આ સંસ્થાના પાયામાં છે ત્રણ ગુજરાતી!

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ જેવું પ્રતિષ્ઠિત બેનર હોય, ઉદયપુર જેવું મધ્યમ કક્ષાનું શહેર હોય અને વેરાન જમીનમાં નવેસરથી આખી સંસ્થા સ્થાપવાની હોય એ પડકાર જેવો તેવો હોય?  જૂલાઇ, 2011માં ફક્ત 57 વિદ્યાર્થી અને 17 ફેકલ્ટી સાથે કામચલાઉ કેમ્પસમાં આઇઆઇએમ-ઉદયપુરની શરૂઆત થઇ ત્યારે આવો જ પડકાર હતો. વેરાન, પહાડી જેવી જગ્યા હતી. એકડેએકથી શરૂ કરવાનું હતું. કેમ્પસ તો ઊભું કરવાનું જ, સાથે સાથે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની ટોચની મેનેજમેન્ટ સ્કૂલોમાંથી ફેકલ્ટીઓ લાવવાની, બદલાતા સમયની સાથે નવા અભ્યાસક્રમો લોન્ચ કરવાના, ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ કરવાનું, પ્લેસમેન્ટ પર ધ્યાન આપવાનું અને આ બધાની સાથે આઇઆઇએમની શાખ અને કક્ષા જાળવી રાખવાની.

પણ એક ગુજરાતીએ આ પડકાર ઝીલી બતાવ્યો.

હા, મૂળ અમદાવાદના, પણ વર્ષોથી બેંગલુરુની આઇઆઇએમમાં ભણાવતા પ્રો. જનત શાહે ફાઉન્ડર ડીરેક્ટર તરીકે આ પડકાર ફક્ત ઝીલ્યો એટલું જ નહીં, ગવર્નિંગ બોડીના સભ્યો, ફેકલ્ટીઝ અને સ્ટાફની સહાયથી એક ટીમ તરીકે કામ કર્યું અને આ પડકાર પૂરેપૂરી સફળતાથી પાર પણ પાડયો. સ્થાપનાના આઠ જ વર્ષમાં આઇઆઇએમ-ઉદયપુર મેનેજમેન્ટ સ્કૂલોમાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાય એવા AACSB-‘એસોસિએશન ઓફ એડવાન્સ કોલેજિયેટ સ્કૂલ ઓફ બિઝનેસ’ નું એક્રેડિટેશન મેળવીને આઇઆઇએમ-ઉદયપુર હાર્વડ અને વ્હોર્ટન જેવી સંસ્થાઓની લિગમાં સ્થાન પામી ચૂકી છે, જે આ એક્રેડિટેશન ધરાવે છે. બિઝનેસ સ્કૂલોમાં પ્રતિષ્ઠિત ગણાતા ‘એમઆઇએમ-માસ્ટર્સ ઇન મેનેજમેન્ટ ક્યૂએસ રેન્કિંગ’ માં પણ 2022માં સતત ત્રીજા વર્ષે આ સંસ્થા સ્થાન પામી ચૂકી છે.

725 વિદ્યાર્થી અને 49 ફેકલ્ટી સાથે આઇઆઇએમ-ઉદયપુર આજે મેનેજમેન્ટ ક્ષેત્રે પોતાનું એક અલગ સ્થાન બનાવી ચૂકી છે એના કેટલાંક કારણો પૈકી સૌથી મહત્વનું છે રિસર્ચ, શિક્ષણ અને બદલાતા સમયની સાથે તાલ. બે વર્ષના એમબીએના ફ્લેગશીપ પ્રોગ્રામ સાથે ગ્લોબલ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને બદલાતા સમયની સાથે ડિજિટલ એન્ટરપ્રાઇઝ મેનેજમેન્ટ જેવા નવા કોર્સ પણ શરૂ કરીને એ વૈશ્વિકસ્તરે પોતાનું નામ નોંધાવી ચૂકી છે. સંસ્થાના ફાઉન્ડર ડિરેક્ટર પ્રો. જનત શાહ કહે છે, ‘આજે વિશ્વની ટોચની કંપનીઓમાં સાત કંપની એવી છે, જે ડિજિટલમાં કાર્યરત છે. સમયની સાથે કોર્સિસ પણ બદલાતા રહે તો જ આપણે ટકી શકીએ.’

