માધુરી: ‘ધક ધક ગર્લ’ બની

ફિલ્મ ‘બેટા'(૧૯૯૨) ના અધૂરા રહેલા ગીત ‘ધક ધક કરને લગા’ને પૂરું કરવાનો પડકાર જો નૃત્ય નિર્દેશિકા સરોજ ખાને ઝીલી લીધો ના હોત તો માધુરી દીક્ષિતને ‘ધક ધક ગર્લ’ ની ઓળખ મળી શકી ના હોત.

માધુરીએ આ પહેલાં સરોજ ખાન સાથે અનેક ગીતોમાં કામ કર્યું હતું. પરંતુ તેની કારકિર્દીમાં ‘ધક ધક કરને લગા’ ગીતની અસર જુદી જ રહી. માધુરીને ‘તેજાબ'(૧૯૮૮) ના પ્રતિષ્ઠિત ગીત ‘એક દો તીન’ થી પ્રસિધ્ધિમાં લાવનાર સરોજ ખાન જ હતા. અભિનય સાથે આ ગીતે માધુરીને ટોપની હીરોઇન બનાવી દીધી હતી. આ ગીતની લોકપ્રિયતા પછી એ વર્ષથી જ ‘ફિલ્મફેર’ એવોર્ડસમાં ડાન્સ ગીત માટે ‘શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન’ ની કેટેગરી ઉમેરવામાં આવી હતી. સરોજ ‘એક દો તીન’ ગીત માટે એ એવોર્ડ મેળવનાર પહેલા નૃત્ય નિર્દેશિકા બન્યા હતા. એટલું જ નહીં સતત ત્રણ વર્ષ સુધી એના પર તેમનો કબ્જો રહ્યો હતો. ‘એક દો તીન’ ગીત માટે સોળ દિવસ રિહર્સલ કર્યું અને એક સપ્તાહ સુધી ફિલ્માકન કર્યું એ પરથી ખ્યાલ આવશે કે એ માટે સરોજ-માધુરીની મહેનત કેટલી હતી. એ પછી ‘સૈલાબ’ (૧૯૯૦) નું માધુરીનું ‘હમ કો આજકલ હૈ’ ગીત ધ્યાન ખેંચી ગયું હતું. પારંપરિક કોળી સ્ત્રીઓના આ ગીતમાં માધુરી કરતાં કોરસના સ્વરમાં વધારે શબ્દો હતા. માધુરીએ બહુ ઓછા શબ્દો પર હોઠ ફફડાવવાના હતા. એણે આંખોથી પોતાના પાત્રની લાગણીઓને સરસ રીતે વ્યક્ત કરી હતી. એ પછી માધુરીની ‘થાનેદાર’ (૧૯૯૦) ના ‘તમ્મા તમ્મા લોગે’ ગીતથી વધારે ધૂમ મચી ગઇ હતી. સરોજ ખાને પહેલી વખત માધુરી માટે આવું ઝડપી સંગીતવાળું ગીત તૈયાર કરવાનું થયું હતું. સાડા સાત મિનિટ લાંબું આ ગીત ૪૮ ટેક પછી તૈયાર થયું હતું. ગીતમાં વચ્ચે માધુરી અને સંજય દત્તે ટોપી પહેરીને ખુરશી પર મુશ્કેલ દ્રશ્યો કરવાના હતા. એમાં માધુરીની ટોપી વારંવાર પડી જતી હતી. એ કારણે સમય લાગ્યો હતો. ગીતનું ફિલ્માંકન પૂરું થતાં સુધીમાં બંનેના ઘૂંટણ દુ:ખી ગયા હતા.

બે વર્ષ પછી માધુરીની ‘બેટા'(૧૯૯૨) ના જે ‘ધક ધક કરને લગા’ ગીતને લોકપ્રિયતા મળી એ ન ભૂતો ન ભવિષ્યતિ જેવી બની. માધુરીએ આ પહેલાં ઘણાં ડાન્સ ગીતો કર્યા હતા અને એ પછી પણ ચોલી કે પીછે ક્યા હૈ (ખલનાયક), ચને કે ખેત મેં (અંજામ), અંખિયાં મિલાઉં કભી (રાજા), ડોલા રે ડોલા રે (દેવદાસ) વગેરે ગીતો યાદગાર રહ્યા છે. પરંતુ માધુરીએ ‘ધક ધક કરને લગા’ માં જે કામુકતા બતાવી છે એની અલગ જ વાત છે.

‘બેટા’ના આ ગીતના અડધા ભાગનું ફિલ્માંકન બાકી હતું. ફિલ્મ તેના નિર્ધારિત સમય કરતાં મોડી પડી હતી. નિર્દેશક ઇન્દ્રકુમાર ફિલ્મને વધારે મોડી રજૂ કરવા માગતા ન હતા. તેમણે ‘ધક ધક કરને લગા’ ને પડતું મૂકવાનો નિર્ણય કરી લીધો. બાકી રહેલા ગીત માટે ત્રણ દિવસની જરૂર હતી. એટલો સમય ઇન્દ્રકુમાર આપી શકે એમ ન હતા. ત્યારે સરોજ ખાને એને અડધા દિવસમાં પૂરું કરી આપવાનો પડકાર ઝીલી લીધો. સરોજે માધુરી અને અનિલ સાથે આખી રાત શુટિંગ કર્યું. સવારે ગીતનું ફિલ્માંકન પૂરું થયું ત્યારે બધાં થાકી ગયા હતા. એ કારણે જ ગીતનો ફિલ્મમાં સમાવેશ થઇ શક્યો. આ ગીત પાછું બીજી એક મુશ્કેલીમાં પડ્યું હતું. સેંસર બોર્ડે જ્યારે ગીત જોયું ત્યારે તેમાં માધુરી પાસે જાણીબૂઝીને અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો. અને ગીત માટે ખુલાસો કરવા સરોજ ખાનને બોલાવવામાં આવ્યા. સરોજે પોતાનો તર્ક રજૂ કરવા ત્યાં હિલવાળી ચંપલ પહેરીને બેઠેલા એક સન્નારીને ઉભા થઇ ચાલવા કહ્યું. તેમના શરીરના વિશેષ ભાગનું સ્વાભાવિક હલનચલન બતાવી સરોજે સ્પષ્ટતા કરી કે ગીતમાં કંઇ જ જાણીબૂઝીને કરવામાં આવ્યું નથી. દિલ જ્યાં છે ત્યાં જ ‘ધક ધક’ થાય ને? સરોજના જવાબથી સેંસર બોર્ડના મહિલા સભ્યોને સંતોષ થયો અને ‘બેટા’માં ‘ધક ધક કરને લગા’ ગીત રાખવામાં આવ્યું. દર્શકોની દિલની ધડકન વધારી દે એવા આ ગીત સાથે માધુરીને ‘ધક ધક ગર્લ’ ની એક કાયમી ઓળખ મળી ગઇ!

 

 

 

(રાકેશ ઠક્કર- વાપી)