વાસ્તુ: શું ઈશાનના બધા દ્વારા સકારાત્મક હોય છે?

કાળઝાળ ગરમી અને અછત વચ્ચે જીવતો માણસ ક્યારેક અંતિમ નિર્ણય લેવાનો વિચાર કરે છે. પણ અંતિમ એટલે શું? દરેક વ્યક્તિ માટે તેની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. કોઈને બધુજ છોડી દેવાનો વિચાર આવે તો કોઈને લડી લેવાનો. રામાયણ તરફ નજર કરીએ તો સમજાય છે કે સહજતા, સન્માન અને કર્તવ્યનિષ્ઠ હોવું એ વ્યક્તિત્વ નિખારવામાં મદદરૂપ થાય છે. પિતાના સન્માન માટે રામ વનમાં ગયા પણ એમણે વનવાસ દરમિયાન અન્યનું ભલું ચાહ્યું. ભરતને ગાદી મળી હોવા છતાં એણે એને રામની અમાનત સમજી, જટાયુએ સીતાજીનું રક્ષણ કરવા પ્રાણ ત્યાગી દીધા, રાવણ  બ્રાહ્મણ ધર્મ નિભાવવા પોતાના પ્રતિસ્પર્ધીને પણ વિજય માટેની પૂજા કરાવે, સુષેણ વૈદ્ય રાવણનો વૈદ્ય હોવા છતાં લક્ષ્મણની સારવાર માટે આવે, વિગેરે પ્રસંગો આપણી સાચી સંસ્કૃતિ છે. આ બધા જ નિર્ણય અંતિમ હોઈ શકે, પણ સકારાત્મક હતા. એવા સકારાત્મક નિયમોનું શાસ્ત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર.

મિત્રો, આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ જરૂરથી નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારા વડવાઓ ભારતીય હતા. મધ્યકાળમાં મારા દાદા વિદેશ ગયા અને પછી અમારા વિચારો બદલાયા. હું ભારત પાછી આવી મને ભારતીય રીતે રહેવાનું ગમ્યું. પણ મારા કેટલાક મિત્રો મને એ કરવાની ના પાડે છે. તમારા એક લેખમાં મેં વાસ્તુ વિષે વાંચ્યું હતું. હવે મને કહેવામાં આવ્યું છે કે વાસ્તુના નિયમો માત્ર ભારતમાં રહેતા લોકો માટે જ છે. મારે શું કરવું જોઈએ? મને વાસ્તુ આધારિત ફેરફાર કરવાથી લાભ તો થયો જ છે. પણ એવું કરવાથી કોઈ પાપ તો ન લાગે ને? મહેરબાની કરીને સમજાવો ને.

જવાબ: ભારતીય શાસ્ત્રો માનવ જાતિને મદદ કરવા માટે રચાયેલા છે. જો તમે માનવ છો તો વાસ્તુના નિયમો તમારા માટે છે જ. આ કામ આ જ વ્યક્તિ કરી શકે એવું ક્યારેય નિશ્ચિત નથી હોતું. હા. જે તે વ્યક્તિની આવડત, ઈચ્છા અને સુઝ જોવી પડે. પણ એ વિદેશી છે એટલે ભારતીય શાસ્ત્રોનું પાલન ન કરી શકે એવું ન હોય. સૂર્ય કોનો છે? એના પ્રકાશ વિષે વાસ્તુશાસ્ત્રમાં સમજણ આપી છે. જો તમે સૂર્યની હાજરીને નહિ સમજો તો શું અંધારામાં કામ કરશો? જો કે ઘણી બધી બંધિયાર જગ્યાઓમાં લોકો માત્ર ઇલેક્ટ્રિક પ્રકાશમાં કામ કરે છે. પણ એ એમની મજબૂરી છે. ચંદ્ર કોનો છે? ભારતીય પંચાંગનો આધાર એ જ છે ને? જો સૂર્ય અને ચંદ્ર બંનેની ગેરહાજરીમાં કામ કરવાનું હોય તો માત્ર અમાસની રાત્રી જ બચે. પણ ત્યારે અન્ય પરિબળો તો કાર્યરત હશે જ. હવે વાત રહી ઘરની અંદરના નિયમોની.

જો ભારતમાં રહેતી વ્યક્તિઓ ભારતીય છે તો એમના સારા સ્વાસ્થ્ય અને સુખના નિયમો પણ સમાન જ હોય ને? જ્યાં સુધી આપણે સભાનપણે કોઈનું નુકશાન નથી કરતા ત્યાં ડરવાની જરૂર નથી. વળી આપ પોતે જ કહો છો કે વાસ્તુના નિયમોથી આપને લાભ થયો છે. તો બસ, આપના અનુભવ પર વિશ્વાસ કરો.

સવાલ: મારા ઘરનો દરવાજો ઈશાનમાં ઉત્તર તરફ છે. મેં જયારે ફ્લેટ લીધો ત્યારે બિલ્ડરે કહ્યું હતું કે આ દ્વાર વાસ્તુ આધારિત છે. પણ આ ઘરમાં આવ્યા પછી કોઈને કોઈ સમસ્યા આવ્યા કરે છે. થાકીને મેં ઘર વેંચવા કાઢ્યું છે પણ એમાં પણ મારા અંગત લોકોજ વચ્ચે આવે છે. મારે એ જાણવું છે કે મારું દ્વાર સકારાત્મક ગણાય કે નહિ?

જવાબ: જી. નહિ. ઈશાનમાં ઉત્તર તરફનું દ્વાર આપના અનુભવ મુજબનું જ ગણાય છે. પોતાની અંગત વ્યક્તિ પીઠ પાછળ બદલાઈ જાય એવું બને. જો કે ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં એનો ઉપાય છે.

સુચન: એક એવી ગેર માન્યતા છે કે ઈશાનના બધા દ્વાર સકારાત્મક છે. બરાબર ઇશાન ખૂણામાં આવેલ દ્વાર માટે આ વાત સાચી નથી.

આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com