું. 32 વર્ષથી જે વાતનો જાહેરમાં ક્યારેય ઉલ્લેખ નથી થયો એ સત્ય એવું હતું કે પંડિતોના પોતાના જ મિત્રો, પાડોશીઓએ, પરિચિતો, પોતીકાઓએ પણ તેમના નરસંહારમાં યોગદાન આપ્યું હતું.

ફિલ્મો બનાવતી વખતે લેખક-દિગ્દર્શકને પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા હોય જ, નિઃશંકપણે. પણ ક્રિએટિવ ફ્રીડમના નામે કોઈ સમુદાયની ટ્રેજેડી રોમેન્ટિસાઇઝ કરવી, તેના ગુનેગારોના જઘન્ય અપરાધોને જસ્ટિફાય કરવા એ કેટલે અંશે યોગ્ય કહેવાય?

જે લોકો આ ફિલ્મ દ્વારા કાશ્મીર નરસંહાર વિશે પ્રથમ વખત માહિતગાર થઈ રહ્યા છે તેમના માટે એ જાણવું જરૂરી છે કે 170 મિનિટની ફિલ્મ એ કાશ્મીરી પંડિતો પર થયેલા દમણની ઝાંખી માત્ર છે.
વાસ્તવિકતા ફિલ્મ કરતાં અનેકગણી વરવી હતી, દમનકારી હતી, અમાનુષી હતી, લોહિયાળ હતી. કાશ્મીર ફાઇલ્સ હિટ થવાનું મુખ્ય કારણ એ ફિલ્મનું સર્વ પ્રથમ વાર જમ્મુમાં સ્ક્રિનિંગ થયું ત્યારે સિલ્વર સ્ક્રીન પર પોતાની ટ્રેજેડી જોઈને ચોધાર આંસુએ રડી પડેલા કાશ્મીરી પંડિતો પોતે જ હતા. પીડિતો ક્યારેય પેઇડ આંસુ ન વહાવી શકે. હજારો પંડિતોએ પુષ્ટિ કરી છે કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓ શતપ્રતિશત સાચી છે. બસ, સ્વતંત્ર ભારતની સૌથી કલંકિત ઘટના વિશે જાણવા માટે ‘કાશ્મીર ફાઇલ્સ’ પ્રેક્ષકોના ત્રણ કલાક ડિઝર્વ કરે છે.

(જેલમ વ્હોરા)