પંચમહાલઃ અહીં થશે અનિશ્ચિતતાનો જંગ

નવા સીમાંકન પહેલાં આ ગોધરા બેઠક હતી. છેલ્લી ચાર ચૂંટણીથી ભાજપે અહીં પકડ જમાવી રાખી છે. ક્ષત્રિય, મુસ્લિમ અને કોળી સમાજ અહીં પ્રભુત્વ ધરાવે છે. કોંગ્રેસે 6 ચૂંટણીમાં અહીં વિજય મેળવ્યો છે તો ભાજપે પાંચ જીત મેળવી છે.

2014માં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણે કૉંગ્રસના રામસિંહ પરમારને પોણા બે લાખ મતોની સરસાઈથી પરાજય આપ્યો હતો.

આ બેઠકના કુલ 17,34,158 મતદાતાઓમાંથી 4,50,000 ક્ષત્રિય, 2,25,000 કોળી, 2,15,000 મુસ્લિમ અને 1,30,000 દલિત મતદાતા છે. 19991માં શંકરસિંહ વાઘેલાએ પહેલીવાર આ બેઠક ભાજપને જીતી આપી હતી અને 1999થી સતત અહીં ભાજપનો દબદબો રહ્યો છે. આ મતવિસ્તારમાં ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શેહરા, મોરવા-હડફ, ગોધરા ને કાલોલ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી ચાર કૉંગ્રેસ ને ત્રણ ભાજપ પાસે છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પંચમહાલ લોકસભા બેઠક પર વિચિત્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ભાજપે શહેરા, ગોધરા અને કાલોલ એ ત્રણ બેઠકો જીતી હતી જ્યારે ઠાસરા અને બાલાસિનોર એ બે બેઠકો કોંગ્રેસે જીતી હતી. બાકી રહેલી બે બેઠકો લુણાવાડા અને મોરવા હડફમાંથી અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. ગુજરાતમાંથી કુલ 3 અપક્ષ ધારાસભ્યો ચૂંટાયા હતા ને તેમાંથી 2 તો પંચમહાલ બેઠક પરથી જ જીત્યા હતા.

બન્ને મુખ્ય પક્ષ અહીં જૂથવાદનો સામનો કરી રહ્યા છે તો સ્થાનિક સમસ્યા પણ ઘણી વિકટ છે. પરિણામે આ બેઠક પરનો જંગ ઘણો રસપ્રદ બની રહેવાનો છે. 2019ના જંગ માટે કૉંગ્રેસે અહીં વી. કે. ખાંટને ટિકિટ ફાળવી છે તો ભાજપે રતનસિંહ રાઠોડ પર વિશ્વાસ મૂક્યો છે. ભાજપમાંથી ટિકિટ કપાતા પ્રભાતસિંહ બળવો કરશે એમ મનાતું હતું, પણ ભાજપ એમને મનાવી લેવામાં સફળ રહ્યો છે.

આ વખતે અહીં કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે.