શું કહે છે તમારી રાશિ? રાશિ મુજબ સફળ કારકિર્દી…

ચંદ્ર રાશિ મનુષ્યના મન પર શાસન કરે છે, મનએ બધા રસનું બીજ છે. જયારે મનુષ્યને પોતાના કાર્યમાં રસનો વિષય મળી જાય તો તે બેશક તેમાં જલદી સફળ થાય છે. દરેક મનુષ્ય પાસે તેની પોતાની આગવી ઓળખ અને સ્વભાવ છે, જે તેની ચંદ્ર રાશિના મુજબ હોય છે. ઋષિમુનિઓએ પોતાની ધ્યાન અવસ્થામાં, ચંદ્રના જુદીજુદી રાશિઓ પરના ભ્રમણ અને મનુષ્ય પર થતી તેની અસર પોતાની સંહિતા અને આદ્યગ્રંથોમાં વર્ણવી છે. મનુષ્ય પોતે પણ પોતાના સ્વભાવને ઓળખી નથી શકતો, પરંતુ ચંદ્ર રાશિ તેનો સ્પષ્ટ અને સચોટ સ્વભાવ રજૂ કરે છે. આજના સમયમાં કારકિર્દીના પ્રશ્ન ખૂબ વધુ હોય છે, તમારી જન્મરાશિ આ બાબતે તમને ચોક્કસ દિશાસૂચન કરી શકે છે.

ચંદ્રરાશિના મુજબ જો મનુષ્ય વ્યવસાય કે નોકરીમાં આગળ વધે તો તેનું મન તેના કાર્યમાં પરોવાય છે અને તે એક પ્રકારે અદભૂત તાલમેલ બનાવે છે. 

મેષ: મેષ રાશિના જાતકો સ્વપ્રયત્ને આગળ આવીને કાર્ય સફળ કરે છે, તેમની માટે સ્વતંત્ર વ્યવસાય પહેલી પસંદ હોય છે. ઇન્સ્યોરન્સ, પોલીસ, આર્મી, ઇલેક્સ્ટ્રીકલ, સાયકોલોજી, મેડિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ઇજનેરી વગેરે તેમની પસંદ બની શકે છે.

વૃષભ: વૃષભ રાશિના જાતકો વાનગી અને કળાના ચાહક હોય છે, તેઓ માટે રેસ્ટોરાંનો વ્યવસાય સફળતા આપી શકે છે. ફાર્મિંગ, બિલ્ડીંગ, સોનાચાંદી, બેન્કિંગ, શેરદલાલી, ફંડ મેનેજર, ફેશન ડિઝાઇન, બેન્કિંગ વગેરેમાં તેમને જલદી સફળતા મળે છે.

મિથુન: મિથુન રાશિના જાતકો ખૂબ સારી રીતે માર્કેટિંગ કરી શકે છે, તેઓ ઉત્તમ વક્તા હોય છે. મિથુન રાશિના જાતકો સલાહકાર તરીકે પણ સફળ થાય છે. પત્રકાર, પુસ્તકો, સેલ્સ, જાહેર ખબર, કોપી રાઇટર, વકીલાત, કમ્પ્યુટર, ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેઓ જલદી સફળ થાય છે. 

કર્ક: કર્ક રાશિના જાતકો સ્વભાવે સંવેદનશીલ અને બીજાના દુઃખને વાચા આપનાર હોય છે, તેઓમાં માનવીય મૂલ્ય ખુબ વધુ હોય છે. તેઓ હોટલ, નર્સિંગ, રીક્રુટીંગ એજન્સી, એચ આર ઓફિસર, પ્રોપર્ટી ડીલર, શિપિંગ, કેર ટેકર, ઇન્ટેરિયર ડિઝાઇન વગેરેમાં સફળ થઇ શકે છે.

સિંહ: સિંહ રાશિના જાતકો નેચરલી એક અદભુત કલાકાર હોય છે, તેઓ પોતે સ્વતંત્ર મિજાજી હોય છે. એક્ટિંગ, ડાન્સિંગ, મોડેલિંગ, ડ્રેસિંગ, આર્કીટેક, ટીચર, વકીલાત, ટોપ બોસ, ચિત્રકાર, સ્પોર્ટ્સ, ફિલ્મલાઈન અને રાજકારણ વગેરેમાં તેઓ જલ્દી સફળ થાય છે.