એ કહે છે, અમે શરૂઆતથી જ રિસર્ચ અને ટિચીંગ વચ્ચે જે ગેપ છે એ પૂરવાનો પ્રયત્ન કર્યો છે. અમારે ત્યાં આજે આતરરાષ્ટ્રીય કક્ષાનું રિસર્ચ વર્ક થાય છે તો સાથે સાથે શિક્ષણમાં પણ અમે એટલું જ ધ્યાન આપીએ છીએ. જો તમારે ઉચ્ચ કક્ષાનું રિસર્ચ વર્ક જોઇતું હોય તો ફેકલ્ટીને પૂરતી સ્વતંત્રતા આપવી પડે જે એમને અહીં મળે છે.

ગુજરાતમાં શામળાજીથી સરહદથી રાજસ્થાનમાં પ્રવેશ કરો અને ઉદયપુરની શરૂઆત થાય એ પહેલાં આઠેક કિલોમીટરની અંતરે આઇઆઇએમનું કેમ્પસ આવેલું છે. મજાની વાત એ છે કે આ સંસ્થાના વિકાસમાં ત્રણ ગુજરાતીઓનો મહત્વનો ફાળો છે. ફાઉન્ડર ડીરેક્ટર તરીકે પ્રો. જનત શાહ, ગવર્નિંગ બોડીના ચેરમેન તરીકે ફાર્માસ્યુટીકલ કંપની ફઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ અને પહાડીઓને કોતરીને રાજસ્થાનની પરંપરાગત બાંધકામ શૈલીને ધ્યાનમાં રાખીને નમૂનેદાર ઇકો ફ્રેન્ડલી કેમ્પસનો પ્લાન તૈયાર કરી આપનાર વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી એ ત્રણેય મહાનુભાવો આ સંસ્થા સાથે સંકળાયેલા છે!

આજે એક દાયકા પછી આઇઆઇએમનું કેમ્પસ અહીં આવનાર મુલાકાતીઓને અનેક રીતે આકર્ષે છે. એનું ભવ્ય લેન્ડસ્કેપિંગ, એની બાંધકામ શૈલી અને પર્યાવરણના જતનની પહેલ. સંસ્થા ભવિષ્યમાં એની પાણીની જરૂરિયાત વરસાદી પાણીના સંગ્રહથી જ પૂરી કરી શકે, વીજળીની જરૂરિયાત સોલાર પાવરથી પૂરી થાય અને એ રીતે આખું કેમ્પસ જરૂરિયાતોની બાબતમાં સ્વનિર્ભર બને એ બાબતનું ધ્યાન પહેલેથી જ રખાયું છે.

શરૂઆતના વર્ષોમાં કેમ્પસ નવું હતું એટલે સ્વાભાવિક રીતે જ અનુભવી ફેકલ્ટીઝને અહીં લાવવી મુશ્કેલ હતું, પણ જનતભાઇ કહે છે એમ એમણે યુવાનો અને અનુભવીઓનું યોગ્ય મિશ્રણ કરીને શરૂઆત કરી. યંગ, પણ તેજસ્વી ફેકલ્ટીઝને લાવવા પર વધારે ભાર મૂક્યો. જરૂર પડયે અમદાવાદ, બેંગલુરુ જવી જગ્યાએથી આઇઆઇએમના અનુભવી શિક્ષકોને વિઝીટિંગ ફેકલ્ટી તરીકે બોલાવ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા નિષ્ણાતો પણ અવારનવાર યોજાતા વર્કશોપ્સ અને સેમિનારોમાં ભાગ લેતા રહ્યા અને એ રીતે સંસ્થા સાથે સંકળાતા ગયા.

