પોરબંદરઃ બાપુની ભૂમિ પર કોનો બેડો પાર?

ગાંધીજીની જન્મભૂમિ હોવાથી પોરબંદર બેઠક એ રીતે તો મહત્વની છે જ, પણ સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠક એપીસેન્ટર સમાન ગણાય છે. એ અગાઉ જૂનાગઢમાં જોડાયેલી આ બેઠક 1977માં છઠ્ઠી લોકસભા ચૂંટણી દરમિયાન પોરબંદર લોકસભા બેઠક તરીકે અલગથી અસ્તિત્વમાં આવી. ત્યારે આ ચૂંટણીમાં બી.એલ.ડી.ના ઉમેદવાર ધરમશી ડાહ્યાને અને આઇ.એન.સી.ના ઉમેદવાર ધામી રમણીકભાઇ વચ્ચે યોજાઈ હતી, જેમાં બી.એલ.ડીના ઉમેદવાર વિજેતા બન્યા હતાં. પોરબંદર બેઠક ભાજપ માટે સલામત બેઠક છે.

પોરબંદર બેઠક ભાજપ માટે સલામત ગણાતી બેઠક છે, પણ અહીં અગાઉ કૉંગ્રેસના અને હાલ ભાજપમાં જોડાયેલા વિઠ્ઠલ રાદડિયા પરિવારનો દબદબો છે. ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જે ચાર બેઠકો મેળવી એમાંથી એક વિઠ્ઠલભાઈની બેઠક હતી. એ દર્શાવે છે કે વિઠ્ઠલ રાદડિયા આ બેઠક પર મહત્વનું પરિબળ છે.

 

2009ની ચૂંટણીમાં કૉંગ્રેસ અહીં માત્ર વિઠ્ઠલ રાદડીયાની વ્યક્તિગત તાકાતથી જીતી હતી. જોકે એ પછી 2013માં વિઠ્ઠલભાઈ ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા. 2014માં અહીં ભાજપના વિઠ્ઠલ રાદડિયા અને એન.સી.પી.ના કાંધલ જાડેજા વચ્ચે મુકાબલો હતો. કોંગ્રેસે એન.સી.પી. સાથે સમજૂતી કરી ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો. આમ છતાં વિઠ્ઠલભાઈએ એન.સી.પી.ના કાંધલ જાડેજાને 2 લાખ 67 હજાર મતોની લીડથી પરાજય આપ્યો હતો. 2009ની ચૂંટણીને બાદ કરતા 1991થી આ બેઠક પર ભાજપનું શાસન રહ્યું છે. અહીં અત્યાર સુધીમાં 7 ટર્મમાં ભાજપ અને બે ટર્મમાં કોંગ્રેસ જીત્યું છે.

પોરબંદર લોકસભામાં ગોંડલ,  જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર, કેશોદ એમ કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામ પ્રમાણે કૉંગ્રેસ પાસે બે અને ભાજપ પાસે પાંચ બેઠક છે. કૉંગ્રેસ એ પ્રમાણે ભાજપથી ફક્ત 22,818 મતથી જ પાછળ છે એટલે આ બેઠક પર તીવ્ર સ્પર્ધા થવાની શક્યતા છે.

પોરબંદર લોકસભા બેઠક પર અંદાજિત મતદારોની સંખ્યા 16,49,610 જેટલી છે. માણાવદર, ધોરાજી, જેતપુર,  ગોંડલના વિધાનસભા વિસ્તારમાં પાટીદારોનું પ્રભુત્વ વધુ છે. આ ઉપરાંત પોરબંદરમાં મહેરજ્ઞાતિ, માછીમાર સમાજ અને લોહાણા જ્ઞાતિના મતદારોની પણ નિર્ણાયક ભૂમિકા રહી છે. આ મતવિસ્તારના કુલ 16,49,610 મતદારોમાં પાટીદારોના 4,23,137, કોળીના 1,53,500, દલિતના 1,49,335 અને આહિર 1,03,462 મતદારો છે.

આ બેઠક પર પાટિદારોના મત નિર્ણાયક સાબિત થાય છે એટલે ભાજપે બીમાર વિઠ્ઠલ રાદડિયાના સ્થાને લેઉવા પટેલ જ્ઞાતિના આગેવાન રમેશભાઈ ધડુકને ટિકિટ આપી છે તો સામે કૉંગ્રેસે પણ લેઉવા પટેલ જ્ઞાતિના જ લલિતભાઈ વસોયાને મેદાને ઊતાર્યા છે. લલિત વસોયા ધોરાજીના ધારાસભ્ય છે અને હાર્દિક પટેલની પાસ ટીમના એક મહત્વના સભ્ય છે. જ્ઞાતિ ફેક્ટર ઉપરાંત અહીં વિઠ્ઠલભાઈના નામનું કેટલું જોર ચાલે છે એ જોવાનું રહે છે.

આ બેઠક પર કુલ 17 ઉમેદવાર છે.