બ્રિટાનિયા કર્મચારીગણમાં 50% મહિલાઓને સામેલ કરશે

બેંગલુરુઃ ખાદ્યપદાર્થો, ખાસ કરીને વિવિધ સ્વાદવાળી બિસ્કીટ માટે જાણીતી ભારતીય કંપની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યું છે કે 2024ની સાલ સુધીમાં તે એના કર્મચારીગણમાં 50 ટકા મહિલાઓને સામેલ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

બ્રિટાનિયા કંપનીના ચીફ માર્કેટિંગ ઓફિસર અમિત દોશીનું કહેવું છે કે હાલ કંપનીમાં મહિલાઓ કર્મચારીઓનું સંખ્યાબળ 38 ટકા છે. અમે તે વધારીને 2024 સુધીમાં 50 ટકા કરવા ધારીએ છીએ. ગુવાહાટીસ્થિત કંપનીની ફેક્ટરીમાં તો મહિલા કર્મચારીઓની સંખ્યા 60 ટકા છે જેને વધારીને 65 ટકા કરાશે. અમે કંપનીમાં જાતિ-સમાનતાના સિદ્ધાંતને પ્રોત્સાહન આપવા માગીએ છીએ. કંપનીએ ઈ-કોમર્સ, ડિજિટલ સેવાઓ જેવા ક્ષેત્રોમાં સ્ટાર્ટ-અપ્સ શરૂ કરવા માટે 30 મહિલા ઉદ્યોજકોને 10-10 લાખ રૂપિયાની મૂડી સહાય કરી છે. કંપનીએ દેશભરમાં મહિલાઓને કૌશલ્ય તાલીમ પૂરી પાડવા માટે ગૂગલ કંપની સાથે સહયોગ પણ કર્યો છે.