પાટણઃ અહીં કમળ ખીલશે કે કૉંગ્રેસનો પંજો ઉપર રહેશે?

સરહદ નજીક આવેલી પાટણ લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા મતક્ષેત્ર આવેલા છે. જેમાં વડગામ, ખેરાલુ, કાંકરેજ, પાટણ, ચાણસ્મા, રાધનપુર અને સિદ્ધપુરનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સાતમાંથી ત્રણ કૉંગ્રેસે જીતી હતી, વડગામ બેઠક પર અપક્ષ જીજ્ઞેશ મેવાણી કૉંગ્રેસના સપોર્ટથી જીત્યા હતા. જ્યારે ભાજપે ત્રણ બેઠક મેળવી હતી. જોકે 2017 વિધાનસભા ચૂંટણીના પરિણામો પ્રમાણે કુલ મતોમાં કૉંગ્રેસ ભાજપ કરતાં 38,000 જેટલા મત આગળ છે.

વર્ષ 2014માં યોજાયેલી ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના ઉમેદવાર ભાવસિંહ રાઠોડને 1,38,719 મતોથી પરાજય આપ્યો હતો. 1952થી 2004 સુધી આ બેઠક અનામત હતી, ત્યારબાદ નવા સીમાંકન આધારે વર્ષ 2009માં આ બેઠક બિનઅનામત બનતા ઓબીસી મતદારોનું પ્રભુત્વ હોવાથી વર્ષ 2009માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરનો અહીં વિજય થયો હતો. પાટણ લોકસભા બેઠક પર અત્યાર સુધી 6 વખત કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યાં છે અને પાંચ વખત ભાજપના ઉમેદવારો વિજય થયા છે. જ્યારે જનતા દળ પાર્ટીના ઉમેદવાર ત્રણ વાર અને સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર એક વખત વિજય થયા છે.

પાટણ સંસદીય વિસ્તારમાં 934086 પુરુષ મતદારો અને 863824 સ્ત્રી મતદારો તથા 23 અન્ય મતદારો મળીને કુલ 17,97,933 મતદારો છે અને 21,643 નવા મતદારો નોંધાયા છે. પાટણ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદારો ઓબીસી જ્ઞાતિના છે. ઠાકોર મતદારોનું પ્રભુત્વ અહીં જોવા મળે છે. એવામાં અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી બગાવત કરતાં હવે આ બેઠક પરના જ્ઞાતિ સમીકરણો વધારે રસપ્રદ બન્યાં છે.

આ ઉપરાંત પાટીદાર, લઘુમતી મતદારોનું પ્રભુત્વ પણ છે. સરહદ પાસેના રાધનપુર અને સાંતલપુર વિસ્તારોમાં પાણીની સમસ્યા હંમેશાં રહી છે. આ વિસ્તારોમાં કોઈ મોટા ઉદ્યોગો કે ઈન્ડસ્ટ્રીઝ ન હોવાથી બેરોજગારીનો પ્રશ્ન દર વખતે ચૂંટણીનો જ્વલંત મુદ્દો બને છે.

આ વખતે અહીં કૉંગ્રેસના જગદીશ ઠાકોર અને ભાજપના ભરતસિંહ ડાભી વચ્ચે સીધો મુકાબલો છે. એ બે ઉમેદવારને ગણની અત્યારે આ બેઠક પર કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જગદીશ ઠાકોર અહીંથી સાંસદ રહી ચૂક્યા છે.