બાજરાનો ભરેલો રોટલો

ગૃહિણીને રોજેરોજ રસોઈમાં કઈ વાનગી બનાવવી એ તો કડાકૂટ હોય જ છે. પણ આ સ્વાદીષ્ટ બાજરાનો ભરેલો રોટલો અને સાથે દહીં હોય તો બીજી કોઈ વાનગી બનાવવાની જરૂર જ ના હોય!  

સામગ્રીઃ

  • બાજરાનો લોટ 1 કપ
  • લીલી ડુંગળી ધોઈને સુધારેલી 1 કપ
  • મેથીની ભાજી ધોઈને સુધારેલી 1 કપ
  • લીલું લસણ 2 ટે.સ્પૂન (optional)
  • લીલા મરચાં 5-6 ઝીણા સમારેલા
  • ધોઈને ઝીણી સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • હળદર પાવડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચપટી હીંગ
  • લસણની કળી 3-4 સમારેલી
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • વઘાર માટે તેલ
  • રોટલા પર ચોપડવા માટે ઘી

રીતઃ ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ તતડાવીને લસણની કળી સમારેલી નાખી દો. ત્યારબાદ લીલી ડુંગળી નાખીને 2-3 મિનિટ સાંતળો ત્યારબાદ લીલું લસણ તેમજ મેથીની ભાજી ઉમેરી દો. ગેસની ધીમી આંચ કરીને સૂકો મસાલો ઉમેરી દો. 5 મિનિટમાં મિશ્રણ નરમ થાય એટલે ગેસ બંધ કરીને તેને ઠંડું થવા દો.

બાજરાનો લોટ ચારણીથી ચાળી લો. થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધતા જાવ.

બાંધેલા લોટમાંથી મોટો લૂવો લઈ તેને થોડો ચપટો કરીને તેમાં સ્ટફિંગ ભરીને બંધ કરી દો. આ લૂવાને

તમે હાથેથી પણ થાપી શકો છો અથવા પાટલા પર પ્લાસ્ટીક પાથરીને પણ થાપી શકો છો. તે માટે પાટલો ફેરવતા ફેરવતા રોટલાને થાપવો. આ રોટલો સહેજ જાડો જ રાખવો.

માટીની તાવડી ગેસ પર ગરમ કરવા મૂકવી. ત્યારબાદ તાવડીમાં રોટલો નાખવો. એક બાજુ ગરમ થાય એટલે તવેથા વડે રોટલો ઉથલાવીને બીજી બાજુ ગરમ થવા દેવી.

રોટલો ચઢી જાય એટલે નીચે ઉતારીને ઉપર ઘી ચોપડવું.