એ તો ઠીક, કોવિડ સમયે બધી શિક્ષણ સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ માટે નવેસરથી માળખું ઊભું કરી રહી હતી ત્યારે આ સંસ્થાએ એના ક્લાસરૂમ પહેલેથી જ હાઇબ્રીડ મોડેલને, એટલે કે ઓનલાઇન અને ઓફલાઇન બન્ને સાથે ચાલી શકે, ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા છે.

એ બધું તો બરાબર, પણ પ્લેસમેન્ટનું શું? છેવટે તો એડમિશન મેળવનાર વિદ્યાર્થી પ્લેસમેન્ટ જ જૂએ…

જવાબમાં પ્રો. જનત શાહ કહે છે, અમે સંસ્થા માટે વિઝન 2030 તૈયાર કર્યું છે. શરૂઆતમાં અમને કોઇ ઓળખતું ન હોય એટલે અન્ય આઇઆઇએમ જેવું પ્લેસમેન્ટ ન હોય એ સ્વાભાવિક છે, પણ હવે અમે રિસર્ચ-સંશોધનની સાથે ઇન્ડસ્ટ્રીઝ રિલેશનશીપ પર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ઇન્ડસ્ટ્રી સાથે વધારે સંકળાઇએ તો એમને કેવી પ્રકારના મેનપાવરની જરૂર છે, શું સુધારો કરવો જોઇએ એ બધી બાબતોનો ખ્યાલ રહે. એના કારણે છેલ્લાં વર્ષોમાં પ્લેસમેન્ટમાં પણ ઘણો સુધારો થયો છે. હા, અમે ધીમી, પણ સ્થિર ગતિએ આગળ વધી રહ્યા છીએ અને વર્ષ 2030 સુધીમાં પ્લેસમેન્ટમાં પણ અમે આઇઆઇએમ-અમદાવાદની સમકક્ષ આવી જઇશું એવો મને વિશ્વાસ છે.

આઇઆઇએમ-બેગલુરૂ જેવી સંસ્થામાં બે દાયકા સુધી ભણાવનાર જનતભાઇએ ‘સપ્લાય ચેઇન મેનેજમેન્ટઃ ટેક્સ્ટ એન્ડ કેસિસ’  નામનું પુસ્તક પણ લખ્યું છે, જે આઇઆઇએમ-બેંગલુરુ સહિત અનેક મેનેજમેન્ટ સ્કૂલોમાં ભણાવાય છે. અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં એમના સંશોધનપત્રો અવારનવાર પ્રકાશિત થતા રહે છે. નેશનલ યુનિવર્સિટી, સિંગાપોર અને નોટિંગહામ યુનિવર્સિટી સાથે વિઝીટિંગ ફેકલ્ટી અને સ્પેશ્યલ પ્રોફેસર તરીકે સંકળાયેલા છે.

એ કહે છે, બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન તરીકે પણ પંકજભાઇનો અમને પૂરો સહયોગ મળી રહે છે. એમનું સૌથી મોટું જમા પાસું એ છે કે એ કામ કરવાની અને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપે છે. ક્યારેય પોતાનો અભિપ્રાય થોપતા નથી. પરિણામે સ્વતંત્રતા અને મોકળાશનું જે વાતાવરણ અમે સર્જવા માગતા હતા એ વાતાવરણ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ એમ બધા માટે અમે સર્જી શક્યા છીએ.

વેલ, સંસ્થાનું આ વિઝન કેટલું સાકાર થશે એ તો ભવિષ્યમાં ખ્યાલ આવશે, પણ એટલું નક્કી છે કે ભવિષ્યમાં આ સંસ્થાની સફળતાની વાત નીકળશે ત્યારે એમાં ત્રણ ગુજરાતીઓનું પ્રદાન પણ એટલું જ મહત્વનું લેખાશે.

(કેતન ત્રિવેદી)