હોળી દરમિયાન વાસ્તુના કોઈ નિયમોથી ફાયદો થાય ખરો?

ફાગણી પૂનમ એટલે હોળી. ઇકો ફ્રેન્ડલી હોળી, અને ધુળેટીની વાતો થયા પછી રેઇન ડાન્સ કરીને ઉજવણી પૂરી કરાય ત્યારે વિચાર આવે કે વરસાદના છાંટાથી ગભરાઈને છત્રીઓ ખોલી નાખતા હોય એવા લોકો પણ રેઇન ડાન્સની મજા લેતા હોય ત્યારે ઇકો ફ્રેન્ડલી કોને કહેવું? શું ભારતીય હોવાનો ડોળ અને સાચા અર્થમાં ભારતીય હોવું એ બંનેને સમાન ગણી શકાય? કેસુડાના ફૂલ સુકાઈને જમીન પર પડી રાહ જોતા હોય કે કદાચ કોઈ મને પારખીને લઇ જશે અને કેમિકલ વાળા રંગો છવાઈ રહ્યા હોય ત્યારે દિશા તરફની ઉદાસીનતા પણ સમજાય. સાચા અર્થમાં ભારતીય બનવા માટે આપણી પરંપરાઓ પાછળના વિજ્ઞાનને સમજવું જરૂરી છે. બદલાતા વાતાવરણની નકારાત્મક અસરને નિવારવા આયુર્વેદ અને મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને ધૂળેટી રમવાની પ્રથા આવી હોય એવું બને. પણ હોળી છે એટલે કશું પણ ચાલે એવું તો ન જ ચાલે.

આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: નમસ્તે. અમે નાના હતા ત્યારે દરેક તહેવારની સાથે જોડાયેલી એક વાત ઘરના વડીલો અમને કહેતા. એ વાર્તાને સમજ્યા વિના અમે એને માની લેતા. આપના લેખ વાંચ્યા પછી એ વાર્તાઓ પાછળનું વિજ્ઞાન શોધવાની ટેવ પડી. થોડા સમયથી એક મુંજવણ ચાલી રહી છે. જાત જાતની રીલ્સ નજરે ચડે છે. જેમાં કોઈ આધાર વિનાની માહિતી જોવા મળે છે. અને લાખો લોકો એને લાઈક પણ કરે છે. પણ મને સતત ડર લાગે છે કે આવી રીલ્સ જોઇને આપણું યુવા ધન ક્યાં પહોંચશે? અંધશ્રદ્ધા, કાલ્પનિક ભય અને ફેલાતું અસત્ય જ્યાં આધાર હોય ત્યાં આપણા શાસ્ત્રોની વાત કોણ સમજશે? વાકછટા અને દેખાડાની દુનિયામાં શાસ્ત્રોની સાચી સમજણ ક્યાંથી મળશે? હોળીના દિવસે કઈ રાશિના લોકોએ કેટલા વાગે રમવું અને કેવા રંગના કપડા પહેરવા એ વાતો હાસ્યાસ્પદ લાગે છે. શું ખરેખર આવું હોય ખરું? વળી અમુક જગ્યાએ તો દરેક ગ્રહની ચાલને પણ ડરામણી બનાવીને લાઈક મેળવવામાં આવે છે. ભય ફેલાવ્યા વિના વાત ન થાય?હોળી દરમિયાન વાસ્તુના કોઈ નિયમોથી ફાયદો થાય ખરો?

જવાબ: પ્રણામ. એક તરફ તમે સમાજની નકારાત્મક દિશાની વાત કરો છો અને તમે જ અંતમાં એ પ્રકારનો સવાલ પૂછો છો? સ્વાર્થ પણ ભય સાથે જોડાયેલો છે. રીલ્સ માત્ર મનોરંજન માટે હોય છે. શું કોઈ રીલ્સ જોઇને પોતાનું ઓપરેશન કરશે? જોવામાં તો એ પણ સરળ જ હોય છે. પણ જે વિષય સાથે જીવનની ઉર્જા જોડાયેલી છે એમાં અખતરા ચોક્કસ કરશે. જયારે આખો સમાજ જ સત્યથી વિમુખ હોય ત્યારે રીલ્સ અભ્યાસનું સાધન બની શકે.

આપણા દરેક તહેવાર પાછળ કોઈ વિજ્ઞાન રહેલું છે. પણ આપણને એનું જ્ઞાન છે એવું કહેવામાં નાનપ આવે છે. એક વ્યક્તિને મેં એવું કહેતા સાંભળ્યા હતા કે બિચારા બ્રાહ્મણોને તો શિક્ષણ આપીને ગુજરાન ચલાવવું પડે છે. જયારે સમાજમાં શિક્ષક પ્રત્યેનું સન્માન ઘટે ત્યારે આવા વિચારો ધરાવતો સમાજ દેખાય. પણ આગળની પેઢી કશુક ચુકી ગઈ જેના લીધે આવી વિચારધારા આવી. જયારે ઘરે ઘરે શાસ્ત્રો વિષે સન્માન જાગશે અને વેદને સમજવાની વૃત્તિ જાગશે ત્યારે આપણી દિશા બદલાઈ શકશે.

ધૂળેટી રમવા માટે માત્ર ઉત્સાહ અને આનંદ જરૂરો છે. હા, કોઈને પરાણે રંગીને હોળી છે એટલે બધું ચાલે એવું ન કરાય. સહુને હોળીની શુભેચ્છા.

સુચન: જળ એ જીવન છે. ભારતીય વાસ્તુ નિયમ અનુસાર પાણીનો વેડફાટ નકારાત્મક ઉર્જાને જાગૃત કરે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)