કન્યા: કન્યા રાશિના જાતકો તેમની સાવચેતી અને સમય બદ્ધતા માટે જાણીતા હોય છે, મેડિકલ, નર્સિંગ, ડાયેટિશિયન, હાઇજીન, આસિસ્ટન્ટ, વૈજ્ઞાનિક, લેખક, માહિતી ખાતા, લાયબ્રેરી, આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ્સ, શિક્ષક, કન્સલ્ટિંગ એક્સપર્ટ, ફાર્મિંગ વગેરે તરીકે તેઓ સફળ થાય છે.

તુલા: એડજસ્ટમેન્ટ, રિલેશન અને વ્યાપારિક સ્વભાવ ધરાવતી આ રાશિના જાતકો બિઝનેસમાં હરણફાળ ભરતા હોય છે. ડિઝાઇનિંગ, ગ્રાફિક્સ, બ્યુટિશિયન, એસ્ટેટ ડીલર, પ્રોપર્ટી ડીલર, જજ, વકીલ, લોજિસ્ટિક, ઓનલાઇન ટ્રેડિંગ, લે-વેચ વગેરે વ્યવસાયમાં તેઓ સફળ થાય છે.

વૃશ્ચિક: સંશોધન, રહસ્ય અને બદલાવ લાવનારી આ રાશિના જાતકો હંમેશા નવું સર્જન કરવામાં અવ્વલ સાબિત થાય છે. ઇન્વેસ્ટિગેશન, સંશોધન, સાઇકોલોજી, મેડિકલ, જાસૂસી, ક્વોલિટી ઇન્સ્પેક્ટર, વેપન્સ, જ્યોતિષ, વીમા એજન્ટ, ફાર્મા વગેરે ક્ષેત્રોમાં તેઓ સફળ થઇ શકે છે.

ધન: આત્મખોજ, પ્રશ્નવૃત્તિ અને જોશથી ચાલતી આ રાશિના જાતકોમાં સ્પોર્ટ્સમેનશિપ અદભૂત હોય છે, તેઓ છેવટ સુધી લડત આપીને જીતે છે. ટ્રાવેલ, ફિલોસોફી, ટીચર, પ્રોફેસર, પબ્લિક રિલેશન, લેખક, સ્પોર્ટ્સ, સિવિલ ઇજનેરી, ધાર્મિક કાર્ય, ધર્મ પ્રચાર, ટ્રેકિંગ વગેરેમાં તેઓ સફળ થાય છે.

મકર: સત્તા, જવાબદારી અને ફાયદાનો સોદો કરનાર આ રાશિના જાતકો નાના ઉદ્યોગો અને સરકારી નોકરીમાં સફળ થાય છે. તેઓ કાયદા અને હુકમ પાલનમાં માનનારા હોય છે. સરકારી નોકરી, મેનેજમેન્ટ સ્ટાફ, સિવિલ સર્વિસ, મેનેજર, મેડિકલ, બિલ્ડર, એન્જીનીયર, કાઉન્સિલર તરીકે તેઓ સફળ થાય છે.

કુંભ: કુંભ રાશિએ આધુનિકતાસભર રાશિ છે. આ રાશિને નવા જમાના સાથે ચાલતા જલદી આવડે છે, તેઓ જલ્દીથી નવી વસ્તુઓ અને પદ્ધતિઓ સમજે છે. સ્ટાર્ટઅપ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર, રિસર્ચ, ઓનલાઇન શોપિંગ, ખગોળ, પ્રોફેસર, પર્યાવરણ શાસ્ત્ર, કેમિકલ વગેરે તેમને જલ્દી સફળ બનાવે છે.

મીન: સ્વપ્નસેવી અને સેવાભાવી આ રાશિના જાતકો ઉત્તમ ડોક્ટર્સ હોય છે, તે સાથે તેઓ સમાજ સેવક અને સુધારાવાદી પણ હોય છે. તેઓ લેખક, ફોટોગ્રાફી, સિનેમા, મેડિકલ, માનવ અધિકાર, જ્યોતિષ, હિલર, થેરપિસ્ટ, હવાઈ સેવાઓ, ટ્રાવેલ એજન્ટ વગેરેમાં તેઓ સફળ થઇ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]