છોટા ઉદેપુર: નવા નિશાળીયાઓનો જંગ

0
271

કોઈ પણ ઉમેદવારનો વિજય અહીં આદિવાસીના મતોથી જ નક્કી થાય છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત આ બેઠક પર કૉંગ્રેસ 10 વખત જીતી છે, જ્યારે છેલ્લી બે ટર્મથી અહીં ભાજપ વિજયી રહ્યો છે. આ મતવિસ્તારમાં કુલ 16,65,353 મતદારો છે, જેમાંથી 9,80,301 આદિવાસી, 1,85,622 ક્ષત્રિય, 1,55,363 પટેલ અને 1,09,580 મુસ્લિમ મતદાતાઓ છે. છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તારમાં હાલોલ, છોટા ઉદેપુર, જેતપુર, સાંખેડા, ડાભોઈ, પાદરા અને નાદોદ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી ત્રણ ભાજપ અને ચાર કૉંગ્રેસ પાસે છે.

ભાજપે અહીં સીટિંગ સાંસદ રામસિંહ રાઠવા સામે સ્થાનિક કાર્યકર્તાઓના વિરોધને લઈને એમની જગ્યાએ જિલ્લાના રાજકારણમાં સક્રિય એવા ગીતાબહેન રાઠવાને ટિકિટ આપી છે. એની સામે કૉંગ્રેસે પક્ષના પીઢ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રણજિત રાઠવા પર દાવ ખેલ્યો છે. આ વિસ્તારમાં કૉંગ્રેસના સાસંદ રહી ચૂકેલા નારણ રાઠવા હાલ રાજ્યસભાના સભ્ય છે અને કૉંગ્રેસે આદિવાસી મતદારોને ધ્યાનમાં લઈને જ એમની પસંદગી રાજ્યસભામાં કરી હતી.

ભાજપે છેલ્લાં કેટલાંક વરસોમાં મધ્ય ગુજરાતમાં તેની પકડ મજબૂત બનાવી છે. મધ્ય ગુજરાતની લોકસભા બેઠકોમાં પણ જે બેઠક પર ભાજપ સૌથી મજબૂત બન્યો છે એ પૈકી એક બેઠક છોટા ઉદેપુરની બેઠક છે. છોટા ઉદેપુર લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત બેઠક છે. આ બેઠક પર એક સમયે કોંગ્રેસનું વર્ચસ્વ હતું. આ બેઠક 1977માં અસ્તિત્વમાં આવી. એ પહેલાં છોટા ઉદેપુરના મોટા ભાગના વિસ્તારો ડભોઈ લોકસભા બેઠકનો ભાગ હતા. એ વખતે ગુજરાતમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું તેથી ડભોઈ બેઠક પરથી પણ કોંગ્રેસ જીતતી હતી.

હાલની છોટા ઉદેપુર બેઠક 1977માં અસ્તિત્વમાં આવી પછી પણ એ વર્ચસ્વ જળવાયું. 1977થી 1998 સુધીની સળંગ 7 લોકસભા ચૂંટણીમાં છોટા ઉદેપુર બેઠક કોંગ્રેસે જ જીતી હતી, જેમાં ત્રણ વાર અમરસિંહ રાઠવા અને ચાર વાર નારણભાઈ રાઠવા જીત્યા હતા. 1999માં પહેલી વાર ભાજપે આ બેઠક જીતીને કોંગ્રેસના ગઢને ધરાશાયી કર્યો. ભાજપના રામસિંહ રાઠવાએ નારણભાઈ રાઠવાને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. જો કે 2004માં નારણ રાઠવાએ રામસિંહ રાઠવાને હરાવીને ફરી આ બેઠક કબજે કરી. 2009માં રામસિંહ રાઠવા જીતી ગયા. 2014ની નરેન્દ્ર મોદી લહેર મહત્વની હતી એટલે અગાઉની ચૂંટણીઓમાં જીતનો માર્જિન બહુ નહોતો રહેતો પણ 2014માં મોદી લહેરના કારણે ભાજપના રામસિંહ રાઠવાને 1.79 લાખની જંગી સરસાઈ મળી હતી.

આ બેઠર પરથી 10 ઉમેદવારોએ જંગમાં ઝંપલાવ્યું છે.