નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 સીટો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ એકલા હાથે બધૂ સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. આપ પાર્ટીએ 2015 અને 2020માં ચૂંટણીમાં બહુમતની સાથે મોટી જીત હાંસલ કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે દિલ્હીમાં પાંચ ફેબ્રુઆએ મતદાન થશે અને આઠ ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. આ વખતે દિલ્હીમાં કાંટાની ચૂંટણી માનવામાં આવી રહી છે. ચૂંટણી પંચે ફાઇનલ મતદાર યાદી જાહેર કરી છે. જે અનુસાર દિલ્હીમાં આ વખતે કુલ 1, 55,24,000 કરોડ મતદાતાઓ છે. જેમાં પુરુષો 83 લાખથી વધુ જ્યારે મહિલાઓની સંખ્યા 71 લાખથી વધુ છે.
દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો. 2015માં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો પર જીત હાંસલ થઈ હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર આઠ બેઠકો ગઈ હતી.
#DelhiElections2025 | Delhi Assembly election dates announced: Voting on Feb 5, results on Feb 8 pic.twitter.com/NxnvcPFjOb
— DD News (@DDNewslive) January 7, 2025
છેલ્લી બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70માંથી એક પણ બેઠક પર સફળતા મળી નથી.દિલ્હી વિધાનસભાના ગઠન બાદ 1993માં પહેલીવાર ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપને પ્રચંડ જીત મળી હતી. જોકે પાંચ વર્ષમાં ભાજપે ત્રણ વખત CM બદલવા પડ્યા. મદનલાલ ખુરાનાએ કૌભાંડના આરોપમાં ખુરશી ગુમાવી, સાહિબ સિંહ વર્માએ મોંઘવારીના કારણે રાજીનામું આપ્યું જ્યારે સુષ્મા સ્વરાજ માત્ર બે જ મહિના CM રહી શક્યા હતા.
વર્ષ 1998ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને શીલા દીક્ષિતને CM બનાવવામાં આવ્યા હતાં. 1998થી 2013 સુધી શીલા દીક્ષિત જ દિલ્હીના CM રહ્યા. જોકે 2013ની ચૂંટણીમાં 70માંથી 32 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો પણ બહુમતી ન મળી. એવામાં 28 બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ સાત બેઠકો ધરાવતી કોંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવી.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર માત્ર 49 દિવસ જ ચાલી શકી હતી. કેજરીવાલના રાજીનામાં બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને 2015માં ફરી ચૂંટણી યોજાઇ હતી.