વાસ્તુ: ઘર કે મંદિરમાં પૂજા કરવા માટે કઈ દિશા શ્રેષ્ઠ?

ધર્મ એટલે શું એના વિષેની ચર્ચાની સાર લખવા આખી પૃથ્વીને ફરતો કાગળ ફેરવીએ અને એના પર લખીએ તો પણ ઓછો પડે. કારણ કે ધર્મ વ્યક્તિગત રીતે અલગ અલગ રીતે સમજાય છે. પંથ, જાતી કે માન્યતાઓને મૂળભૂત ધર્મની વ્યાખ્યા સાથે જોડી શકાય કે નહિ તે પણ ચર્ચાનો વિષય છે. વળી જેને ધર્મની સાચી સમજણ નથી તે પણ ધર્મ વિશેની ચર્ચા તો કરે જ છે. તેથી જ કદાચ ધર્મને વ્યખ્યાન્વિત કરવામાં ઘણા લોકોને તકલીફ પડે છે. ભારતમાં “પરસ્પર દેવો ભવ” ની વાત કરવામાં આવી છે. ઈશ્વર સર્વત્ર છે એવી વાત જ કેટલી અદ્ભુત છે? જ્યારથી ઈશ્વર માત્ર દેવસ્થાનમાં જ છે એવી માન્યતા ઉભી થઇ ત્યારથી માણસને કેટલીક બાબતમાં સંકોચ ન થાય એવું બને. પણ કોઈ ગેરમાન્યતા સનાતન સત્યને બદલી શકે ખરી? “ જે વ્યવહાર કોઈ આપણી સાથે કરે અને આપણને ન ગમે, એવો વ્યવહાર આપણે અન્ય સાથે ન કરીએ.” આને ધર્મની સમજણ કહી શકાય? તેથી જ આપણા શાસ્ત્રો માનવ જાતિના ઉત્થાન માટેની શ્રેષ્ઠ વાતોથી ભરેલા છે. આવુજ એક અદ્ભુત શાસ્ત્ર એટલે વાસ્તુશાસ્ત્ર.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: આપના લેખ વાંચતા વાંચતા લગભગ પચીસ વરસ તો થઇ જ ગયા. સમય કેટલો ઝડપથી પસાર થાય છે? અઢાર વરસ પહેલા આપનો વાસ્તુશાસ્ત્રનો પહેલો ટીવી એપિસોડ જોયો હતો. મારો પાંચ વરસનો દીકરો આપને અચૂક જોતો. અને પછી આપની નકલ કરતો. એ પણ હવે પરણવા લાયક થઇ ગયો છે. મારા સાસુ તો સાસુ વહુની સીરીયલ્સ છોડીને તમારો શો જોવા બેસી જતા હતા. અને પછી મારા સસરાને સલાહ આપતા હતા. આપની સમજાવવાની સરળ રીત અને સાચી સમજણ આપવાની વાત અમને બધાને પ્રિય છે. અમને આપના જ્ઞાનથી ઘણા લાભ પણ થયા છે. આમ તો આપના લેખમાંથી ઘણું જાણ્યું છે.

એક અગત્યનો સવાલ છે. આપણે મંદિરમાં જઈએ ત્યારે જે દિશામાં ઉભા રહીને પૂજા કરીએ છીએ. ઘરમાં એનાથી ઊંધી દિશામાં આપણે પૂજા કેમ કરીએ છીએ?

જવાબ: બહેન શ્રી. નમસ્તે. આપના પરિવારને ભારતીય વાસ્તુમાં રસ છે તે જાણીને ખરેખર આનંદ થયો. દેવસ્થાન અને મંદિર બંને શબ્દોને યોગ્ય રીતે સમજવા જરૂરી છે. મોટા ભાગના લોકો એ બંનેના નિયમોને એક બીજામાં ભેળવી દે છે. જેના લીધે વિમાસણ ઉભી થાય છે. મંદિરની રચના કરતી વખતે એનું દ્વાર પૂર્વમાં રાખવામાં આવે છે. જયારે ઘરના દેવ સ્થાનમાં આપણે પૂર્વ તરફ મુખ રાખીને પૂજા કરીએ છીએ. ઘરમાં જે પૂજા થાય છે તે જગ્યાની રચના પણ મંદિરની રચનાથી અલગ હોય છે. આ વિષે આપને સવાલ ઉદ્ભવ્યો એ ખુબ જ સારી વાત છે. કારણ કે આ વિશેની સાચી સમજણ ઘણા બધા લોકોને મદદરૂપ થશે. ઘરના દેવસ્થાનમાં ઉપર વજન મુકવાનો નિષેધ છે. કેટલાક લોકો તેને મંદિર જેવું જોવા માટે એની ઉપર છુટા ઘુમ્મટ મુકે છે. જે યોગ્ય નથી. દેવસ્થાનમાં નવ ઈંચથી મોટી મૂર્તિ પણ ન રખાય. આપના પરિવારને મારી શુભેચ્છાઓ.

સવાલ: સાવ સાચી વાત કરું ને તો મને આજે જ મારી પાડોસણે તમારો લેખ વંચાવ્યો. મારે ઘરેથી બહાર જવાનું ભાગ્યેજ થાય. વળી અમારામાં વહુથી કોઈની સાથે બહુ વાત પણ ન થાય. મને તમારું લખાણ ગમ્યું. હું તો રીલ્સ જોઇને ઘરમાં ફેરફાર કરતી હતી. પણ બે ચાર એવા અનુભવ થયા કે પછી એ બધું છોડી જ દીધું. મને તો વાસ્તુશાસ્ત્ર માંથી પણ ભરોસો ઉઠી ગયો હતો. પણ મારી પાડોસણે તમારા ખુબ વખાણ કર્યા એટલે થયું કે લાવ પૂછી જોઉં.

મારા પતિને આત્મવિશ્વાસ જ નથી. સાવ માવડિયા છે. આખો દિવસ ઢસરડો કરીને એમની રાહ જોતી હોઉં તો બહાના કાઢીને સુઈ જાય. મારી સાસુ વાંઝણી કહીને મેણા મારે. મને તો સમજાતું જ નથી કે શું કરું. જાણે મફતની કામવાળી હોઉં એવું લાગે છે. પિયરમાં પણ હવે કોઈ રહ્યું નથી. કોઈ ઉપાય આપોને. લખવામાં કોઈ ભૂલ થઇ હોય તો નાની બેન સમજીને ચલાવી લેજો.

જવાબ: બહેન શ્રી. આપણા સમાજમાં કેટલીક જગ્યાએ નારીને જે રીતે સમજવામાં આવે છે તે સાચેજ દયનીય છે. આપના સાસુને સાચી વાત કહી દો. એ વિરોધ કરી શકે છે. એટલે કહ્યા પછી ચર્ચા ન કરશો. આપના ઘરમાં ઉત્તર, બ્રહ્મ, અને દક્ષિણનો દોષ છે. જેના કારણે પુરુષનો આત્મવિશ્વાસ ઓછો રહે અને નારીને અસંતોષ રહે. આ ઉપરાંત પશ્ચિમનો અક્ષ પણ નકારાત્મક છે. જેના કારણે નવી પેઢી ન આવે એવું બને.

આપના ઘરમાં શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવો. ઘરમાં મહામૃત્યુંન્જાયના જાપ કરો. દર બુધવારે સમળાના વૃક્ષને દૂધ ચડાવો. તમે યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો.

સુચન: ઉત્તરના અમુક દોષ નપુન્સકતા આપી શકે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)