ટીનુને મળ્યો અમિતાભના હાથનો સાથ

અમિતાભ બચ્ચને બીમારીને કારણે ના પાડ્યા પછી પણ નિર્દેશક ટીનુ આનંદે એમની સાથે જ ‘શહેનશાહ’ (૧૯૮૮) બનાવવાનો નિર્ણય કર્યો હતો અને લાંબા સમય પછી અમિતાભે જ્યારે કામ શરૂ કર્યું ત્યારે ભૂમિકાને સાકાર કરવા વજનદાર હાથથી સાથ આપ્યો હતો. ટીનુએ પિતા ઇન્દર રાજ આનંદ પાસે સ્ક્રીન પ્લે લખાવીને અમિતાભ સાથે ‘શહેનશાહ’ નું આયોજન કર્યું ત્યારે એમાં ભારે સંવાદ યોગ્ય ન હોવાનું કહ્યું હતું. કેમકે ઇન્દર રાજ ઉર્દૂના મોટા લેખક હતા.

ટીનુની દલીલ હતી કે નવી પેઢી ઉર્દૂ બરાબર સમજી શકતી નથી એટલે અમિતાભને સરળ સંવાદો આપવા જોઇએ. ત્યારે પિતાએ એમને કહ્યું હતું કે અમિતાભ આ ક્ષેત્રમાં સિંહ જેવા છે. એમને માંસ ખાવા આપવું જોઇએ નહીં કે શાકાહારી ભોજન. કેમકે અમિતાભ સશક્ત અભિનેતા છે. તે દમખમ સાથે સંવાદની અદાયગી કરી શકે છે. ઇન્દર રાજની વાત સાચી પડી હતી. દાયકાઓ પછી પણ ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેનશાહ’ જેવા તેમણે બોલેલા સંવાદ લોકપ્રિય રહ્યા છે.

ફિલ્મમાં અમિતાભનું કોસ્ચ્યુમ પણ પ્રભાવશાળી રહ્યું હતું. ટીનુએ ફિલ્મનું આયોજન કર્યું ત્યારે અમિતાભની શહેનશાહની ભૂમિકા માટે એક અલગ કોસ્ચ્યુમ વિચાર કર્યો હતો. જેમાં ખભા પર દોરડું બાંધીને કાળા ચામડાથી કોસ્ચ્યુમ બનાવવાની યોજના હતી. એ દોરડાથી એવું બતાવવાનું હતું કે તેના પિતાએ જેનાથી આત્મહત્યા કરી હતી એનો ઉપયોગ ગુનેગારોને સજા આપવા માટે થવાનો હતો. ત્યારે ધાતુના હાથનો વિચાર ન હતો. દરમ્યાનમાં અમિતાભને માયસ્થેનિયા ગ્રેવીસ બીમારી થઇ અને ડોકટરોની સલાહ પછી અમિતાભે ટીનુંને કહ્યું કે તે અધુરી રહેલી બે ફિલ્મોને પૂરી કરશે પણ આ નવી ફિલ્મ ‘શહેનશાહ’ માં કામ કરી શક્શે નહીં એટલે બીજા કોઇ સાથે બનાવી શકે છે. જોકે ટીનુએ રાહ જોવાનું નક્કી કર્યું. દરમ્યાનમાં શહેનશાહનો જે ડ્રેસ અમિતાભના કાયમી ડિઝાઇનર અકબર દ્વારા બનાવવામાં આવ્યો હતો એ તેણે દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્માતાને આપી દીધો અને એને જીતેન્દ્રએ એક ફિલ્મમાં પહેર્યો ત્યારે ટીનુને આઘાત લાગ્યો હતો.

અમિતાભ જ્યારે સ્વસ્થ થઇને પાછા ફર્યા ત્યારે એમણે ફિલ્મ કરવાની હા પાડી દીધી અને પોતાના પોશાકની ચર્ચા કરી. ટીનુએ કિશોર બજાજ નામના ડિઝાઇનર સાથે નવો પોશાક બનાવવાનું કામ હાથ પર લીધું. તેમની પાસેના સેંકડો મેગેઝીનોમાં ડ્રેસ જોયા. એક દિવસ એક પોશાક જોયો અને ખાસ હાથનો વિચાર આવ્યો. એ પોશાક તૈયાર કરી અમિતાભને બતાવ્યો ત્યારે તેમણે એ પહેરીને ઘણી વાર સુધી અરીસા સામે જોયા કર્યું. અમિતાભ બીમારીમાંથી બહાર આવ્યા હોવાથી ૧૪ કિલોનો એ પોશાક તેમને મુશ્કેલી ઉભી કરશે એવો ટીનુને ડર હતો પણ અમિતાભે કોઇ ફરિયાદ વગર કામ કર્યું.

ટીનુએ લડાઇના દ્રશ્યો માટે મેટાલિકને બદલે માત્ર એલ્યુમિનિયમમાંથી બનાવેલો વજનમાં હલકો હાથ પહેરવાનો આગ્રહ કર્યો. પણ અમિતાભે દ્રશ્યોને વસ્તવિક બનાવવા એ ભારે વજનનો પોશાક પહેરીને જ કામ કર્યું અને ટીનુને સાથ આપ્યો. ફિલ્મ પૂરી થઇ ત્યારે અમિતાભ રાજકારણને કારણે વિવાદમાં હતા તેથી રજૂઆત મોકૂફ રહી હતી. પરંતુ અમિતાભની કોઇ ફિલ્મ ઘણા વર્ષો પછી રજૂ થવાની હોવાથી તેની સફળતા માટે ટીનુને વિશ્વાસ હતો એ સાચો સાબિત થયો. ‘શહેનશાહ’ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]